ભુજ, તા. 25 : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના
12 વર્ષના સુશાસન નિમિત્તે વિકસિત
ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભુજ ખાતે ઉચ્ચ અને તાંત્રિક
શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાના અધ્યક્ષસ્થાને `પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા' યોજાઈ હતી. રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાએ જણાવ્યું કે,
ધૂળમાંથી ધાન પેદા કરનાર ખેડૂત રાષ્ટ્રઉત્થાન માટે પ્રાકૃતિક ખેતી અપનાવે
તે આજની જરૂરિયાત છે. આજે કચ્છ બાગાયતી ક્ષેત્રે અવ્વલ બન્યું છે, પરંતુ વધુ પડતા રાસાયણિક ખાતર તથા જતુંનાશકોના વપરાશને કારણે જમીન બિનઉપજાઉ
બનવા સાથે આરોગ્ય પણ કથળ્યું છે ત્યારે દેશનો દરેક નાગરિક સ્વસ્થ- તંદુરસ્ત જીવન જીવે
તે માટે વડાપ્રધાન, મુખ્યમંત્રી તથા રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી
અપનાવવા આહ્વાન કર્યું છે. સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું કે, રાજ્યપાલ
આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતી માટે ગામેગામ જઇને ખેડૂતોને માર્ગદર્શિત કરી રહ્યા
છે, જેના પગલે કચ્છના 52 હજાર ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાયા છે. હજુ પણ વધુને વધુ
કિસાનો આ અભિયાનમાં જોડાઇને પોતાના પરિવારના સ્વાસ્થ્યની ચિંતા સાથે પર્યાવરણનાં જતનમાં
સહભાગી બને તે જરૂરી છે. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ લોકો તંદુરસ્ત જીવનશૈલી જીવી
શકે તે માટે વડાપ્રધાને પ્રાકૃતિક ખેતી તરફ વળવા સૌને આહ્વાન કર્યું છે. તેમણે આ પ્રસંગે
કિસાનોને ભૂર્ગભ જળ રિચાર્જ, જળસંચય
તથા જૂના પાણીના સ્રોત પુન:જીવિત કરવા અનુરોધ કર્યો હતો.આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર
પી.કે. તલાટીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. રાજ્યમંત્રી સહિતના અગ્રણીઓએ પ્રાકૃતિક ખેતપેદાશના
સ્ટોલ અને સરકારના વિવિધ વિભાગની યોજનાકીય માહિતીના સ્ટોલની મુલાકાત લીધી હતી. પ્રગતિશીલ
ખેડૂતોને `આત્મા ફાર્મર
એવોર્ડ'નું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત
પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્ય કેશુભાઇ પટેલ, ભાજપના સંગઠન મંત્રી ફલજીભાઇ ચૌધરી, ભીમજીભાઇ જોધાણી,
સુરેશ સંઘાર, મનોજ સોલંકી, હિતેશ વોરા, વસંત વાસાણી, હિતેષ
પાંચાણી, પરષોત્તમ વાસાણી સહિત ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન મનન
ઠક્કરે કર્યું હતું.