• શુક્રવાર, 20 માર્ચ, 2026

કચ્છમાં પ્રથમ વખત બજેટ આધારિત સુયોજિત આયોજન

ભુજ, તા. 18 : જિલ્લા કલેક્ટર અને જિલ્લાના વિવિધ વિસ્તાર સત્તામંડળના ચેરમેન  આનંદ પટેલનાં માર્ગદર્શન હેઠળ ભુજ, ભચાઉ તથા અંજાર અને ગાંધીધામ માટે પ્રથમ વખત સુયોજિત આયોજન સાથે આગામી વર્ષ 2026-27 માટેનાં અંદાજપત્રો રજૂ કરી વિકાસલક્ષી પ્રોજેક્ટ્સને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. - ભુજમાં આઈકોનિક રોડ-સર્કલ, નવા બગીચાનું નિર્માણ : ભુજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી માટે કચ્છ કલેક્ટર આનંદ પટેલનાં માર્ગદર્શનમાં ભુજના સર્વાંગી વિકાસ માટે 2510.00 લાખના આવક અને ખર્ચના લક્ષ્યાંક સાથેનું બજેટ મંજૂર કરાયું છે. ભુજ શહેરને હરિયાળું બનાવવા માટે બાગ-બગીચાઓનો વિકાસ, નવી ટી.પી. સ્કીમ, પીવાના પાણીની સુવિધાઓ, ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઈટ, આઈકોનિક રોડ અને સર્કલ સહિત સ્પોર્ટસ કોમ્પ્લેક્સ જેવી જનઉપયોગી સુવિધાઓને આવરી લેવામાં આવી છે. રિલોકેશન સાઈટના અનામત પ્લોટમાં પાંચ નવા ગાર્ડન વિકસાવવા માટે રૂા. 50.00 લાખની જોગવાઈ કરવામાં આવી છે. નવી ટી.પી. સ્કીમ  માટે રૂા. 12.00 લાખ તથા દ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજના તૈયાર કરવા માટે રૂા. 110.00 લાખનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. - પાણી-ગટરનાં કામો માટે જોગવાઈ : પીવાના પાણીની સુવિધા માટે ભુજ શહેરમાં વોર્ડ નં. 1, 7, 8, 9 અને 11 તેમજ જીઆઈડીસી વિસ્તારમાં નર્મદા વોટર સંપ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પમ્પિંગ સ્ટેશન જેવાં કામો માટે રૂા. 607.00 લાખની માતબર રકમનો અંદાજ રાખવામાં આવ્યો છે. ભુજ વિસ્તારમાં ડ્રેનેજ સુવિધા માટે રૂા. 515.00 લાખ અને માધાપર વિસ્તારમાં ડ્રેનેજ સુવિધા માટે રૂા. 250.00 લાખની જોગવાઈ કરવામાં આવી છે. નવી સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવશે. શહેરના સુશોભન માટે ભુજમાં આઈકોનિક રોડ અને સર્કલનું નિર્માણ કરાશે, જેમાં `ભાડા આઈકોનિક રોડ' (રૂા. 100.00 લાખ) અને `ભાડા સર્કલ' (રૂા. 25.00 લાખ)ના વિકાસનાં કામો નક્કી કરવામાં આવ્યાં છે. રિલોકેશન સાઈટ ખાતે સ્પોર્ટ કોમ્પ્લેક્સનાં કામ માટે રૂા. 380.00 લાખ ફાળવાયા છે.  - રાપર, ભચાઉમાં વિકાસકામો હાથ ધરાશે : ભચાઉ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી અંતર્ગત ભચાઉ શહેર માટે રૂા. 162.30 લાખનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. ભચાઉ સત્તામંડળના ચિલ્ડ્રન પાર્કમાં નગરપાલિકાને સંકલનમાં રાખી પાર્ક રિવાઇવ કરવા રૂા. 50.00 લાખની જોગવાઇ કરવામાં આવી છે. રાપર શહેર માટે 141.64 લાખનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. ડાભુંડા સર્કલથી મામલતદાર કચેરી તરફ જવાનો રસ્તો રૂા. 50.00 લાખના ખર્ચે આઇકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવશે. - અંજારમાં માળખાંકીય સુવિધાનો વિકાસ : અંજાર વિસ્તાર વિકાસ સત્તામંડળ માટે ભુજ ખાતે યોજાયેલી 44મી બોર્ડ બેઠકમાં શહેરના આધુનિકીકરણ અને માળખાકીય સુવિધાઓ માટે 2392 લાખનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.  રમતવીરો માટે સ્ટેડિયમ ડેવલપમેન્ટ માટે રૂા. 207 લાખની રકમ અને ટી.પી. સ્કીમ નં. 2ના પ્લોટ નં. 975માં મેમોરિયલ પાર્ક બનાવવા માટે 50 લાખની જોગવાઈ કરવામાં આવી છે. બગીચાઓના વિકાસ માટે રૂા. 25 લાખની જોગવાઈ, કચેરીના કામકાજને વેગ આપવા નવા પાંચ કોમ્પ્યુટર સેટ અને સંસ્થાની નવી વેબસાઈટ ડેવલપમેન્ટ માટે નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે.  અંજાર વિસ્તાર વિકાસ મંડળની જમીનો પર ફેન્સિંગ અને કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે રૂા. 15 લાખ તથા નવી ટી.પી. સ્કીમની એજન્સી ફી અને વિકાસનાં કામો માટે રૂા. 50 લાખ ફાળવાયા છે. અબેટરમેન્ટ ચાર્જ પેટે રૂા. 500 લાખ અને વ્યાજની આવક પેટે રૂા. 140 લાખ મળવાનો અંદાજ છે. આ ઉપરાંત ક્રુટિની ફી, ડેવલપમેન્ટ ચાર્જ અને એમેનિટીઝ ફી દ્વારા પણ આવક ઊભી કરાશે. - ગાંધીધામને મોડેલ શહેર તરીકે વિકસાવાશે  : ગાંધીધામ વિસ્તાર વિકાસ સત્તામંડળ માટે વર્ષ 2026-27 માટેનું વાર્ષિક અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું છે. શહેરના આધુનિકીકરણ અને માળખાકીય સુવિધાઓને સુદૃઢ કરવા માટે ગાંધીધામ મહાનગરપાલિકાને રૂા. 30 કરોડની ગ્રાન્ટ ફાળવણીનો નિર્ણય લેવામાં આવ્યો છે. આઇકોનિક રોડનું નિર્માણ, ગ્રીન સ્પેસ, ફૂટપાથ સાથે પહોળા રસ્તાઓના નિર્માણ કરવામાં આવશે. હયાત રસ્તાઓને ડસ્ટ ફ્રી બનાવવામાં આવશે, જેમાં પાર્કિંગ, ગ્રીન સ્પેસ અને ફૂટપાથનું નિર્માણ કરવામાં આવશે. આ સાથે જ વોટર સપ્લાય અને ડ્રેનેજ સુધારણા અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્કનાં કામો અને  સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કામો હાથ ધરાશે. જીડીએના નવા બિલ્ડિંગ માટે રૂા. 1.17 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગાંધીધામ વિસ્તાર વિકાસ સત્તામંડળનું 72 કરોડનું બજેટ મંજૂર કરાયું છે. ગાંધીધામને એક `મોડેલ સિટી' તરીકે વિકસાવવા નેમ વ્યક્ત કરાઈ છે. - માળખાકીય સુવિધાઓ ઝડપથી મળશે :  પ્રથમ વખત ચોક્કસ આયોજન અને લક્ષ્યાંક સાથે બજેટ આધારિત કામગીરી થવાથી લોકોને વિવિધ માળખાકીય સુવિધાઓ ઝડપથી ઉપલબ્ધ થશે. જિલ્લાના તમામ શહેરી વિકાસ સત્તા મંડળ માટે માઈક્રોપ્લાનિંગથી કામ કરાઈ રહ્યું છે.  

Panchang

dd