કાઠડા (તા.માંડવી), તા. 6 : તાલુકાના કાઠડા ગામે એરસ્ટ્રીપ વિસ્તૃતિકરણથી ગામની ચરિયાણ લાયક ગૌચર જમીનમાં આવી રહી છે જેનો ગામલોકો અને ગૌ-પ્રેમીઓ વિરોધ કરી રહ્યા છે ત્યારે તંત્ર અને રાજકિય આગેવાનો સ્થળ ઉપર મુલાકાત કરી એરસ્ટ્રીપ ઉતરાદી તરફ નહીં પણ દક્ષિણ બાજુ વિસ્તૃતીકરણ કરાય તો ગૌચર પણ બચી જાય તેવી માંગ વચ્ચે તમામ મુદાઓ, પ્લાન-નકશા સાથે ચકાસણી કરી હતી. ફરીથી દરખાસ્ત તૈયાર કરવા સાથે પ્રયત્નશિલ રહેવા જિલ્લા કલેકટર આનંદ પટેલે હૈયાધારણા આપી હતી. સાંસદ વિનોદ ચાવડાએ ગ્રામજનોની માંગ અને આ મુદે તમામ પ્રયાસો કરવાની ખાતરી આપી હતી. ધારાસભ્ય અનિરૂદ્ધ દવેએ ગૌચરમાં તળાવો, ક્રિકેટના મેદાન, ધાર્મિક જગ્યાઓ વગેરે આવતી હોવાથી ઘટતું કરી વિસ્તૃતીકરણની દિશા બદલાવાય તો ગ્રામજનોની પણ માંગ સંતોષી જાય તે માટે તંત્રને વાકેફ કરી અને પોતે પણ સહયોગી રહેવાની ખાતરી આપી હતી. અખીલ કચ્છ ચારણ સમાજના પ્રમુખ દેવરાજભાઈ ગઢવીએ તંત્ર અને રાજકિય આગેવાનો સાથે રહી અને આ મુદે નિરાકરણ આવશે તેવા પ્રયત્નો કરાશે અને જરૂર નિરાકરણ આવશે તેના માટે તંત્ર ઉપર વિશ્વાસ રાખવા કહ્યું હતું. પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા, માંડવી મામલતદાર પ્રદ્યુમનસિંહ જેઠવા પોલીસ ઈન્સપેક્ટર ચેતક બારોટ, ના. મામલતદાર વિજયસિંહ જાડેજા, માંડવી તા. ભાજપ પ્રમુખ સામત ગઢવી, તાલુકા પંચાયત પ્રમુખ કેવલ ગઢવી, કાઠડા તા. પં. સદસ્ય દેવાંગ સાખરા, મંત્રી લક્ષ્મીશંકર જોષી, યુવા ભાજપના પ્રમુખ ગોપાલ ગઢવી, શંભુદાન ગઢવી, કાઠડાના અગ્રણી ભારમલ ગઢવી, અગ્રણી ધનરાજ ગઢવી, કાઠડા અગ્રણી વિરમભાઈ ગઢવી, રતન ગઢવી, ઉપ સરપંચ કમલેશ પાસ્તા, દિનેશભાઈ લાખણી, અનિલ કાનાણી, ભીમશી પાસ્તા વગેરે જોડાયા હતા. પુરક બાબતો રમેશભાઈ....એ આપી હતી.