ગાંધીધામ, તા. 6 (પ્રતિનિધિ દ્વારા) : મધ્ય-પૂર્વમાં
યુદ્ધનાં કારણે કચ્છ સહિતના દેશભરના વેપારજગતને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આર્થિક માર
પડવાનું શરૂ થયું છે. આ સ્થિતિમાં શિપિંગ લાઈનોએ
અચાનક વોર રિસ્ક પ્રીમિયમ સહિતના વધારાના ચાર્જ સાથે તોતિંગ ભાવવધારો કર્યો છે, જેનાં કારણે કચ્છના શિપિંગ ઉદ્યોગકારો
તેમજ આયાત-નિકાસકારોને આર્થિક ભારણ વધવા સાથે અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થઈ છે. અચાનક ઈરાન ઉપર અમેરિકા અને ઈઝરાયલે હુમલો શરૂ કર્યા બાદ તમામ અખાતી દેશોમાં અજંપા સાથે અશાંતિ
ઊભી થઈ હતી, જેનાં કારણે ભારત સહિતના
વિશ્વભરના વેપારજગતને ભારે અસર પડશે, જેની અસરો ધીમેધીમે દેખાવાની
શરૂ થઈ છે. મોટા ભાગની શિપિંગ લાઈનો દ્વારા
જુદા-જુદા હેડ તળે વધારાનો ચાર્જ વસૂલવાનું શરૂ કર્યું છે. શિપિંગ ઉદ્યોગકારોએ
જણાવ્યું હતું કે, જહાજમાં કાર્ગો લોડ થયા બાદ મધદરિયે પહોંચ્યા
બાદ વધારાનો ચાર્જ લાદવામાં આવ્યો છે. કેટલાક કિસ્સાઓમાં કચ્છના બંદરગાહો ઉપરથી નીકળેલા કાર્ગોને સાઉદી અરેબિયા, કુવૈત,
બહેરીન, કતાર, ઈરાકના કાર્ગોને
નિયત સ્થળે પહોંચાડવાની જગ્યાએ કાર્ગોને ઓમાન
અથવા દુબઈના પોર્ટ ઉપર ખાલી કરી દેવાયો છે, જેને પરત લાવવા માટે
પણ ઉદ્યોગકારોને મોટો આર્થિક ફટકો પડશે. આ સંજોગોમાં વીમા કંપનીઓ દ્વારા પણ ભાવવધારો
કરાયો છે. - સ્થાનિક પરિવહન
ઉદ્યોગને ભારે નુકસાન થશે : કંડલા-મુંદરા બંદરગાહોના ધમધમાટ વચ્ચે પરિવહન
ઉદ્યોગ એ ગાંધીધામ અને જિલ્લાનો મુખ્ય ઉદ્યોગ છે. વૈશ્વિ કક્ષાએ સર્જાતી અશાંતિની અસર સ્થાનિક પોર્ટની સાથોસાથ સ્થાનિક પરિવહન ઉદ્યોગકારોને પડશે. સમય જતાં પરિવહન ઉદ્યોગકારોને પણ યુદ્ધની
સ્થિતિની અસર પડશે તેવું હાલની સ્થિતિમાં ચોક્કસપણે લાગી રહ્યંy છે. હોર્મુઝ સ્ટેટ બંધ થવાના કારણે ગેસ, પેટ્રોલિયમ પ્રોડકટ સહિતને અસર પડી રહી છે.
ગેસની અછતનાં કારણે મોરબીના સિરામિક ઉદ્યોગના એકમો બંધ થવાની સ્થિતિએ આવી પહોંચ્યા
છે. રાતા સમુદ્રના રૂટે પણ લાઈનો દ્વારા ભાવવધારો
કરાયો હોવાની ફરિયાદ ઉપર શિપિંગ ઉદ્યોગકારોએ કરી હતી. વધુમાં ઉમેર્યું હતું કે,
મિડલ ઈસ્ટના રૂટે અંદાજિત 200થી 300 ડોલર સામે
2000થી 3000 ડોલરનો ફ્રેટ કરી દેવામાંઆવ્યો છે. બહાર આવેલી વિગતો અનુસાર
શિપિંગ મંત્રાલય દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક બોલાવીને
શિપિંગ ઉદ્યોગકારોની સમસ્યાઓની સમીક્ષા કરાઈ હતી,
જેમાં ગાંધીધામ સંકુલના વેપારીઓએ વિવિધ મુદ્દે રજૂઆત કરી હતી. સરકાર
દ્વારા યોગ્ય કરવાની હૈયાધારણ અપાઈ હતી. - ભારત માટે હોર્મુઝ સ્ટ્રેટ
ખોલવા મુદ્દે મોડી સાંજ સુધી કોઈ ગતિવિધિ નહીં : ઈરાન દ્વારા યુ.એસ. અને ઈઝરાયલ સિવાયના દેશોના રાષ્ટ્રધ્વજવાળાં
જહાજોને હોર્મુઝ સ્ટેટમાંથી પસાર થવા દેવામાં આવશે તેવી જાહેરાત કરી હોવાના સમાચાર
વહેતા થયા હતા. મોડીસાંજ સુધી આ અંગે ખાસ ગતિવિધિ જોવા ન મળી હોવાનું સ્થાનિક ઉદ્યોગકારોએ
ઉમેર્યું હતું. પોર્ટ, કન્ટેનર સ્ટેશન
તેમજ એકમોના સ્ટોર વિગેરે જગ્યાએ કન્ટેનર અને માલનો ભરાવો થતો હોવાની પણ ફરિયાદો ઊઠી હતી.