માંડવી, તા. 18 : અહીંના સ્વામિનારાયણ
મંદિર ખાતે વૃંદાવન સેવા અમૃત મહોત્સવનો પ્રારંભ થયો હતો, આ અવસરે નીકળેલી 2700 જેટલી પોથીયાત્રા થકી શહેર ભક્તિમય બન્યું હતું. ભુજ
સ્વામિનારાયણ મંદિરના મહંત ધર્મનંદનદાસજી સ્વામીની આજ્ઞાથી માંડવી સ્વામિનારાયણ મંદિર
દ્વારા સંપ્રદાયના ઐતિહાસિક મહાપર્વ `વૃંદાવન
સેવા અમૃત મહોત્સવ'નો પોથીયાત્રા સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો. કોઠારી પાર્ષદવય જાદવજી ભગત,
માંડવી મંદિરના મહંત કેશવજીવનદાસજી સ્વામી, વડીલ
સંત સ્વામી સનાતનદાસજી, સ્વામી માધવ પ્રસાદદાસજી, શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશદાસજી સહિત સંતોએ ઉપસ્થિત રહ્યા હતા. બપોર બાદ શહેરમાં પોથીયાત્રા નીકળી હતી,
જેમાં 2700 જેટલી પોથી સાથે મોટી સંખ્યામાં હરિભક્તોએ ઉત્સાહભેર
ભાગ લીધો હતો. રાસમંડળ, ભજન-કીર્તન અને ધાર્મિક ઝાંખીઓ સાથે નીકળેલી યાત્રાએ વાજતે-ગાજતે કથા મંડપમાં
પહોંચી હતી, સભાનું સંચાલન શાસ્ત્રી સ્વામી શુકદેવ સ્વરૂપદાસજીએ
કર્યું હતું.