ભુજ-ગાંધીધામ, તા. 18 : અમેરિકા-ઈરાન યુદ્ધની અસર તળે કચ્છમાં છેલ્લા
કેટલાક સમયથી સર્જાયેલ ડીઝલની તંગીનું સંકટ થાળે પડવાના બદલે વધુ ઘેરું બન્યું છે.
વહીવટી તંત્રના સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાના દાવા વચ્ચે સૂરજબારીથી લઈ લખપત સુધીના
મોટાભાગના પંપો પર ડીઝલનો જથ્થો ખલાસ થતાં વિશેષ રીતે પરિવહન ક્ષેત્રે સંકળાયેલા
વાહનચાલકોની હાલાકી વધી છે. ડીઝલ અછતની સમસ્યા વિકટ બનતાં પરિવહન ઉદ્યોગકારોએ
પહેલી જૂનથી ચક્કાજામની ચીમકી આપતાં મામલો વધુ પેચીદો બન્યો છે. સરકારે જે
ટ્રાન્સપોર્ટરો કે ઔદ્યોગિક એકમો કન્ઝ્યુમર પંપ ધરાવે છે તેમનાં વાહનોને રિટેલ
પેટ્રોલ પંપ પરથી ડીઝલ ન લેવા ખાસ સૂચના અપાઈ છે. આવા કિસ્સામાં કડક કાર્યવાહીની
તાકીદ પણ કરવામાં આવી છે. એ વચ્ચે ગાંધીધામમાં એકત્રિત થયેલા પરિવહન ઉદ્યોગકારોએ 31મી
મે સુધી આ સમસ્યા નહીં ઉકેલાય તો પહેલી જૂનથી વાહનોનાં પૈડાં થંભી દેવાનું
આખરીનામું આપ્યું છે. ઘેરાં બનેલાં સંકટ વચ્ચે જિલ્લાના મોટાભાગના વિસ્તારના પંપો
પર ડીઝલ ભરાવવા માટે વાહનોની લાગેલી લાંબી કતારોએ ટ્રાફિકજામ સહિતની સમસ્યા સર્જી
હતી. ગાંધીધામ બ્યૂરોના અહેવાલ મુજબ મધ્ય-પૂર્વમાં ચાલતા
ઘર્ષણનાં કારણે દેશના વિવિધ વિસ્તારોમાં ડીઝલ સહિતના ઈંધણોની તંગી સર્જાઈ છે.
આ મુશ્કેલીનાં કારણે કચ્છના પરિવહન
ઉદ્યોગકારે ત્રસ્ત બન્યા છે. બીજી પોર્ટની
કામગીરીને અસર પડી રહી છે. ગાંધીધામ ચેમ્બર ભવન ખાતે જુદા-જુદા પરિવહન સંગઠન સહિતનાં સંગઠનોની બેઠક
યોજાઈ હતી, જેમાં 31મી
સુધી ડીઝલ અછતની મુશ્કેલી નહીં નિવારાય તો એક જૂનથી પરિવહન ઉદ્યોગકારોએ સ્વેચ્છાએ પૈડાં થંભાવી દેવાની ચીમકી ઉચ્ચારી હતી.
રોજબરોજ ડીઝલ મેળવવા માટે પરિવહન ઉદ્યોગકારોની પરોજળ તેમજ તા. 16-5ના
કલેક્ટરના પરિપત્ર મુજબ કન્ઝ્યુમર પંપ ધરાવતા ટ્રાન્સપોર્ટરોને રિટેલ પંપ ઉપરથી
ડીઝલ આપવાનું બંધ કરી રૂા. 137વાળું ડીઝલ ઉપયોગ કરવાની સૂચના, નવી વી.એલ.ટી.ડી. સિસ્ટમની કનગડત સહિતના મુદ્દાને લઈને ગાંધીધામ ચેમ્બર ભવન ખાતે આજે બેઠક યોજાઈ હતી.
ડીઝલના
અભાવે પોર્ટની કામગીરીને અસર
ચેમ્બર
પ્રમુખ તેજાભાઈ કાનગડની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ડીઝલ મેળવવા માટેની હાલાકીને
લઈને પરિવહન ઉદ્યોગકારોને બેવડો માર પડી રહ્યો છે. આ ઉપરાંત પોર્ટની કામગીરી માટે
ઉપયોગમાં લેવાતાં વાહનો માટે ડીઝલ ન મળતાં પોર્ટની કામગીરીને અસર પડતી હોવાની ફરિયાદો ઊઠી હતી.
શિપિંગ
ઉદ્યોગને રાહત આપો
દરમ્યાન
યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં લઈને સ્થાનિક
મેજર ફોર્સ જાહેર કરીને શિપિંગ ઉદ્યોગકારોને
રાહત આપવાની માંગ પણ કરાઈ હતી. દરમ્યાન વર્તમાન સ્થિતિ તથા ભાવિ સ્થિતિને લઈને
સારથિઓ જતા રહ્યા છે. અંજારમાં માઈનિંગ માટે પણ ડીઝલ ન મળતું હોવાની પણ ફરિયાદ ઊઠી હતી. અનેક જગ્યાએ માલપરિવહન વાહન
ઊભા રહી જતાં આયાત-નિકાસ એક્ઝિમને અસર પડી છે. લોજિસ્ટિક કડીઓમાં વિક્ષેપથી
ભવિષ્યમાં મોટી સમસ્યા સર્જાવાથી ચિંતા પણ આ વેળાએ વ્યક્ત કરવામાં આવી હતી. જુદા -
જુદા પરિવહન સંગઠનો, ટિમ્બર એસોસીએશન, શિપિંગ ઉદ્યોગકારો, પેટ્રોલ પંપ સંચાલકો વિગેરેની
ઉપસ્થિતિમાં મહત્ત્વના નિર્ણય લેવાયા હતા.
ચેમ્બર
દ્વારા પૂરતો ડીઝલનો જથ્થો ફાળવવા રજૂઆત કરાશે
આગામી
દિવસોમાં ચેમ્બર દ્વારા જુદાં-જુદાં
સંગઠનોના પ્રતિનિધિઓને સાથે રાખીને વહીવટી તંત્ર તથા પ્રેટ્રોલિયમ કંપનીઓ સાથે
સંકલન કરી પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો આપવા મુદ્દે રજૂઆત કરાશે તેમજ આગામી 31 મે
સુધી આ સમસ્યા નહીં ઉકેલાય તો એક જૂનથી ટ્રાન્સપોર્ટરો પોતાનાં વાહનનાં પૈડાં
સ્વેચ્છાએ થંભાવી દેશે તેવો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો.
પ્રતિદિન
સાંજે મંથન કરાશે
નોંધપાત્ર
એ છે કે,
અનેક પરિવહન ઉદ્યોગકારો આજથી લડત કરવાના મૂડમાં જણાયા હતા. અલબત્ત
ચેમ્બર દ્વારા સંબંધિતો સમક્ષ રજૂઆત કરવા સહિતના મુદ્દે યોગ્ય કરવાની હૈયાધારણ
અપાઈ હતી. સમસ્યા ઉકેલવાની દિશામાં દરરોજ સાંજે
મનોમથંન પણ કરાશે. આ બેઠકમાં ચેમ્બરના મંત્રી મહેશ તીથાર્ણી, ઉપપ્રમુખ દીપક પારેખ, સહમંત્રી જતિન અગ્રવાલ,
કારોબારી સભ્ય હરીશ માહેશ્વરી, શિપિંગ
ઉદ્યોગકાર મનોજ મનસુખાણી તથા જગદીશ નાહટા, શિવજીભાઈ આહીર,
નવનીતભાઈ ગજ્જર, પ્રકાશભાઈ ઠક્કર, ધીરેન છાયા, રમેશ મ્યાત્રા, શરદ
શેટ્ટી, કમલેશ રામચંદાની, આદિલ શેઠના,
નરેન્દ્ર રામાણી, રાકેશકુમાર જૈન, દામજી ભાનુશાલી, બાબુભાઈ આહીર સહિતના ઉપસ્થિત રહ્યા
હતા.
42 લાખ
લિટર ડીઝલનો જથ્થો ઉપલબ્ધ : કલેક્ટર
જિલ્લા
કલેકટર અનિલ રાણાવસિયા અને જિલ્લા પુરવઠા અધિકારી અર્શ હાજમીએ કહ્યું કે, પરિસ્થિતિ પર તંત્રની ચાંપતી નજર છે. હાલ જિલ્લાના 346 પંપમાં
42 લાખ
લિટર ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે. સતાવાર રીતે નખત્રાણા વિસ્તારના એક પંપમાં ડીઝલનો
જથ્થો ખલાસ થઈ ગયો છે. એ સિવાય જથ્થો ઉપલબ્ધ છે. કન્ઝ્યુમર પંપ ધારકોને રિટેલમાં
ડીઝલ લેવાની ના પાડતા પરિપત્રથી સમસ્યા વધુ વક્તરી છે. માધાપર પાસેના કેટલાક પંપ
ધારકો ઓર્ડર જ આપતા ન હોવાથી સંબંધીત સેલ્સ ઓફિસરને આ બાબતે જાણ કરી છે.