• મંગળવાર, 19 મે, 2026

છાત્રોને સ્વચ્છતા અને વ્યક્તિત્વ વિકાસ અંગે માર્ગદર્શન અપાયું

ભુજ, તા. 18 : કચ્છ સેવા ઈન્ટરનેશનલ ભારત દ્વારા લખપત તાલુકાની દયાપર કન્યાશાળા, ગુનેરી પ્રાથમિક અને લાખાપર શાળાઓમાં શૌચાલય લોકાર્પણ સાથે વોશ ક્લબ રચના અને પર્સનાલિટી ડેવલપમેન્ટ કાર્યક્રમનું આયોજન  કરવામાં આવ્યું હતું. મુખ્ય હેતુ વિદ્યાર્થિનીઓમાં સ્વચ્છતા, આરોગ્ય જાગૃતિ અને વ્યક્તિત્વ વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો. વોશ ક્લબના ગઠન દ્વારા સ્વચ્છતા જાળવવા, હાથ ધોવાની યોગ્ય આદત વિકસાવવા અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા પર ભાર મુકાયો હતો. હિતેશભાઈ ચૌધરી દ્વારા યોજાયેલા સત્ર દરમિયાન વિદ્યાર્થિનીઓએ વિવિધ યોગાસન અને પ્રાણાયામનો અભ્યાસ કરાવાયો હતો. દયાપર પોલીસ સ્ટેશનની ટીમમાંથી ધારાબેન જેશડિયાએ વ્યક્તિ વર્તન, સુરક્ષા અને ગુડ ટચ-બેડ ટચ અંગે માર્ગદર્શન આપ્યું હતું. લખપત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હર્ષદભાઈ પંચાલ, બીઆરસી કો-ઓર્ડિનેટર જિગરભાઈ સુથાર, કુંભાર અબ્દુલમજીદ, નીમિષાબેન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. ગુનેરી ખાતે લખપત તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ જશુભા જાડેજા, સામાજિક અગ્રણી દેવાજી જાડેજા તેમજ હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના શિક્ષક હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા દયાપર કન્યાશાળાના આચાર્ય પ્રવીણકુમાર પરમાર, લાખાપરના આચાર્યા તેજલબેન ચૌહાણ, ગુનેરીના આચાર્ય હિતેશભાઈ ચૌધરીએ વ્યવસ્થા સંભાળી હતી. સીમાબેન બબરિયા, સંગીતાબેન ચૌહાણ અને દીપમાલાબેનએ કન્યાઓને માર્ગદર્શન આપ્યું હતું. સેવા ઈન્ટરનેશનલ તરફથી મહેન્દ્ર ભાનાણી અને નીતિનભાઈ ગરવાએ આયોજન અને સંકલન સંભાળ્યું હતું.

Panchang

dd