ગાંધીધામ, તા. 3 : અન્ય ક્ષેત્રોમાં કદાચ ફાયદો થાય તો તે કોઈ એક ક્ષેત્રને જ ફાયદો થાય પરંતુ શિક્ષણનાં માધ્યમથી સાર્વત્રિક પ્રગતિ અને વિકાસ થાય છે. કચ્છમિત્રએ ગાંધીધામમાં એજ્યુકેશન એક્સ્પોનું આયોજન કરીને સમાજ, સંસ્થા અને સરકારનું કાર્ય કર્યું છે,
જે અભિનંદનીય છે, તેવું રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમંત્રી અને અંજારના
ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ ત્રણ દિવસીય એજ્યુકેશન એક્સ્પોનું ઉદ્ઘાટન કરતાં
જણાવ્યું હતું. - યુનિવર્સિટી સ્થપાયા બાદ કચ્છમાં
ઉચ્ચ શિક્ષણનો વિકાસ થયો : ડો. બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર
ખાતે આયોજિત એક્સ્પોના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ પદેથી બોલતાં રાજ્યમંત્રીએ કહ્યું હતું કે, કચ્છમિત્રએ આ એઁક્સ્પોનું આયોજન કરીને ઘોડાને
તળાવ સુધી લાવવાનું કામ કર્યું છે. તેમણે ઉમેર્યું
હતું કે, એક સમયે કચ્છ શિક્ષણ ક્ષેત્રે પછાત હતું. યુનિવર્સિટી આવી ત્યારે કોઈને ખ્યાલ ન હતો કે આ યુનિવર્સિટી કચ્છનાં શિક્ષણની દિશા બદલવામાં
મહત્ત્વનું પરિબળ બની રહેશે. આજે ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન આવ્યાં
હોવાનું કહી અંજારને સરકારી પોલીટેકનિક કોલેજ,
સિનુગ્રામાં એગ્રીકલ્ચર કોલેજ મળી, કચ્છ અંતરિયાળ વિસ્તાર
હોવાથી વિદ્યાર્થીઓનાં હિતમાં યુનિવર્સિટી
દ્વારા એક્સટેન્શન સેન્ટરો શરૂ કરાયાં અને
તેનાં સારાં પરિણામ આવ્યાં હોવાનું જણાવ્યું હતું. આ કાર્યક્રમ થકી યુવાશક્તિને યોગ્ય દિશામાં વાળી
દેશના વિકાસમાં યુવાન કઈ રીતે ઉપયોગી
થઈ શકે અને પોતાની કારકિર્દી ઘડી ઉજ્જવળ ભવિષ્યને
આકાર આપવાનું કાર્ય આ કાર્યક્રમના માધ્યમથી થયું હોવાનું તેમણે કહ્યું હતું. નવી શિક્ષણનીતિ
મુજબ 4 પ્લસ વન અને 3 પ્લસ ટુનું અમલીકરણ થવાનું છે. તેનાં માર્ગદર્શન
માટે પણ કચ્છમિત્ર માધ્યમ બન્યું હોવાનું કહ્યું હતું. - કચ્છના વિદ્યાર્થીઓનાં હિતમાં
શ્રેષ્ઠ આયોજન : એક્સ્પોની મુલાકાત લેતાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ આયોજનને બિરદાવી
કચ્છમિત્ર પરિવારને કચ્છના વિદ્યાર્થીઓનાં
હિતમાં બનેમૂન આયોજન કર્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે વિવિધ સ્ટોલની મુલાકાત લઈને
માહિતી મેળવી હતી. - કચ્છમિત્રનાં
કાર્યને સમાજ સુધી પહોંચાડવા આહ્વાન : ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ ત્રણ દિવસીય એક્સ્પોનાં આયોજન બદલ કચ્છમિત્ર પરિવારને અભિનંદન પાઠવતાં કહ્યું
હતું કે, કચ્છના
વિદ્યાર્થીઓનાં હિતમાં આ એક મોટું કાર્ય
છે. તેમણે આ કાર્યને સમાજ સુધી પહોંચાડવા સૌને હાકલ કરી હતી. આ એક્સ્પોમાં વિદ્યાર્થીઓને તેમની કારકિર્દી માટે મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન મળશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. - ગ્રોસ એનરોલમેન્ટ વધારવામાં
કચ્છમિત્રની અગ્રિમ ભૂમિકા : કચ્છ યુનિવર્સિટીના કુલપતિ
ડો. મોહન પટેલે જણાવ્યું હતું કે એક સમયે શાળાકક્ષાના શિક્ષણમાં આગળના અભ્યાસક્રમ
માટે કાઉન્સેલિંગના ખાસ વર્ગ લેવામાં આવતા
હતા. ઉચ્ચ શિક્ષણમાં મર્યાદાઓ ખૂબ હતી, રેશિયો પણ નીચો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ
મોદીએ ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો ઊંચો લઈ જવા માટે ધ્યેય નક્કી કર્યો છે ત્યારે કચ્છ અને ગુજરાતમાં ગ્રોસ એનરોલમેન્ટ વધારવા માટેના સક્રિય પ્રયાસો ખૂબ જરૂરી અને એ આવશયકતા
પૂરી કરવા માટે કચ્છમિત્ર અગત્યનું કાર્ય કરી રહ્યું છે. કચ્છમાં ઉચ્ચ શિક્ષણને આગળ
વધારવા માટે રાજ્ય સરકાર અને રાજ્યના ઉચ્ચ
શિક્ષણમંત્રીએ સારો સહયોગ આપ્યો હોવાનું કહી કચ્છમાં આગામી સમયમાં લોડાઈ અને
દુધઈ પંથકમાં એક્સટેન્શન સેન્ટર શરૂ
કરવાની દિશામાં કાર્યવાહી શરૂ હોવાનું કહ્યું હતું. સપ્લાય એજ્યુકેશન આપણા માટે મોટો પ્રશ્ન રહ્યો છે. સપ્લાય એજ્યુકેશન સાથે ડિમાન્ડ એજ્યુકેશન
શરૂ કરવાની તાતી જરૂરિયાત હોવાનું તેમણે ભારપૂર્વક
જણાવ્યું હતું. - વિદ્યાર્થીઓ
ઉચ્ચ અભ્યાસની કેડી કંડારશે : કચ્છમિત્રના તંત્રી દીપકભાઈ માંકડે વાગડના આઈએએસ બનેલા યુવાનના પ્રકાશિત ઈન્ટરવ્યૂમાં ટ્રેનિંગ અને કાઉન્સેલિંગની જરૂરિયાત
ઉપર મુકાયેલો ભાર, કચ્છ યુનિર્સિટી દ્વારા શરૂ કરાયેલા એક્સટેન્શન સેન્ટર અને ફોકીઆના એમ.ડી.ના પોડકાસ્ટમાં જબરજસ્ત ઔદ્યોગિકીકરણ થકી યુવાનો માટે ઊભી થયેલી પુષ્કળ તકો અંગેના
પ્રસંગનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કચ્છમિત્ર
આજે જે વ્યાયામ કરે છે તેનો તરત રિસ્પોન્સ
મળે છે. અહીં ગુજરાતભરમાંથી આવેલી યુનિવર્સિટીઓ થકી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની વ્યાપક માહિતી મળશે અને અમદાવાદ સુધી
લાંબા નહીં થવું પડે, અને કારકિર્દીનો સાચો પથ જાણી શકશે તેવું ઉમેર્યું હતું - અગ્રણીઓની ઉપસ્થિતિ : આ વેળાએ ડીપીએના સેક્રેટરી વાય.કે. સિંઘ, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેજાભાઈ
કાનગડ, મહાપાલિકાના નવનિયુક્ત કોર્પોરેટરો, વિમલેશ શર્મા, કમલેશ પરિયાણી, વિજયસિંહ જાડેજા, વિજય પરમાર, તેજસ શેઠ, દિવ્યા નાથાણી, મિતુલ નાયક, લિના ધારક, શહેર
ભાજપ મહામંત્રી મનોજ મુલચંદાણી, મહેન્દ્ર જુણેજા, ઘેલા ભરવાડ, મોહન ભાનુશાળી, અનિતા દક્ષિણી, ભરત મિરાણી, ગજવાણી નર્સિંગ કોલેજના ટ્રસ્ટી જયકિશન
હેમનાની, કચ્છમિત્રના આસિસ્ટન્ટ મેનેજર હુશેનભાઈ વેજલાણી, કચ્છમિત્ર
કોર્પોરેટ બ્યૂરો હેડ અઝીમ શેખ, પ્રતિનિધિ પ્રદીપ જોષી વિગેરે
ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન પૂર્વી ગોસ્વામીએ અને આભારવિધિ કચ્છમિત્રના મદદનીશ
તંત્રી નિખિલભાઈ પંડયાએ કરી હતી. આ વેળાએ મુખ્ય પ્રાયોજક અદાણી યુનિવર્સિટી અને સહપ્રાયોજક
સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રતિનિધિઓનું વિશેષ સન્માન કરાયું હતું. - કચ્છમિત્રએ ઘોડાને તળાવના કિનારા સુધી લાવવાનું મહત્ત્વનું કાર્ય
કર્યું છે, કેટલું પાણી પીવું તે તેના ઉપર નિર્ભર છે. - ત્રિકમભાઈ છાંગા રાજ્યમંત્રી - કચ્છમિત્ર દ્વારા સતત બીજા વર્ષે કરેલા એજ્યુ. એક્સ્પોના કાર્યક્રમથી
કચ્છના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની સચોટ માહિતી મળશે. - વિનોદભાઈ ચાવડા સાંસદ, કચ્છ - એજ્યુકેશન એક્સ્પોનાં આયોજન થકી કચ્છના વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન
મળશે. - માલતીબેન
મહેશ્વરી, ધારાસભ્ય,
ગાંધીધામ - અગામી સમયમાં લોડાઈ અને
દુધઈ પંથકમાં યુનિવર્સિટીના એક્સટર્નલ સેન્ટર કાર્યરત કરાશે. - ડો. મોહનભાઈ પટેલ કુલપતિ, કચ્છ યુનિવર્સિટી