મુંદરા, તા. 19 : ભારે પવન ફૂંકાવા અને માવઠાંની
આગાહી મુજબ બુધવારની મોડી રાત્રે વાવાઝોડાં જેવો પવન ફૂંકાયા બાદ મુંદરા નગર અને તાલુકાના
મોટા ભાગના વિસ્તારમાં ગુરુવારે સવારે સ્થિતિ વાદળછાયાં વાતાવરણ વચ્ચે સામાન્ય હતી.
પણ બપોરે વાતાવરણમાં ભારે પલટો આવ્યો અને શહેર તેમજ તાલુકાના મોટા ભાગના વિસ્તારમાં
વાવાઝોડાં જેવી સ્થિતિ સાથે ભારે ઝાપટું પડ્યું હતું, તેનાથી પોર્ટની ગતિવિધિને અસર થઈ હતી અને ખેડૂતોને
ભારે નુકસાનના વાવડ મળી રહ્યા છે. બપોરે આગાહી
મુજબ, ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર કમોસમી વરસાદ તૂટી પડ્યો
હતો. પવનની ગતિ એક તબક્કે 40થી 50 કિલોમીટર
પ્રતિ કલાક જેવી પહોંચી ગઈ હતી. જો કે, બપોરે 4.30 વાગ્યા પછી
સ્થિતિ સામાન્ય બની રહી હતી. બપોરે લગભગ પોણા ત્રણ વાગ્યાથી ધોધમાર એકથી દોઢ ઇંચ જેવું
પાણી પડ્યાનું મનાય છે. કારણ કે, રસ્તાઓ
તળાવમાં ફેરવાઈ ગયા હતા. જો કે, સરકારી આંકડા મુજબ સત્તાવાર રીતે
15 મિ.મી. વરસાદ નોંધાયો હતો.
- તીવ્ર પવન; કન્ટેનર પટકાયા : હેવાલો મુજબ બંદરીય મુંદરામાં પવનની તીવ્રતા
એટલી હતી કે, પોર્ટ પર ક્યાંક જેટી પરના
કન્ટેનર નીચે પટકાયા હતા અને તેમાં રહેલા માલ-સામાનને કરોડોનું નુકસાન પહોંચ્યું હતું.
આયાત- નિકાસકારોએ જણાવ્યું કે, પશ્ચિમ એશિયામાં યુદ્ધ ચાલી રહ્યું
છે ત્યારે ઊંચા ભાંડાંનો બોજ તો ધંધાર્થીઓ સહન કરી જ રહ્યા છે, તેમાં વળી આ કન્ટેનર પડી જતાં પડ્યા પર પાટુ જેવી સ્થિતિ ઊભી થઈ હતી. પવન અને
વરસાદને કારણે દરિયામાં પણ તોફાની માહોલ સર્જાતાં આ સમયમાં પોર્ટ પર ઓપરેશન ઠપ થઈ ગયું
હતું. અતિ વેગીલા પવનને કારણે સી-3 ટર્મિનલમાં મહાકાય કન્ટેનરો પત્તાંના મહેલની જેમ ધરાશાયી થયા
હતા. બંદરીય વ્યવહારથી સંકળાયેલા સૂત્રોએ કહ્યું કે,
ભારે પવનને કારણે સિટી-3 ટર્મિનલ પર લાંગરેલું એક વિશાળ જહાજ એક તબક્કે દરિયામાં ફંટાયું
હતું. આંશિક સમય માટે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. - ઊભા પાક અને ચારાને નુકસાન
: મુંદરા એપીએમસી સાથે જોડાયેલા ગુલાબાસિંહ
જાડેજાએ કહ્યું હતું કે, આજના કમોસમી
વરસાદથી પત્રી અને આસપાસનાં ગામોના વિસ્તારના ખેડૂતોના ઊભા પાકને ઘણું નુકસાન થયું
છે. ખેતર-વાડીમાં ઊભેલા મોલ એરંડા, ઘઉં, ઈસબગુલના વાઢેલા પથારા પવન અને પાણીમાં પલળી ગયા છે, સૂકા ચારાને પણ નુકસાન થયું છે. સમાઘોઘાથી નટવરાસિંહ જાડેજાએ કહ્યું કે,
તાલુકાના સમાઘોઘા અને આસપાસ ગામમાં વરસાદથી ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો
છે. ઘઉં, આંબા,
એરંડા અને અન્ય પાકોમાં કમોસમી વરસાદના પગલે નોંધપાત્ર નુકસાન થયું છે. - ઝરપરા પંથકમાં ગાજવીજ સાથે
વરસાદ : મુંદરા તાલુકાના ઝરપરા ગામે બપોરે ત્રણ
વાગ્યાની આસપાસ ભારે પવન અને ગાજવીજ સાથે અંદાજે એકાદ ઇંચ વરસાદ પડયા હતો. ખેતરોમાં
પડેલ ઘઉંના પાકને ભારે નુકસાન થયું છે. ચૈત્ર મહિનામાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો
માહોલ સર્જાયો હોવાનું પ્રતિનિધિ આશાનંદ ગઢવીએ જણાવ્યું હતું.