ભુજ, તા. 18 : વર્તમાન સમયમાં અમેરિકા-ઈરાન
અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા
નિર્ણય બાદ બુધવારે જિલ્લા પુરવઠા તંત્રના આદેશ બાદ ભુજ અને મુંદરામાં 17 હજારથી વધુ એલપીજી ગેસ કનેક્શન
બંધ કરવામાં આવ્યા છે અને લોકોને પીએનજી (પાઈપલાઈન વાટે ગેસ) તરફ વળવા સૂચના અપાઈ છે.
વર્તમાન યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસની અછત સર્જાવાની સંભાવનાએ એલપીજી ગેસની બુકિંગમાં
અચાનક જ ઉછાળો આવતાં કેન્દ્ર સરકારે પીએનજી (પાઈપલાઈન વાટે ગેસ) તરફ વળવા નાગરિકોને
સૂચના આપી છે અને હાલ જે પણ ગ્રાહકોએ પીએનજી કનેક્શન લીધા બાદ એલપીજીના બાટલા જમા નથી
કરાવ્યા તેવા કનેક્શનો બંધ કરવાનો આદેશ કર્યો છે,
જેને પગલે કચ્છમાંયે જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં
ભુજ અને મુંદરામાં 17 હજારથી વધુ
એલપીજી કનેક્શન બંધ કરાયા છે. હવેથી આવા પીએનજી કનેક્શન ધરાવતા લોકોના એલપીજી માન્ય
નહીં રહે, તો સિલિન્ડર ન જમા કરાવનારા સામે કાર્યવાહી
કરવાનીયે સંભાવના વ્યક્ત થઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઈરાન
યુદ્ધ લાંબું ખેંચાય તો ભવિષ્યમાં રાંધણગેસની અછત સર્જાવાની સંભાવનાના કારણે જ લોકો
દ્વારા ધડાધડ ઓનલાઈન બુકિંગ કરાવવામાં આવતાં કેટલીક ગેસ કંપનીઓના સર્વર ડાઉન થઈ ગયા
હતા, જેને પગલે ગેસની અછત સર્જાવાની અફવાઓએ જોર પકડયું હતું,
જો કે, છેલ્લા બે દિવસથી પરિસ્થિતિ થાળે પડી રહી
હોવાનું સ્થાનિક એજન્સીઓ દ્વારા જણાવાયું હતું.