• શનિવાર, 21 માર્ચ, 2026

ટપ્પર સબસ્ટેશનનું કામ લાંબા સમયથી ઘોંચમાં

અંજાર, તા. 19 : તાલુકાનાં ટપ્પર ગામ પાસે માતબર રકમના ખર્ચે બનેલા 66 કે.વી. સબસ્ટેશન ચાલુ કરવા માટે  વાયર નાખવાની કામગીરી લાંબા  સમયથી ખોરંભે ચડી છે, જેનાં કારણે આ સબસ્ટેશન શોભાના ગાંઠિયા સમાન બન્યું છે. થોડાં વર્ષો પહેલાં ગેટકો દ્વારા ટપ્પર ડેમના નજીકનાં અંતરે માતબર રકમના ખર્ચે 66 કે.વી. સબસ્ટેશન બનાવવામાં આવ્યું હતું. આ સ્ટેશનને ચાર્જ કરવા માટેના અંદાજિત 900 મીટર કેબલનું કામ છેલ્લા લાંબા સમયથી જુદા-જુદા કારણોસર  ઘોંચમાં મુકાયું છે. વહીવટી તંત્ર દ્વારા આ સબસ્ટેશનને ઝડપભેર  શરૂ કરવા માટે લાંબા સમયથી પરિણામલક્ષી પ્રયાસો ન કરાતા હોવાના આક્ષેપો ઊઠયા છે. નોંધપાત્ર છે કે, કચ્છની જીવાદોરી સમાન ટપ્પર ડેમમાંથી  જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પાણી વિતરણ કરવામાં આવે છે.   આ ડેમમાંથી અંદાજિત 250 એમ.એલ.ડી. પાણી જેટવેલ  મારફતે ઉપાડવામાં આવે છે. આ ડેમમાં વીજ પુરવઠો પૂરો પાડવા માટે  ભીમાસર સબસ્ટેશનમાંથી  લાઈન અપાઈ છે. આ સબબ સ્ટેશન ઉપર આજુબાજુના વિસ્તારનું વીજભારણ છે. કેટલીક વખત આ લાઈનમાં લો-વોલ્ટેજની સમસ્યા ઊભી થતી હોય છે. જાણકારોએ ઉમેર્યું હતું કે, ડેમમાં જો વીજ પુરવઠો ખોરવાય તો જિલ્લાભરની પાણી વિતરણ વ્યવસ્થાને અસર પડી શકે છે. ગેટકો દ્વારા સમયાંતરે ટપ્પર સબસ્ટેશનને કાર્યરત કરવા માટે પ્રયાસો કરાયા છે. અલબત્ત  સમયાંતરે ઊભા પ્રશ્નોનાં કારણે  સબસ્ટેશન શરૂ થઈ શક્યું નથી, જેનાં કારણે આખું સબસ્ટેશન શોભાના ગાંઠિયા સમાન બન્યું છે. જાણકારોએ વધુમાં ઉમેર્યું હતું કે, વરસાણા 400 કે.વી. સ્ટેશનમાં ટપ્પર ગોપાલનગર ડી.સી પાવર આવે છે. વરસાદી માહોલ વચ્ચે આજે ચાર કલાક સુધી ડી.સી. પાવર આવતો બંધ થયો હતો, જેના કારણે જનરેટર ઉપર બેટરીઓ ચાર્જ કરવાની ફરજ પડી હતી.  વરસાણા સ્ટેશન સાથે અનેક ગ્રીડ જોડાયેલી છે.  આ સ્ટેશનમાં વિક્ષેપથી રાજ્ય અને દેશના અનેક વિસ્તારમાં વીજવિક્ષેપ ઊભો થવાની ભીતિ  પણ જાણકારોએ વ્યક્ત કરી હતી. ટપ્પર ડેમ પાસેનું સબસ્ટેશન  શરૂ થાય તો વરસાણા 400 કે.વી.માં જોડાણ શક્ય બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સબસ્ટેશન શરૂ થવાથી ટપ્પર ડેમને વીજ પુરવઠો આપવા માટેનો વધારાનો વિકલ્પ ઊભો થશે.          

Panchang

dd