રાજકોટ / અમદાવાદ, તા. 19 : દેશના કેટલાક
ભાગોમાં પશ્ચિમી વિક્ષોભ અને તોફાની પવન વચ્ચે કચ્છ-સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં
ગુરુવારે અચાનક જ મોસમે મિજાજ બદલ્યો હતો. કવેળાના વરસાદથી પ્રસરેલી ઠંડકે ગુજરાતી
જનજીવનને ગરમીમાં રાહત આપી હતી, પરંતુ
માવઠાંની મારે કચ્છ સહિત રાજ્યભરની ખેતીને ખુવાર કરીને ઊભેલા ફાલને ફટકો આપ્યો હતો.
ખાસ કરીને બાગાયતી પાકોની બાજી બગાડી હતી. પરિણામે ખેડૂતોમાં ભારે ઉચાટ ફેલાયો હતો.
રાજ્યના મોસમ વિજ્ઞાન વિભાગે 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું હતું. પાલીતાણામાં તોફાની
પવનથી તૂટીને વૃક્ષ પડતાં એક આધેડનું મૃત્યુ થયું હતું. આજે બપોર બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના
મોટાભાગના વિસ્તારમાં પલટો આવ્યો હતો અને ભરબપોરે ડરામણી રાત્રિ જેવું વાતાવરણ થયું
હતું. રાજકોટ, જામનગર, અમરેલી, મોરબી પંથકમાં પવનના સૂસવાટા અને વીજળીના ગડગડાટથી
લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભારે પવનનાં કારણે વૃક્ષ, વીજપોલ, હોર્ડિંગ્સ જમીનદોસ્ત થયાં હતાં, તો ઘણી જગ્યાએ ઘર ઉપરનાં પતરાં અને સોલાર પેનલ ઊડી ગઇ હતી. વીજપોલ ધરાશાયી
થવાથી અનેક જગ્યાએ અંધારપટ છવાયો છે, તો વૃક્ષ પડી જવાથી વાહનવ્યવહાર
ખોરવાયો છે. તેમજ ઉપલેટાનાં પ્રાસલા ગામે વીજળી પડવાથી એક મહિલા સહિત ત્રણને ઇજા થઇ
છે તથા પાલીતાણામાં વૃક્ષની ડાળી આધેડ પર પડતાં તેનું મૃત્યુ થયું છે. રાજ્યના 72 તાલુકામાં એક મિમીથી લઈ 41 મિમી સુધી વરસાદ નોંધાયો છે.
સૌથી વધુ અમરેલીના બગસરા અને રાજકોટમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. હાલ રવીપાકની સિઝન
તેના અંતિમ તબક્કામાં છે. ખેતરોમાં તૈયાર થયેલા ઘઉં,
જીરૂં અને ચણા જેવા કિંમતી પાક કાઢવાની પ્રક્રિયા ચાલુ હતી, ત્યારે જ અણધાર્યા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. અનેક ખેતરોમાં
પાકના પાથરા વિખાઈ ગયા છે, જેના કારણે ધાન્યની ગુણવત્તા બગડવાની
અને મોટું આર્થિક નુકસાન થવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો હાલ `જાયે તો જાયે કહાં' જેવી લાચારી અનુભવી રહ્યા છે. રાજકોટ શહેરમાં
કરા અને ભારે પવન સાથે વરસાદ વરસતાં રસ્તાઓ પર પાણી વહેતાં થયાં હતાં. સાંજે 5ાંચ વાગ્યાના અરસામાં અંધારું છવાતાં શહેરમાં
વિઝિબીલિટી ઘટી હતી. વાહનચાલકોએ દિવસે લાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી. શહેરમાં બે કલાકમાં
દોઢ ઈંચ વરસાદ ખાબકતાં રસ્તા પર જળબંબાકારનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. માર્કેટિંગ
યાર્ડમાં પ્લેટફોર્મ પર રાખેલી વેપારીની મગફળી તણાઈ હતી.