• શુક્રવાર, 26 જૂન, 2026

પસ્તી ગ્રુપનાં સેવાકાર્યો અન્યો માટે પ્રેરણારૂપ

ભુજ, તા. 25 : સમાજસેવા અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ એક વખત સાબિત કરવા ભુજના પસ્તી ગ્રુપ દ્વારા ભુજ નગરપાલિકાના સહયોગથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે મફત શૈક્ષણિક કિટ વિતરણ સમારંભનું આયોજન કરાયું હતું. વર્ષ 2011થી સેવાકીય કાર્યો દ્વારા સમાજમાં આગવી ઓળખ ઊભી કરનાર પસ્તી ગ્રુપે આ વર્ષે પણ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા 1350 વિદ્યાર્થીઓને શિક્ષણ માટે જરૂરી સામગ્રી ઉપલબ્ધ કરાવી તેમના ભવિષ્યને મજબૂત બનાવવા પ્રયાસ કર્યા છે. કાર્યક્રમનો પ્રારંભ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ શીતલભાઈ શાહ, કારોબારી ચેરમેન કમલ ગઢવી, ઉપપ્રમુખ બિંદિયાબેન ઠક્કર, રૂપલબેન ચાવડા, ગીતાબેન પટેલ, પ્રફુલ્લસિંહ જાડેજા સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય દ્વારા કરાયો હતો. પાલિકા પ્રમુખ શીતલભાઈ શાહે પસ્તી ગ્રુપની કામગીરીને બિરદાવી હતી. ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું કે, તેઓ પોતે વર્ષોથી પસ્તી દાતા તરીકે ગ્રુપ સાથે જોડાયેલા છે.  તેમણે કહ્યું કે, પસ્તી ગ્રુપ એક અલગ પ્રકારનાં શાંતિપૂર્વક અને નિ:સ્વાર્થ ભાવથી કામ કરે છે. પસ્તી ગ્રુપ દ્વારા વર્ષોથી ઘરોમાંથી એકત્રિત કરવામાં આવતી પસ્તીમાંથી મળતી આવકનો ઉપયોગ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ માટે કરવામાં આવે છે. શૈક્ષણિક સહાય ઉપરાંત રક્તદાન કેમ્પ, મતદાર જાગૃતિ અભિયાન અને અનેક સેવાકીય કાર્યક્રમો દ્વારા સંસ્થાએ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો છે. કાર્યક્રમમાં અમૃતલાલ પટેલ, ભાવનબેન મુકેશભાઈ ઠક્કર, જયેશભાઈ ઠક્કર, ઉમેદસિંહ સોઢા, ગણપતસિંહ સોઢા, મનીષભાઈ ઝાલા, જયેશભાઈ ચૌહાણ, નિરુબેન કેશરાણી, મણિબેન પટેલ, મનદીપભાઈ વગેરે પસ્તીદાતા ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન કૃપાબેન નાકરે કર્યું હતું. પ્રકાશભાઈ ઠક્કર પૂજા ટ્રાવેલ્સ તરફથી વિદ્યાર્થીઓને લેવા-મૂકવા માટે બસની નિ:શુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી. 

Panchang

dd