• સોમવાર, 09 માર્ચ, 2026

ભુજના કૃષ્ણાજી પુલનું નવનિર્માણ `દિલ્હી અભી દૂર હૈ'

ભુજ, તા. 8 : જર્જરિત હોવાનાં કારણથી વર્ષોથી એક તરફની અવરજવર પર રોક લાગી છે તેવો ભુજનો કૃષ્ણાજી પુલ ઉદ્વાર ઈચ્છે છે. તાંત્રિક મંજૂરી મળ્યા બાદ ત્રણેકવાર ટેન્ડર બહાર પડાયાં, પણ આ પુલનું નવનિર્માણ કરવા કોઈ કોન્ટ્રાક્ટરે રસ ન દાખવતાં ભુજવાસીઓમાં નિરાશા ફેલાઈ છે અને આ પુલ નવો બનશે કેમ તેવો સવાલ ઉઠાવી રહ્યા છે. 30 ઓક્ટો., 2022માં મોરબી પુલ હોનારતને પગલે રાજ્ય સરકાર દ્વારા તમામ જોખમી પુલનો સર્વે કરાવી તેના પર આવાગમન પર રોક લગાવી, જેમાં ભુજના ઐતિહાસિક કૃષ્ણાજી પુલનો પણ સમાવેશ થયો અને ભુજ સુધરાઈ દ્વારા તેનો સર્વે કરાવી એક તરફના માર્ગ પર આવ-જા પર રોક લગાવી દીધી અને પુલને નવો બનાવવાનો વ્યાયામ આદરાયો. જો કે, આજે ત્રણ વર્ષ ઉપરનો સમય વીતવા છતાં પુલ નવનિર્માણના કોઈ અણસાર દેખાતા ન હોવાનું જાગૃતો કહી રહ્યા છે. વર્ષોથી નવનિર્માણની ફાઈલ આર.સી.એમ. રાજકોટ, ગાંધીનગર અને આર. એન્ડ બી. વચ્ચે ફર્યા બાદ આ ઐતિહાસિક પુલ નવનિર્માણ માટે ધારાસભ્ય કેશુભાઈ પટેલે પ્રયત્નો હાથ ધર્યા અને અંતે સરકારના નિયમોને આધીન ભુજ સુધરાઈ દ્વારા મોકલાયેલો રિવાઈઝ્ડ પ્લાન મંજૂર થયો અને 4.21 કરોડના ખર્ચને તાંત્રિક મંજૂરી પણ અપાઈ. પરંતુ પુલ નવનિર્માણના અવરોધો હજુ પણ દૂર નથી થયા. ભુજ નગરપાલિકાએ પુલ નવો બનાવવાના ત્રણ વાર ટેન્ડર બહાર પાડયાં, પરંતુ કોઈ કોન્ટ્રાક્ટરે આ માટે રસ નથી દાખવ્યો અને હવે થોડા દિવસોમાં ચોથીવાર ટેન્ડર બહાર પડાશે. ઉનાળાનો પ્રારંભ થઈ ગયો છે અને ત્યારબાદ ચોમાસું પણ આવી જશે, પણ હાલની પરિસ્થિતિ જોતાં વર્ષ 2027માં પુલનું કામ શરૂ થાય તેવી કોઈ શક્યતા જાગૃત નાગરિકોને નથી દેખાતી, તેવો ગણગણાટ ભુજમાં ફેલાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એક તરફ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ઋષિકેશ ખાતે કાચનો લક્ષ્મણ ઝુલા પુલ તૈયાર થઈ ગયો, જ્યારે બીજી તરફ ભુજનો કૃષ્ણાજી પુલ નવનિર્માણ ઝંખી રહ્યો હોવાનું ભુજના જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે. 

Panchang

dd