• શુક્રવાર, 20 માર્ચ, 2026

નરા વિસ્તારના હજાર એકરમાં રાયડો પાણી-પાણી, ઘઉંનો પાક નિષ્ફળ

દયાપર (તા. લખપત), તા. 19 : લખપત તાલુકાના મિની પંજાબ નરા વિસ્તારમાં તોફાની પવનોએ તબાહી મચાવી હોવાના હેવાલ મળ્યા છે. નરામાં ત્રણ હજાર એકરમાં વાવેતર થયેલા રાયડાને ભારે નુકસાન થયું છે. મિની પંજાબ ગણાતા નરા, પંજાબીવાંઢ, ધ્રગડવાંઢ વિસ્તારમાં 50 મકાનનાં છાપરાં-પતરાં ઊડી ગયાં છે. અત્યારે ઘઉં કાઢવાની સિઝન ચાલે છે ત્યારે નરા વિસ્તારની વાડીઓમાં ઘઉંના પાક તેમજ બાગાયતીમાં ભારે નુકસાન થયું છે. 350 એકર ઘઉંના પાકનો સોથ વળી ગયો છે, તો ખારેકનાં વૃક્ષો ધરાશાયી થયાં છે. તા.પં. ઉપપ્રમુખ જુગરાજસિંઘ સરદારનો સંપર્ક કરતાં નુકસાની બાબતે સમર્થન આપતાં કહ્યું હતું કે, ખેતરના સેઢે સેઢે વાવેલા બાગાયતી વૃક્ષો મોટી સંખ્યામાં પડી ગયાં છે. 60 જેટલા વીજ થાંભલા પણ પડી જતાં વીજ પુરવઠો ખોરવાયો છે. રાયડાનો પાક પ્લોટિંગ પ્રમાણે દર વર્ષે થાય છે. 3000 એકરમાં ખેડૂતોએ રાયડો વાવ્યો, જેમાં 1000 એકરમાં તો પાણી સાથે ભળી ગયો છે. રાત્રે ભારે પવનમાં પતરું ઊડતાં બે જણ ઘાયલ પણ થયા છે. સમેજાવાંઢમાં પણ પતરાં ઊડયાં છે. નરા વિસ્તારના ખેડૂતો, અસરગ્રસ્તોનો તાત્કાલિક સર્વે કરી સરકાર યોગ્ય વળતર આપે તેવી જુગરાજસિંઘ સરદારે માંગ કરી છે. 

Panchang

dd