વોશિંગ્ટન, તા. 19 : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે આખાં
વિશ્વના દેશો પર તેમ કહીને ટેરિફ નાખ્યો હતો કે તેનાથી અમેરિકાને અને અમેરિકન ઉત્પાદકોને
ફાયદો થશે, પણ વાસ્તવમાં તેનો ટેરિફનો
દાવ અવળો પડયો છે. તેની ટેરિફ પોલિસીના લીધે અમેરિકન ઉત્પાદકો જ મુશ્કેલીમાં મુકાયા
છે. ટ્રમ્પના શાસનનાં વર્ષના સમયગાળામાં મેન્યુફેક્ચારિંગ સેક્ટરમાં લગભગ એક લાખ નોકરીઓ
ખતમ થઈ ગઈ છે. ટ્રમ્પને સમર્થન આપનારા કેટલાય નાના અને મધ્યમ ઉદ્યોગપતિઓએ આજે રાતા
પાણીએ રોવાનો વખત આવ્યો છે. ટ્રમ્પને સમર્થન આપનાર અક સ્થાનિક ઉદ્યોગપતિ એલન એન્જિનિયારિંગ
કોર્પ કરીને કંપની ચલાવે છે. ટ્રમ્પની ટેરિફની નીતિઓના લીધે તેના એન્જિન, સ્ટીલ અને ગીયરબોક્સના તથા ક્લચના ભાવ વધી ગયા છે. આના કારણે તે ઉદ્યોગપતિએ
ગ્રાહક છૂટી જવાના ડર વચ્ચે પણ ઉત્પાદનોના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે. તેણે ખર્ચ
ઘટાડવા માટે ફેક્ટરીમાં કર્મચારીઓની સંખ્યા 205થી ઘટાડી 140 કરી દીધી
છે. તેણે જણાવ્યું હતું કે જો ટ્રમ્પની નીતિઓ ચાલુ રહી તો તેણે ક્યાંક ફેક્ટરી બંધ
કરવાનો સમય ન આવે. આમ ટ્રમ્પ એકબાજુએ દાવો કરે છે કે તેની નીતિઓના કારણે અમેરિકન મેન્યુફેક્ચારિંગ
જોબ્સમાં વધારો થશે પરંતુ વાસ્તવમાં ટ્રમ્પના શાસનના પહેલા વર્ષમાં ઉત્પાદન ક્ષેત્રે
લગભગ 98 હજારથી વધુ એટલે કે લગભગ એક
લાખે નોકરી ગુમાવી છે. હાલમાં પણ જે કારોબાર ચાલી રહ્યા છે તે પણ બાઇડેનની નીતિઓનાં
કારણે ચાલી રહ્યા છે. બાકી ટ્રમ્પ તો અમેરિકન અર્થતંત્રનું નિકંદન કાઢવા બેઠો હોવાની
સ્થાનિક લોકોની માન્યતા વધુને વધુ પ્રબળ બની રહી છે. અમેરિકાના 98 ટકા ઉત્પાદન એકમો 200થી પણ ઓછા કામદારો ધરાવતા હોવાનું
સેન્સસ બ્યૂરો ઓફ ડેટા જણાવે છે.