ભુજ, તા. 19 : પશ્ચિમી વિક્ષોભની અસરે કચ્છ
સહિત રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની હવામાન ખાતાની કરાયેલી આગાહીને પગલે બુધવારે મોડી
રાત્રે અને ગુરુવારે બપોરે બે વાગ્યાની આસપાસ ધૂળની ડમરી સાથે આવેલું મિની વાવાઝોડું
અને કમોસમી વરસાદે વિનાશ વેર્યો હતો, ચૈત્રી એકમે આવેલા આ કમોસમી વરસાદે આષાઢી બીજ જેવો માહોલ સર્જાયો હતો. ગત રાત્રે
બે વાગ્યાની આસપાસ ભારે પવન સાથે આવેલાં વાવાઝોડાં અને કમોસમી વરસાદ થકી અનેક સ્થળે
વીજ થાંભલા પડી જતાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો, આ પવનનાં
કારણે કેરી સહિતના બાગાયતી પાકો, જીરું, ઈસબગુલ અને એરંડા જેવા પાકને નુકસાન થતાં ખેડૂતોને આર્થિક માર સહન કરવાનો વારો
આવ્યો છે. - ભુજમાં અડધો
ઇંચ : જિલ્લા મથક ભુજની વાત કરીએ તો રાત્રે દોઢ
વાગ્યા પછી અચાનક પવન ફૂંકાયો હતો. હવામાનમાં જ્યારે પલટો આવ્યો ત્યારે મોટાભાગના પરિવારજનો
ઊંઘમાં હતા અને સવારે ઊઠીને જોયું તો આંગણા માટીથી ભરાયેલા હતા. હવામાન વિભાગે અગાઉથી
કમોસમી વરસાદ પડશે તેમાં કચ્છનો પણ ઉલ્લેખ કર્યો હતો. આગાહી સાચી ઠરી ને આજે બપોરે
અઢી વાગ્યે ફરી પવન ફૂંકાયો હતો. પવનની સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો. શરૂઆતમાં ઝરમર
સ્વરૂપે બાદમાં ભારે ઝાપટું વરસતાં સત્તાવાર
રીતે 11 મિ.મી. વરસાદ નોંધાયો હતો.
વરસાદ સાથે હવાના જોરનાં કારણે વૃક્ષોની ડાળખીઓ તૂટીને રસ્તા કે ઘરોનાં આંગણામાં મળી
હતી. ક્યાંક કાચા પતરાં ઉડયાં હોવાના હેવાલ મળ્યા છે. અડધો ઇંચ કમોસમી વરસાદથી શહેરના
રસ્તાઓ પર રીતસર ચોમાસા જેવા પાણી વહી નીકળ્યાં હતાં. - કોટેશ્વરમાં લાંગરેલી બોટો
ડૂબી : વાવાઝોડાંની અસરે કોટેશ્વરના દરિયામાં લાંગરેલી
ચાર જેટલી બોટ ડૂબી ગઈ હતી તો 30 જેટલી બોટને
નુકસાન થતાં માછીમારોએ વળતરની માંગ કરી છે. - મુંદરામાં કન્ટેનર ખડયાં : બીજીબાજુ વાવાઝોડાંના કારણે ગુરુવારે ફૂંકાયેલા
વાવાઝોડાંના કારણે મુંદરા પોર્ટ પર ચાલતી કામગીરી દરમ્યાન કન્ટેનર પડી ગયાં હતાં. - ખેતીના પાકોને નુકસાન : કમોસમી માવઠાંને પગલે ભુજ, માંડવી, મુંદરા,
અબડાસા નખત્રાણા, રાપર, ભચાઉ
સહિતના તાલુકામાં કેરી સહિત બાગાયતી પાકો, જીરું, ઈસબગુલ, એરંડા, ઘઉં જેવા પાકોને
નુકસાનથી ખેડૂતોને આર્થિક ફટકો પડયો છે. - માધાપરમાં વીજ થાંભલા પડયા : ભુજ તાલુકાના માધાપર (જૂનાવાસ)માં ભારે
પવનના કારણે વીજ થાંભલા પડી થવાથી વીજ પુરવઠો ખોરવાયો હોવાનું પ્રતિનિધિ મહેશ સોનીએ
જણાવ્યું હતું. - ખેડૂતોના
મોઢે આવેલો કોળિયો છીનવાયો : ભુજ તાલુકાના માનકૂવા ગામના પ્રતિનિધિ પ્રમોદસિંહ
જાડેજાએ કહ્યું હતું કે, કમોસમી વરસાદ
થકી ખેતરોમાં ઊભેલા પાકને નુકસાન થવાથી મોઢે આવેલો કોળિયો છીનવાયા જેવો તાલ સર્જાયો
હતો. - પદ્ધર, કાળી તલાવડી વિસ્તારમાં ખેતીને નુકસાનની ભીતિ : કોટડા ચકારથી પ્રતિનિધિ રફીક ચાકીએ જણાવ્યું હતું કે, હવામાનમાં અચાનક પલટો આવતાં ગુરુવારે બપોરે
અંદાજે ત્રણ વાગ્યા પછી પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો, પદ્ધર, કાળી તલાવડી સહિતના વિસ્તારોમાં પડેલા વરસાદે
ખેતરમાં ઊભેલા પાકને અસર પહોંચાડવાની ભીતિ ઊભી
કરી છે. ખાસ કરીને કેસર કચ્છી આબામાં
ફૂલાવસ્થામાં આવેલા પાકમાં ફૂલો ખરવાં લાગ્યાં હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે. આ ઉપરાંત
જીરું અને રાયડાનો સૂકો ચારો વરસાદથી પલળી જવાથી પશુપાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો
પડી રહ્યો છે. સાથે જ ઊભેલા ઘઉંના પાકને નુકસાન થવાની આશંકા વધી છે. કેટલાક ખાનગી એકમોમાં
પવનના ઝાપટાંથી શેડના પતરાં ઊડી જવાના બનાવો પણ સામે આવ્યા છે, જો કે, સદ્ભાગ્યે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. સ્થાનિક ખેડૂત
રમેશભાઈ ખેતાભાઈ ખુંગલાએ જણાવ્યું હતું કે, આ માવઠાં અને ગાજવીજથી
ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતિ છે. હાલમાં અમે પાક અને માલસામાનને બચાવવા તાત્કાલિક
પગલાં લઈ રહ્યા છીએ. - ખાવડામાં
પવન સાથે વીજળીના ચમકારા : ખાવડાથી પ્રતિનિધિ
હીરાલાલ રાજદેના જણાવ્યા અનુસાર ગત મધ્યરાત્રિએ તોફાની પવન અને વીજળીના ચમકારા સાથે
ઝાપટું પડયું હતું અને આજે બપોરે પવન સાથે ઝરમર વરસાદથી રસ્તા પર પાણી વહી નીકળ્યાં
હતાં, સમગ્ર પંથકમાં વરસાદના વાવડ મળ્યા છે,
જો કે, આ કમોસમી વરસાદથી ઈસબગુલને નુકસાન થવાની
ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી હતી. - હાજીપીરમાં પતરાં ઊડયાં : આજે બપોરે આવેલા વરસાદે કોમી એકતાના પ્રતીક હાજીપીર ખાતે વરસાદ
સાથે આવેલા પવને ધમાચકડી મચાવી ચારથી પાંચ મકાનનાં છાપરાં ઉડાવ્યાં હતાં, જો કે, કોઈ જનહાનિ ન થઈ
હોવાનું મુજાવર ઈસ્માઈલભાઈએ જણાવ્યું હતું. - હોર્ડિંગ્સ-પતરાં અને મંડપ ઊડયા : તાલુકાના દહીંસરાના પ્રતિનિધિ નરેન્દ્ર
ચૌહાણે જણાવ્યું હતું કે, આજે ફૂંકાયેલા ભારે પવનને કારણે હોર્ડિંગ્સ-બોર્ડ
ધરાશાયી થયા હતા, આ બોર્ડને દૂર કરવા શિવશક્તિ ગ્રુપના યુવાનોએ
જહેમત ઉઠાવી હતી, તો ગાજવીજ સાથે કમોસમી માવઠું વરસતાં ખેડૂતોના
જીવ પડીકે બંધાયા હતા. પંથકના ચુનડી, ધુણઈ, સરલી, ગોડપર, મેઘપર, ખત્રી તળાવ સહિતના વિસ્તારમાં માવઠાંના વાવડ મળ્યા હતા. - કુકમામાં ખેડૂતોને નુકસાન : કુકમાથી કલ્પેશ પરમારના જણાવ્યા અનુસાર
ગત રાત્રે પવને ધડબડાટી બોલાવી હતી, લોકો સફાળા જાગી ગયા હતા, ગામની શેરીઓમાં વીજ થાંભલામાં
વાયરો લટકી પડતાં લોકોમાં ભય ફેલાયો હતો, આ કમોસમી વરસાદથી ઘઉં,
જીરું, ધાણા, આંબા,
ઈસબગુલ, શાકભાજી સહિતના પાકોને નુકસાન થયું હોવાનું
ખેડૂતોએ જણાવ્યું હતું. તો આજના વરસાદથી ઝાડ પરથી કેરીઓ ખરી પડી હતી. - બન્નીમાં અંધારપટ છવાયો : ભીરંડિયારાથી અલી રાયશીપોત્રાએ જણાવ્યું
હતું કે, ગત રાત્રિએ ભારે પવનના કારણે અનેક જગ્યાએ પતરાં ઊડયાં હતાં,
તો વીજ થાંભલા પડી જવાથી બન્ની પંથકના ગામડાંઓમાં અંધારપટ છવાયો હતો.
અહી અડધા ઈંચ જેવો વરસાદ પડયો હતો. - ગાંધીધામ-આદિપુરમાં વૃક્ષો ધરાશાયી : કચ્છમાં કમોસમી વરસાદની આગાહીનાં પગલે ગત
ભાંગતી રાત્રિના અને બપોરના અરસામાં ગાંધીધામ-આદિપુર-કંડલા
સંકુલમાં ભારે પવન સાથે વરસાદી છાંટા પડયા
હતા. ગાંધીધામ-આદિપુરમાં કયાંક વૃક્ષો ધરાશાયી
થયાં હતાં. ગઈકાલે આખો દિવસ વાતાવરણ સામાન્ય રહ્યા બાદ મોડી રાત્રિના ત્રણ વાગ્યાના
અરસામાં વાતાવરણમા પલટો આવ્યો હતો. અડધો કલાક
કરતાં પણ વધુ સમય સુધી ભારે પવન ફૂંકાતાં લોકો ં મીઠી નીંદરમાંથી સફાળા જાગી ઊઠયા હતા. રાત્રિના ઝરમર વરસાદ પણ પડયો હતો. દરમ્યાન સવારના અરસામાં વાતાવરણ સૂર્યપ્રકાશિત
રહ્યું હતું અને બપોરે ત્રણ વાગ્યા બાદ ફરી
ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઊડી હતી. જો કે, બપોરે પણ વરસાદના માત્ર છાટા પડતાં માર્ગો ભીંજાયા હતા. ભારે પવનના કારણે વીજપુરવઠો
ખોરવાયો હતો. - કંડલા બંદરે
મોબાઈલ ટાવર ધરાશાયી : દરમ્યાન કંડલા
બંદરે પણ રાત્રે અને બપોરના અરસામાં ભારે
પવન ફૂંકાયો હતો. જો કે, પોર્ટની કામગીરીને
કોઈ અસર પહોંચી ન હતી.. ભારે પવનના કારણે મોબાઈલ
ટાવર ધરાશાયી થયો હતો, તેનો વિડીયો વાયરલ થયો હતો. જો કે, તેનાથી અન્ય વધુ કોઈ
નુકસાન થયું ન હતું. - વરસાદની થપાટથી
પાક ધરાશાયી : ગતરાત્રે
અચાનક વાતાવરણમાં પલટો આવતાં રાત્રે બે વાગ્યે વાવાઝોડું અને વરસાદ ત્રાટકતાં જગતના
તાત ખેડૂતની ઊંઘ હરામ થઈ ગઈ હતી. વાડી-ખેતરોમાં લહેરાતા ઈસબગુલ, એરંડા, વરિયાળી,
ઘઉં અને અજમાનાં ઊભા પાકનો સોથ વળી ગયો હતો. મોસમની આ બેઈમાનીનો ભોગ
ઊંઘતો ખેડૂત બન્યો હતો. લણવાના તબક્કે આવેલો
આ પાક વાવાઝોડાં અને વરસાદની થપાટથી જમીનદોસ્ત થઈ ગયો હતો અને ખેડૂતને પડ્યા પર પાટુની
જેમ ચિંતિત અને નિરાશ કર્યો હતો. કમોસમી વરસાદ
અને પવને ખેતરોમાં લહેરાતા પાકનો સોથ વાળી નાખ્યો હોવાનું ગેડીથી ખેડૂત અને તાલુકા
ભાજપના પ્રમુખ નશાભાઈ દૈયાએ ચિંતિત સ્વરે જણાવ્યું હતું. એકાદ કલાક રાપર તાલુકાને ધમરોળતાં
વાવાઝોડાનું રૌદ્ર સ્વરૂપ જોઈને 1998નું વાવાઝોડું યાદ આવી ગયું હતું. - માંડવી પંથકમાં જૂનાં મકાનોનાં
નળિયાં, પતરાં ઊડતાં નુકસાન : માંડવીથી
પ્રતિનિધિ દેવેન્દ્ર વ્યાસના જણાવ્યા અનુસાર આજે વહેલી સવારે મેઘરાજાએ આગોતરી આલબેલ
વગાડયા પછી બપોર થતાં વેગીલા પવનની પાંખે ઝાપટાં વરસતાં વાતાવરણમાં ઠંડક વર્તાઇ હતી.
શહેરના અંદરના ભાગે નળિયાંવાળાં જૂનાં મકાનોનાં નળિયાં, પતરાં ઊડયાં હતાં. પણ મોટી નુકસાની સામે આવી
નથી. ડોણ પાટિયાથી ખીમજીભાઇ કેરાઇએ વિગતો આપતાં
કહ્યું કે, ભારે પવન સાથેના વરસાદ થકી ઘઉંના પાકને અડધોઅડધ નુકસાન,
કેરીના ફાલમાં નાની કેરી, મોર ખરી પડવાથી કિસાનો
ઉપર સમસમી રહેવું પડે તેવો ડામ લાગી રહ્યો છે. ટેકાના ભાવે સરકાર ક્યારે અને કેટલી
ખરીદી કરે તેવી મર્યાદા વચ્ચે બજારમાં લોખંડ-ભંગારના ભાવે ઘઉં વેચવાની લાચારી કિસાનો
અનુભવી રહ્યા છે. ગુંદિયાળીથી ભગવાનજી બોડાની વિગતો પ્રમાણે ઘઉં, કેરી ઉપરાંત `ચરો' પલળતાં પશુઓને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો
છે. ગુંદિયાળી, બાગ, મસ્કા, શેખાઇબાગ, ત્રગડી, નાના-મોટા ભાડિયાથી
કાંડાગરા પટ્ટી સુધી કમોસમી ઝાપટાં વરસ્યાં છે. સરકાર માઇબાપ પાસે કરગરવું પડે તેવો
પ્રાકૃતિક પરિતાપ છે. ગોધરાથી પૂર્વ સરપંચ હાજી સલીમભાઇ ચાકીએ `પટ પલાળ્યા' હોવાનું કહેતાં ઉમેર્યું કે, પાણી વહ્યાં નથી, પરંતુ બિહામણો માહોલ સર્જાયો. ગોધરા,
મેરાઉ, લાયજા, દુર્ગાપુર
પંથકમાં વાતાવરણનું સામ્ય અનુભવાયું હતું. બિદડાથી સૈયદ ગુલામ મુસ્તફાએ આપેલી જાણકારી
મુજબ અડધો ઇંચ વરસાદ સાથે પાણી વહી નીકળ્યાં. વાતાવરણમાં અતિ ઠંડક પ્રસરાતાં રોગચાળાનો
ભય ઊભો થયો છે. બિદડા, ખાખર, તલવાણા,
ફરાદી, પીપરી પંથકમાં હળવા-ભારે ઝાપટાં વરસ્યાં
હોવાના વાવડ છે. જુવારના છોડ પણ પડી જવાના નિસાસા સંભળાયા હતા. કરાચીથી દ્વારકા અને
કચ્છ તેમાંય માંડવી લાઇનમાં હોવાનું જાણકારોએ કહ્યું હતું. ગઢશીશાથી પ્રતિનિધિ જિજ્ઞેશ
આચાર્યના જણાવ્યા અનુસાર ગુરુવારે બપોરે ગઢશીશા પંથકમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડતાં
વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વરસાદના કારણે અહીં વાલના પાકને ભારે નુકસાની થઇ
હોવાનું ખેડૂત અગ્રણી સુરેશભાઇ ભગત અને નવીનભાઇ માવાણી (વરઝડી)એ જણાવ્યું હતું,
તો કેરીના પાક પર પણ આ માવઠાંથી અસર થશે તેવું પણ લાગી રહ્યું છે. - નખત્રાણામાં પાકોને નુકસાન
: નખત્રાણા તા.ના પ્રતિનિધિ છગનલાલ ઠક્કરના
જણાવ્યા મુજબ, હવામાન ખાતાની માવઠું થવાની
આગાહીનાં પગલે તાલુકામાં ગત મધ્યરાત્રિએ ફૂંકાયેલા મિની વાવાઝોડાં સાથે ઝરમર વરસાદ
પડયો હતો. જ્યારે આજે બપોરથી ઝરમર કે ઝાપટારૂપે વરસેલા વરસાદથી ઘઉં, રાયડો, ઇસબગુલ, જીરું, ધાણા સહિતના વિવિધ રવીપાકને લણણીના સમયે જ કમોસમી વરસાદથી વ્યાપક નુકસાન થયું
છે. બાગાયતી દાડમનાં વૃક્ષોમાં દાડમના ફળને રક્ષણ માટે ઓઢાડેલા કપડાં વાવાઝોડાંને કારણે
ઊડી જતાં દાડમ તથા ફૂલો ખરી પડતાં પાકને વ્યાપક નુકસાન થયું છે. કેસર કેરીના વૃક્ષોમાં
આવેલા મોર તથા લાગેલી નાની કેરી ખરી પડતાં કેરીના પાકને નુકસાન થયું છે. માવઠાંનાં
પગલે ઠેર ઠેર પાણી ભરાયાં હતાં. આ અંગે નખત્રાણા સ્થાનિક ભારતીય કિસાન સંઘના પ્રમુખ
જગદીશ કેશરાણીએ કમોસમી વરસાદનો ચિતાર આપ્યો હતો. ધરતીપુત્રોએ કુદરતી આફતથી થયેલા નુકસાનનો
સર્વે કરી સહાય ચૂકવવા માંગ કરી હતી. સીમાડામાં ઊભેલા સૂકા ઘાસ પર પડેલા વરસાદથી ઘાસમાં
ઉધઇનો ઉપદ્રવ થતાં ઘાસ સડી જવાથી પશુઓ માટે ઘાસચારાની સમસ્યા સર્જાવાની ભીતિ સર્જાઇ
હતી. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક વર્તાઇ હતી. - વિવિધ વિસ્તારોમાં વરસાદ : વાવાઝોડાંની આગાહી વચ્ચે આજે બપોરે મોટી
વિરાણી, રામેશ્વર, સુખપર,
વાંઢ, રામસરોવર, ભારાપર, ચરાખડા વિસ્તારમાં તોફાની વરસાદ સાથે
પાણી વહી નીકળ્યાં હતાં. નાની બન્નીનાં ગામોમાં પણ વરસાદ પડયો હતો. નેત્રાથી હારૂનભાઇ
કુંભારે નેત્રા, લક્ષ્મીપર,
બાંડિયારા, ઉસ્તિયા, બાંડિયામાં
પાણી વહ્યાના વાવડ આપ્યા હતા. સાંગનારાના સુભાષભાઇ લીંબાણીએ વાવાઝોડાંથી ખેતીને ભારે નુકસાની થઇ હોવાનું તથા
આંબામાં આવેલા મોર ખરી પડયા હોવાનું જણાવ્યું હતું. જો વધુ વરસાદ રહેશે તો દાડમના પાકમાં
પણ ફૂગ લાગશે. થરાવડા, ભડલી, અકાદના વિસ્તારમાં વરસાદના વાવડ ગુલામ મકવાણાએ
આપ્યા હતા. દેશલપર ગુંતલી, હાજીપીર પંથકમાં વાવાઝોડાંના વાવડ
છે. બાંડિયારાના મામદ સંગારે પણ પાકને નુકસાનીની વાત કરી હતી. - મોટી વિરાણીમાં લોકો સફાળા
જાગ્યા : મોટી વિરાણીથી પ્રતિનિધિ ઉમર ખત્રીના જણાવ્યા
મુજબ ગત મધરાત્રિએ પવનના જોરદાર સૂસવાટાથી લોકો જાગી ગયા હતા. ધૂળની ડમરી, વૃક્ષના પાંદડાથી ઘરોની ગેલેરી, શેરીઓ ભરાઇ ગઇ હતી. મોટી વિરાણી રસ્તે એક વૃક્ષ પડી ગયું હતું. થઇમ અલીભાઇએ
તોફાની માહોલનો ચિતાર આપ્યો હતો. - ક્રિકેટ ટૂર્નામેન્ટ અટવાઇ : નખત્રાણાના રામાણી ગ્રાઉન્ડ પર ચાલી રહેલી
ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વરસાદરૂપી અવરોધથી મેચ રોકવી પડી હતી. ધૂળની ડમરીઓથી વાતાવરણ
ધૂંધળું પડયું હોવાનું યશવંતસિંહ રાઠોડે જણાવ્યું હતું. પવનની થપાટોથી મંડપ, ખુરશીઓ, ફોક્સ લાઇટો ઊડવા
લાગ્યા હતા. સદ્ભાગ્યે જાનહાનિ ટળી હોવાનું ચંદનસિંહ રાઠોડે કહ્યું હતું. - મંગવાણામાં વૃક્ષ ધરાશાયી : મંગવાણાના સરકારી દવાખાનામાં ભારે પવનને
કારણે વૃક્ષ ધરાશાયી થયું હોવાનું રિઝવાનશા સૈયદે જણાવ્યું હતું. - પશુઓ ગમાણ છોડી ભાગ્યાં : નાની બન્ની વિસ્તારના ગામડાંઓમાં ગત રાત્રિના
આવેલા આંધી-તોફાનથી પશુઓ પોતાના રહેઠાણ છોડી ભાગ્યા હોવાનું હમજા જતે કહ્યું હતું.
- માતાના મઢના પદયાત્રીઓના કેમ્પ
પડી ગયા : રવાપરના પ્રતિનિધિ શિવશંકર વાસુના જણાવ્યા
મુજબ આજે બપોરે બે વાગ્યે રવાપર સહિત નાગવીરી, નવાવાસ, ઘડાણી, વાલ્કા,
આમારા, ઐયર, વિગોડી,
લીફરી, ખીરસરા, મેવાનગર સહિત
વિસ્તારોમાં આષાઢી માહોલ સર્જાયો હતો. ભારે પવન તથા ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં રહેણાક
વિસ્તારમાં વીજપોલ ધરાશાયી થયો હતો, તો માર્ગો પર પાણી વહી નીકળ્યાં
હતાં. પવનથી રવાપરથી માતાના મઢ વચ્ચે પદયાત્રીઓ માટે શરૂ થયેલા કેમ્પના મંડપ પડી ગયા
હતા. - વિથોણમાં પોણો ઇંચ વરસાદ : વિથોણ પંથકમાં માવઠાં તથા તોફાની પવનથી
ખેતપેદાશોને વ્યાપક નુકસાન થયું હતું. જીરું, રાયડા, ઇસબગુલ, દાડમ, કેરીનો પાક કુદરતી આફતનો ભોગ બન્યો હતો. રાત્રે ઠેકઠેકાણે છાપરાં ઊડી ગયાં
હતાં. વીજળીના કડાકાથી ભયનો માહોલ સર્જાયો હતો. એક કલાકના તોફાની માહોલમાં અંદાજે પોણો
ઇંચ વરસાદ પડયો હતો. ખેડૂત આગેવાન જયંતીભાઇ (આણંદસર) અને કાંતિભાઇ (સાંગનારા)એ આ વર્ષે
ખેતપેદાશોમાં લાખના બાર હજાર થવાની ભીતિ વ્યકત કરી હતી. - અનેક મકાનોના પતરાં ઊડયાં : નિરોણાના પ્રતિનિધિ બાબુભાઇ માતંગના જણાવ્યા
મુજબ કમોસમી વરસાદના માહોલથી આજે બપોરે સમગ્ર પાવરપટ્ટીમાં ઘઉંના પાકને વ્યાપક નુકસાન
થયું હતું. વિસ્તારના પૂર્વે સુમરાસર-શેખથી માંડી પશ્ચિમ થાન જાગીર સુધીના વિસ્તારમાં
તોફાની પવન સાથે ઝાપટાં પડયાં હતાં. અનેક સ્થળોએ મકાનો પરથી પતરાં ઊડયાં હોવાના હેવાલ
સાંપડયા હતા. સુમરાસર શેખ આસપાસ અડધાથી પોણો ઇંચ વરસાદ થયો હોવાનું સરપંચ રણછોડભાઇ
આહીરે જણાવ્યું હતું. ઝુરા, જતવાંઢ,
લોરિયા, સુમરાસર શેખના સીમાડામાં કમોસમી વરસાદથી
ખેડૂતોને ભારે આર્થિક નુકસાની વેઠવી પડી હતી. - બન્ની પંથકમાં માલધારીઓને હાલાકી : બન્ની પંથકમાં
કમોસમી વરસાદથી માલધારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ભગાડિયાના અમીનભાઇ જતે જણાવ્યા
મુજબ અનેક મકાનો પરથી પતરાં તથા ભૂંગાઓ પરથી ઘાસ ઊડી ગયાં હતાં. - કોટડા (જ.)માં આંબાના મોર ખરી
પડયા : નખત્રાણા તાલુકાના કોટડા(જ.)ના પ્રતિનિધિ
પંકજ ઠક્કરે જણાવ્યું હતું કે, આ પંથકમાં
શિયાળુ પાકને ભારે નુકસાન થયું છે, તો આંબાના મોર ખરી પડયા હોવાનું
ખેડૂત શાંતિલાલ નાકરાણીએ કહ્યું હતું, આ ઉપરાંત ઘઉં, રાયડો એરંડાને પણ નુકસાન થયું હતું, તો ભાવિવનભાઈ છાભૈયાએ
જણાવ્યું કે, શિયાળુ પાક અને આંબાનું મોટાપાયે વાવેતર કરાયું
છે. - અબડાસા પંથકમાં ઘઉંના પાકને
નુકસાનની ભીતિ : નલિયાથી અમારા
પ્રતિનિધિ કપિલ જોશીના જણાવ્યા અનુસાર ગત મધ્યરાત્રિએ 1:30 વાગ્યે આવેલા અચાનક પલટા બાદ
ગુરુવારે બપોરે 100થી વધુ ગામમાં
ગાજવીજ અને તેજ પવન સાથે કમોસમી વરસાદ ખાબકતાં જનજીવન પ્રભાવિત થયું હતું. ગત રાત્રે
ફૂંકાયેલા પવન અને ધૂળની ડમરીઓ બાદ બપોરે દોઢ વાગ્યે તાલુકા મથક નલિયામાં જોરદાર ઝાપટું
પડતાં માર્ગો પર પાણી વહી નીકળ્યાં હતાં, જેને પગલે ઈદની ખરીદી કરવા આવેલા ગ્રામ્ય લોકોએ ખરીદી અધૂરી મૂકી પોતાના ગામોની
વાટ પકડવી પડી હતી. - કોઠારા પંથકમાં
ગાજવીજ સાથે અડધો ઇંચ : કોઠારાના
પ્રતિનિધિ મનોજ સોનીના જણાવ્યા અનુસાર, કોઠારા પંથકમાં ગાજવીજ સાથે અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. અહીં રાત્રિના તોફાની
પવનને કારણે હાઈવે પરની દુકાનોનાં પતરાં પણ ઊડ્યાં હતાં. વરસાદને પગલે તાલુકાના વાયોર,
વાઘોટ, બેર, તેરા,
બિટા, ઉસ્તિયા, રાપરગઢ,
સિંધોડી, સુથરી, ભેદી,
વરાડિયા, ડુમરા, નારણપર,
ખુઅડા અને વિંઝાણ સહિતના ગામોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં અને અનેક
વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાયો હતો. આ કમોસમી વરસાદથી ઘઉંના તૈયાર પાકને વ્યાપક નુકસાનની
ભીતિ સેવાઈ રહી છે. ખુઅડાના ખેડૂત સતુભા ભાટીએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે,
ખેતરોમાં કાપણી બાદ ખુલ્લા પડેલા ઘઉંને બચાવવા ખેડૂતોએ ભારે મથામણ કરવી
પડી હતી. દરિયાકાંઠાનાં ગામો સુથરી, સિંધોડી અને રાપરગઢમાં પણ
પવન સાથે વરસાદી માહોલ રહેતાં ખેતી પાકો પર જોખમ તોળાઈ રહ્યું છે. - ગરડા પંથકમાં ભરઉનાળે ચોમાસું
: જીઈબીની પોલ પાધરી : વાયોર-અબડાસા તાલુકાના ગરડા પંથકના સરહદી
વિસ્તારમાં ઉકીર, વાગોઠ,
પદ્ધરવાડી, વાયોર, ચરોપડી
મોટી, વલસરા, કેરવાંઢ, વડસર જેવા અનેક વિસ્તારમાં ગત મધરાતે હવામાનમાં અચાનક પલટો આવતાં તીવ્ર ગતિના
પવનના કારણે ગરડા પંથકમાં વાયરો પડી જતાં વીજળી ગુલ થઈ ગઈ હતી, તો આજે બપોરે પંથકમાં પવનની તેજ ગતિ અને કડાકા-ભડાકા સાથે ગાજવીજ સાથે સતત
એક કલાક સુધી વરસાદ થતાં શેરીઓમાં-બજારમાં પાણી ભરાઈ ગયાં હતાં. - રાપર એપીએમસીમાં પતરાં ઊડયાં : ભયંકર પવન ફૂંકાતાં રાપર એપીએમસી અને અન્ય અનેક જગ્યાએ મકાન
અને ગોદામોનાં પતરાં ઊડી ગયાં હતાં, તો કેટલીય જગ્યાએ ઝાડ, વીજ થાંભલા અને બોર્ડ-હોર્ડિંગ્સ
વગેરે ઊડી ગયા હતા. વીજ થાંભલા અને વાયરોને નુકસાન પહોંચતાં તાલુકામાં અંધારપટ છવાયો
હોવાનું રાપરના પ્રતિનિધિ ઘનશ્યામ મજીઠિયાએ જણાવ્યું હતું. - ઈસબગુલમાં 100 ટકા, જીરું, વરિયાળીમાં 50 ટકા નુકસાન : રામવાવ,
વજેપર, કુડા, ખેંગારપર,
સુવઈ વગેરે ગામોમાં ગત રાત્રે અને આજે બપોરે કમોસમી વરસાદ ભારે પવન સાથે
પડવાથી ખેડૂતોએ વાવેલ ઈસબગુલમાં 100 ટકા અને એરંડા તથા વરિયાળી જેવા પાકોમાં 50 ટકા જેટલું નુકસાન થયું હોવાનું
રામવાવથી કિસાન સંઘના પૂર્વ પ્રમુખ કરસનભાઈ વરચંદે જણાવ્યું હતું. - હાઈવે પટ્ટીમાંય ખેતીને ભારે
નુકસાન : હાઈવે પટ્ટીના પલાંસવા, ગાગોદર, કાનમેર સહિતનાં
ગામોમાં ગતરાત્રે તથા આજે બપોરથી સાંજ સુધીમાં પડેલ કમોસમી માવઠું અને વાવાઝોડું આફત
લઈને આવ્યા હતા. ખેતરોમાં ઊભેલ ઈસબગુલના પાકનો પૂરો સોથ વળી ગયો હતો તો કપાસમાં પાણી
પડવાથી કપાસ પીળો થઈ જવાથી અડધો ભાવ આવે અને તેવી જ રીતે એરંડામાં પણ અડધાથી ઉપરનું
નુકસાન થયું હોવાનું પલાંસવાથી વેલજીભાઈ સોલંકીએ જણાવ્યું હતું. વાગડમાં કયાંક કરા
પણ પડયા હોવાના અહેવાલો સાંપડયા હતા. - પ્રાંથળમાં ઊભા મોલને વ્યાપક નુકસાન : પ્રાંથળનાં બાલાસરમાં પણ પવન સાથે વરસાદ
પડતાં વાડી-ખેતરોમાં ઊભા મોલને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું, તો અનેક જગ્યાએ મકાનોનાં નળિયાં અને પતરાં ઊડી
ગયાં હોવાનું બાલાસરથી પ્રતિનિધિ જયેન્દ્રાસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. હાઈવે પટ્ટીનાં
ગાગોદર સહિત તમામ ગામોમાં વાવાઝોડાં અને વરસાદથી વ્યાપક તારાજી સર્જાઈ હોવાનું ગાગોદરથી
અશ્વિન ઠક્કરે જણાવ્યું હતું. - નાનાં રણમાં મીઠાંના અગરને નુકસાની : આડેસરથી અમારા
પ્રતિનિધિ ખેંગાર પરમારે જણાવ્યું હતું કે, રાત્રે ત્રણ વાગે મિની વાવાઝોડાંએ લોકોમાં ભય ફેલાવ્યો હતો. નાનાં રણ વિસ્તારમાં મીઠાંના અગરિયાઓની સોલાર પેનલો ઊડી
હતી. અંદાજ મુજબ હજારથી વધુ સોલાર પેનલો ઊડી ગઈ હોવાથી લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ લગાવાઈ
રહ્યો છે. ગત રાત્રિ બાદ બપોર પછીથી વરસાદી માહોલ છવાયો છે. વીજળીના કડાકા વચ્ચે ધીમો
વરસાદ ચાલુ રહ્યો હતો. સાંતલપુર અને કચ્છના નાનાં રણમાંયે પવન અને વરસાદથી અગરિયાઓને
કરોડોનું નુકસાન થયું હોવાનું સાંતલપુરના પ્રતિનિધિ લક્ષ્મીચંદ સોલંકીએ જણાવ્યું હતું.
- ખડીરમાં ખેતીની ભારે ખુવારી
: ચોબારીથી પ્રતિનિધિ રામજીભાઈ મેરિયાએ જણાવ્યું
હતું કે, આજે દિવસ દરમ્યાન એકાદ ઈંચ વરસાદ સમગ્ર ખડીર
પંથકમાં પડતાં ઈસબગુલ, એરંડાના પાકને નુકસાનીથી ખેતીમાં ભારે
ખુવારી થઈ હોવાનું ઘનશ્યામ મહારાજે કહ્યું હતું. વધુમાં કાચાં મકાનોના પતરાં ઊડી જવાથી
મજૂર વર્ગને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો, તો ખેડૂતોનો ઉતારેલો
માલ પલળી ગયો હતો. - ભચાઉમાં પવન
સાથે વરસાદથી પાકમાં નુકસાન : શહેરમાં બપોરે વેગવંતા પવન સાથે વરસાદ પડ્યો
હતો. કેટલીક જગ્યાએ વીજરેષા પડી ગયા હોવાનું પ્રતિનિધિ મનસુખ ઠક્કરે જણાવી ઉમેર્યું
કે, ભારે પવન સાથે વરસાદ પડતાં બપોરના ત્રણ વાગ્યા
બાદ વીજળી ગુલ થઈ ગઈ હતી. સાંજે સાત વાગ્યા સુધી આવી ન હતી. ક્યાંક જૂનાં ઝાડ પડી ગયાં
હતાં, જૂનો લીમડો-વિસામો રેલવે સ્ટેશન પાસે પડી ગયો હતો આ કમોસમી
માવઠાં અને પવનને પગલે ખેતીની તૈયાર ઊપજમાં નુકસાન થવા પામ્યું છે. ગુણાતીતપુરના ખેડૂત
અને જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ ધીરજ પટેલે કહ્યું કે, દાડમ પરના કવર ઊડી ગયા છે, સાથે ઘઉં, રાયડો, જીરું જેવા તૈયાર પાકને નુકસાની થશે. આ વિસ્તારમાં
અતિ પવનથી મુશ્કેલી ઊભી થઈ હતી. ખારોઈ પંથકમાં જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું,
પાણી વહી નીકળ્યાં હોવાનું રાજુભાઈ ઉમરાનીએ જણાવ્યું હતું. આધોઇ ગામે
પવન ઊપડ્યો હોવાનું વેપારી મંડળ પ્રમુખ ભીમજીભાઈ પટેલે જણાવ્યું હતું. ગત મધરાત્રે
અઢી વાગ્યે પણ મિની વાવાઝોડું ફૂંકાયું હતું. ઠેર ઠેર પાંદડાં-કચરો નગરમાં ફેલાઈ ગયા
હતા.