ગાંધીધામ, તા. 18 : ગાંધીધામ મહાનગરપાલિકાના નવા કમિશનરે સોમવારે
ચાર્જ સંભાળી લીધો હતો અને બંને નાયબ મ્યુનિસિપલ કમિશનરો સાથે જરૂરી મુદ્દાઓ ઉપર
ચર્ચાઓ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર મનીષ
ગુરુવાણીની નવસારી જિલ્લા કલેક્ટર તરીકે બદલી થયા બાદ તેમની જગ્યાએ વડોદરાથી અહીં
કમિશનર તરીકે મુકાયેલા બી.ડી. દવેરાએ ચાર્જ સંભાળી લીધો છે અને નાયબ મ્યુનિસિપલ
કમિશનર મેહુલ દેસાઈ અને નાઈટ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજ સાથે જરૂરી મુદ્દાઓ
ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી. ચાર્જ સંભાળ્યા બાદ કમિશનરે વિકાસકાર્યોને વેગ આપવાનો
સંકેત આપ્યો હતો. જો કે, અધિકારીઓ અને કર્મચારીઓ સાથે
સમીક્ષા કર્યા પછી જરૂરી પગલાં ભરવામાં આવે તેવી શક્યતાઓ છે. હાલના સમયે
મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલતા વિકાસના કામો ઉપર દેખરેખ રાખવામાં ન આવતી હોવાથી
કોન્ટ્રાક્ટરો મનસ્વી રીતે કામો કરી રહ્યા છે તેમજ ગુણવત્તા સાથે બાંધછોડ થઈ રહી
હોવાના આક્ષેપો શહેરના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને
ચોમાસાંની સિઝન માથે છે અને ઘણા વિસ્તારોમાં કામો ધીમી ગતિએ થઈ રહ્યાં છે ત્યાં
ગુણવત્તા સાથે બાંધછોડ કરવામાં આવતી હોવાના આક્ષેપો છે. મ્યુનિસિપલ કમિશનર
કામગીરીની સમીક્ષા કરે તે જરૂરી છે.