• શુક્રવાર, 26 જૂન, 2026

સાધારા-ભુજ એસ.ટી. બસ બંધ કરાતાં પ્રવાસીઓ-દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા

સુમરાપોર (પચ્છમ) (તા. ભુજ), તા. 25 : તાલુકાના પૂર્વ નાની બન્નીનાં ગામ સાધારાની એસ.ટી. બસ સહિતની મૂળભૂત સમસ્યાઓના નિરાકરણ માટે માંગ કરવામાં આવી છે. સામાજિક આગેવાન કાસિમ નોડેએ સંબંધિત વહીવટી તંત્રને પત્ર પાઠવી કરેલી રજૂઆત મુજબ સાધારા ગામ અનેક મૂળભૂત સુવિધાઓથી વંચિત છે, જેમાં ખેડૂતોને જરૂરી રકમ ભરી હોવા છતાં વીજ કનેકશનો મળતાં નથી. આ વિસ્તારની શાળાઓમાં જરૂરી સુવિધાઓનો અભાવ, પીવાનાં પાણીની તંગી, રોડ-રસ્તાની હાલત દયનીય તેમજ લાંબા સમયથી સાધારા-ભુજ એસ.ટી. સુવિધા બંધ કરી નાખવામાં આવી છે. આ એસ.ટી. બસ આખી પટ્ટીનાં ગામો માટે ખૂબ જ જરૂરી હોવાથી લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. વધુમાં કાસિમભાઇએ બસ બંધ કરવાનું કારણ એસ.ટી. તંત્રને પૂછતાં વેકેશનનાં કારણે વિદ્યાર્થીઓ ન હોવાનું કારણ જણાવે છે, જ્યારે આ બસમાં કોઇ વિદ્યાર્થી અપડાઉન કરતા જ નથી, જેથી તાકીદે આ બસ પુન: શરૂ કરવા પત્રમાં માંગ કરી છે. 

Panchang

dd