આદિપુર, તા. 16 : ગુજરાત
સિંધી સાહિત્ય અકાદમી ગાંધીનગર તથા અહીંના સિંધી સદાબહાર ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત
ઉપક્રમે `21મી સદીમાં સિંધી સાહિત્યનો પ્રથમ
દાયકો' વિશે સેમિનાર યોજાયો હતો, જેમાં ચાર
પ્રપત્રનું વાંચન કરાયું હતું. આ વેળાએ ધાર્મિક તથા મનોરંજન કાર્યક્રમ સાથે વેલકમ ચેટીચાંદનું
આયોજન પણ કરવામાં આવ્યું હતું. હરિ આસરો ટ્રસ્ટ ખાતે આયોજિત કાર્યક્રમમાં નિવૃત્ત આચાર્ય
ઓકેશ ખત્રી, સિંધોલોજીના ગ્રંથપાલ મુકેશ તિલોકાણી, નાટ્યકાર મહેશ ખીલવાણી, ગાયક નીલેશ ટંડને સાહિત્યિક સંશોધનપત્રો
રજૂ કરીને 21મી સદીના પ્રથમ દાયકામાં પ્રકાશિત
સાહિત્યના વિવિધ પ્રકારો ઉપર પ્રકાશ પાડ્યો હતો. અમદાવાદના ડો. જેઠાનંદ લાલવાણીએ ચાવીરૂપ
વક્તવ્ય આપ્યું હતું. બેઠકનું અધ્યક્ષ પદ ડો. તમન્ના લાલવાણીએ સંભાળ્યું હતું. અગ્રણી
જેન્તીભાઈ ઠક્કરે મુખ્ય મહેમાનપદ સાચવ્યું હતું.
ગાંધીધામના પ્રેમ પ્રકાશ આશ્રમના સંચાલક કમલ સાંઈએ સત્સંગ કર્યો હતો. બહેરાણા
સાહેબની પૂજા-અર્ચના પછી એસ.વી.બી. કરાઓકે તથા એચ.કે.ટી. દ્વારા હિન્દી તથા સિંધી ગીતોની
રમઝટ બોલાવાઈ હતી. કુમાર રામચંદાણી, પ્રેમભાઈ લાલવાણી, કમલેશ માયદાસાણી, પારુલ સોની, પી.ટી. ભાગચંદાણી અને કલાકારો તથા સાહિત્યકારોનું
જેન્તીભાઈ ઠક્કરે શાલ દ્વારા અભિવાદન કર્યું હતું. સિંધી સદાબહાર ચેરિટેબલ ટ્રસ્ટના
એમ.ડી. રોશન ગોપલાણીએ સંચાલન સંભાળ્યું હતું, તો આભારવિધિ ટ્રસ્ટના
પ્રમુખ એસ.વી. ગોપલાણીએ કરી હતી. આયોજનમાં પ્રકાશ લછવાણી, રાજેશ
લાલવાણી, કૃણાલ આચાર્ય, રાજા દોલતાણી,
નીતિન સોની, ઉમેશ ગેવાણી, મોહિત ગોપલાણીએ સહકાર આપ્યો હતો. સાહિત્યપ્રેમી, સંગીતપ્રેમી
તથા ધર્મપ્રેમી લોકોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી અને આ પ્રસંગે ડો.
જેઠા લાલવાણીનો જન્મદિવસ પણ કેક કાપીને ઊજવાયો હતો.