• શુક્રવાર, 20 માર્ચ, 2026

શેરોમાં હાહાકાર : સેન્સેક્સમાં 2500 અંકનો કડાકો

મુંબઇ, તા. 19 : અખાતી દેશોના તેલમથકો પર ઇરાનના તીવ્ર હુમલા અને ક્રૂડ તેલના વધતા ભાવને પગલે ભારતીય શેરબજારમાં ગુરુવારે હાહાકાર મચી ગયો હતો. સેન્સેક્સમાં જૂન 2024 બાદનો એક દિવસનો 2496.89 અંકનો ભયાનક તો નિફટીમાં 775.95નો જબ્બર કડાકો બોલી ગયો હતો અને રોકાણકારોના રૂા. 12.50 લાખ કરોડની મૂડી સાફ થઇ ગઇ હતી. મધ્ય-પૂર્વના યુદ્ધ અને તેલસંકટની ભારતીય અર્થતંત્ર પર અત્યંત અવળી સર પડી રહી છે. રૂપિયાની હાલત બદતર બની ગઇ છે અને વિદેશી રોકાણકારોએ 15 દિવસમાં રૂા. 52000 કરોડ કાઢી લીધા છે. મિડકેપમાં 908નો તો સ્મોલ કેપમાં 1050 પોઇન્ટનો મોટો ઘટાડો થતાં નાના રોકાણકારો પણ રડયા હતા. કારોબારના અંતમાં સેન્સેક્સ 3.26 ટકા એટલે કે 2496.89 અંક તૂટીને 74.207.24 અને નિફ્ટી 775.95 અંક તૂટીને 23,002.15ના સ્તરે આવી ગયા હતા. આ સાથે નિફ્ટી બેંક ઈન્ડેક્સ પણ 2000 અંક તૂટયો હતો. બજારમાં ગુરુવારે ચારેતરફ ધોવાણ જોવા મળ્યું હતું. નિફ્ટીના તમામ 16 સેક્ટોરલ  ઈન્ડેક્સ લાલ રંગમાં બંધ થયા હતા. સૌથી વધારે દબાણ બેંકિંગ અને ફાઈનાન્સિયલ શેર ઉપર રહ્યું હતું. આ ઘટાડામાં એચડીએફસીનું મોટું યોગદાન રહ્યું હતું. જેના શેરમાં વેચાણે પૂરા બેકિંગ સેક્ટરને નીચે ખેંચ્યું હતું જ્યારે મિડકેપ અને સ્મોલકેપ શેર પણ બચ્યા નહોતા. બન્ને 2-2 ટકા તૂટયા હતા. બજારમાં કડાકાનું સૌથી મોટું કારણ ક્રૂડની કિંમતમાં તેજી હતી. બ્રેંટ ક્રૂડ ફરીથી 120 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગયું છે. મિડલ ઈસ્ટમાં એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર થયેલા હુમલાના કારણે ઓઈલ અને ગેસની સપ્લાયની ચિંતા વધી છે. વિદેશી બજારમાં પણ નબળાઈ જોવા મળી હતી. જેની અસર ભારતીય શેરમાર્કેટ ઉપર થઈ હતી. ગુરુવારે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની કુલ બજારમૂડી ઘટીને 426.2 લાખ કરોડે પહોંચી હતી. જે ગત કારોબારી દિવસે 439 લાખ કરોડ રૂપિયા હતી. આમ રોકાણકારોની સંપત્તિમાં 12.87 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો આવ્યો હતો. શેરબજારમાં મંદી એટલી ભારે હતી કે, સેન્સેક્સમાં સામેલ તમામ 30 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. બીએસઈમાં કુલ 4404 શેરમાં કારોબાર થયો હતો. જેમાંથી 1070 શેરમાં તેજી અને 3174 શેરમાં મંદી રહી હતી. - વેચવાલીનું વાવાઝોડું : ચાંદીમાં 33000, સોનામાં 9500નો જબ્બર ઘટાડો :  નવી દિલ્હી/ભુજ, 19 (પીટીઆઈ) : મધ્ય પૂર્વનાં ભીષણ યુદ્ધને પગલે વૈશ્વિક કોમોડિટી બજારોમાં ભારે વેચવાલી બાદ ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીમાં ચાંદીના ભાવ 17,800 રૂપિયા ઘટીને 2.38 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયા છે, જ્યારે સોનાનો ભાવ 7,000 રૂપિયા ઘટીને 1.53 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.  સ્થાનિક બુલિયન બજારમાં દસ ગ્રામ સોનું 999ના રૂા. 9500નો કડાકો બોલી 1,48,500 ભાવ રહ્યા હતા, તો ચાંદી ચોરસા એક કિલોના  ભાવોમાં રૂા. 33 હજારનો જબ્બર ઘટાડો થઈ 2,22,000ના ભાવ રહ્યા હતા. ઓલ ઈન્ડિયા સરાફા એસોસીએશનના જણાવ્યા અનુસાર, સફેદ ધાતુ બુધવારના રૂ. 2,56,500 પ્રતિ કિલોના બંધ સ્તરથી રૂ. 17,800 અથવા લગભગ સાત ટકા ઘટીને રૂ. 2,38,700 પ્રતિકિલો (બધા કર સહિત) થઈ ગઈ. ચાંદીના ભાવ હવે 29 જાન્યુઆરીના 4,04,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામના તેના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી 1,65,800 રૂપિયા અથવા 41 ટકા ઘટયા છે. 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ પણ 7,000 રૂપિયા અથવા 4.37 ટકા ઘટીને 1,53,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ (બધા કર સહિત) થયો હતો, જે અગાઉના રૂ. 1,60,300 પ્રતિ 10 ગ્રામ હતો.  

Panchang

dd