ગાંધીધામ, તા. 25 : ગાંધીધામના સુંદરપુરી પાણીના
ટાંકાથી હીરાલાલ પારેખ સર્કલ તરફ જતો નવો બનેલો માર્ગ તોડીને પાઇપ નાખવાની કામગીરી
કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરીને દંડ વસૂલવામાં આવ્યો છે. આ રોડ નવો બનાવવામાં
આવી રહ્યો છે, એક બાજુનું કામ પૂર્ણ થયું
છે, જ્યારે બીજી બાજુનું કામ હજુ અધૂરું છે. ચોમાસાં પહેલાં તે
પણ પૂર્ણ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે
માર્ગોનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. સુંદરપુરીમાં દેવીપૂજક રમેશભાઈ નવો બનેલો
માર્ગ તોડીને પાઇપ નાખવાની કામગીરી કરતા હતા. મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા સ્થળ
ઉપર કાર્યવાહી કરીને રૂપિયા 25,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો. મંજૂરી વગર રોડ તોડીને પાઇપ નાખવાની
કાર્યવાહી થતી હોવાથી મહાનગરપાલિકાએ હરકતમાં આવીને કાર્યવાહી કરી છે. શહેરના અનેક વિસ્તારોમાં
ડામર સહિતના જે નવા બનેલા માર્ગો છે તેને મંજૂરી વગર તોડીને કાર્યવાહી થઈ રહી હોવાના
આક્ષેપો છે. ખાસ કરીને ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરવાળા માર્ગ ઉપર ગુરુદ્વારાની નજીક
નવા બનેલા માર્ગો તોડવામાં આવતા હોવાના આક્ષેપો છે. વહીવટી તંત્રએ અહીં પણ તપાસ કરીને
પગલાં ભરવા જરૂરી છે. લાંબા સમય પછી મહાનગરપાલિકાનું
વહીવટી તંત્ર માર્ગોની સુરક્ષા માટે હરકતમાં આવ્યું છે. નવા બનેલા માર્ગો તોડનાર સામે
કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને દંડની વસૂલાત કરાવી રહ્યું છે. જોડિયા શહેરોના
અનેક વિસ્તારોમાં આવી સ્થિતિ છે, તંત્ર
દ્વારા તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે તેવું જાગૃત નાગરિકો કઈ રહ્યા છે.