દયાપર (તા. લખપત), તા. 19 : અમેરિકા-ઈરાન
યુદ્ધ વકર્યું છે. સ્ટેટ ઓફ હોર્મુઝમાં ગેસ, ક્રૂડ ઓઈલના જહાજો અટવાયાં છે. આજે જ્યારે 92720 ટન એલપીજી ગેસના જથ્થા સાથે
`નંદાદેવી' અને `િશવાલિક' મોટા
જહાજ કચ્છ બંદરે આવી પણ પહોંચ્યાં છે, પરંતુ આ અઠવાડિયામાં એલ.પી.જી.
ગેસ બાટલા માટે મોટી લાઈનો જોવા મળી હતી. તેમાંય સરકાર દ્વારા રૂા. 60 વધારો અને નિયંત્રણ વધારાતાં
અફવાને જાણે બળ મળ્યું હોય તેમાં ગેસ બુકિંગ અચાનક 60 ટકા જેટલું વધી ગયું હતું. આ તો છે શહેર નગરની વાત... પણ...
ગામડાંમાં ગેસના બાટલાનું શું કામ... ? છેવાડાના લખપત તાલુકામાં ઘણાય અંતરિયાળ
ગામડાંઓ, પશુપાલકોની વસ્તી ધરાવતાં છે. મહિલાઓ કહે છે કે,
ઈ ગેસ બાટલે જી અસાંકે જરૂરત જ નાંય... કાઠીયેં સે ચુલો ધુખાય માનીયું
કરી ગિનું... (અમને ગેસના બાટલાની શું જરૂર - લાકડાં સળગાવી ચૂલો પ્રગટાવી રોટલા બનાવી
લઈએ છીએ) ચામરા, ચકરાઈ, ભેખડા ગામમાં ગેસના
ચૂલા જ નથી. જ્યાં ડાળીમાં પાંદળું જ નથી તેને પાનખર ઋતુ શું કરે... ? તેની જેમ આજે પણ ગ્રામીણ મહિલાઓ ચૂલા પર રોટલા બનાવી માથે માખણનો લોંદો નાખી
મરચાની ચટણી સાથે જમવાનું પીરસે છે. જેમ ખીચડી હવે મોટા રેસ્ટોરન્ટનું `મેનુ'
બની છે તેમ `બાજરાનો રોટલો, માખણ' પણ હવે વી.આઈ.પી. મેનુ છે, જેના માટે દુર્ગમ ગામડાંઓમાં લાકડાંના ચૂલા સળગે છે. તા. પં. સદસ્ય આરબ જત ભેખડા વિસ્તારમાં રહે છે તેઓ
કહે છે કે, ગેસના બાટલાની તો જરૂર નથી, પણ વર્ષોથી જર્જરિત સુભાષપર, ભેખડા, છેલ્લાવાંઢ, ચકરાઈ રોડ મરંમત થઈ જાય તો સારું. હવે પ્રસૂતિમાં
મહિલાઓને બહુ તકલીફ પડે છે તેમાંય વચ્ચે વરસાદની મોસમમાં નદી આવે ત્યારે ખભા પર બેસાડી
દવાખાને પહોંચાડવાના દાખલા છે. ગેસનો બાટલો નહીં પણ સુખનો રોટલો મળે તો આનંદ છે.