ગાંધીધામ, તા. 6 : મિડલ ઈસ્ટમાં સર્જાયેલી તંગદિલી
વચ્ચે કંડલા-મુંદરા પોર્ટના વેપાર ઉપર વૈશ્વિક
યુદ્ધની અરસ વર્તાવાની શરૂ થઈ છે, ત્યારે
સ્થાનિક ટેડને બચાવવા અને શિપિંગ ઉદ્યોગકારોને મુશ્કેલી નિવારવા માટે તત્કાળ બેઠક યોજીને
સરકાર અને સંબંધિતો સમક્ષ રજૂઆત કરાઈ હતી, તો બીજી બાજુ આ સંજોગોમાં
શિપિંગ લાઈનો સમક્ષ જુદા-જુદા ભાવવધારામાંથી રાહત આપવા અનુરોધ કરાયો હતો. ચેમ્બર પ્રમુખ
તેજાભાઈ કાનગડ, ઉપપ્રમુખ દીપક પારેખ તથા મંત્રી મહેશ તીર્થાણીએ
જણાવ્યું હતું કે, વૈશ્વિક કક્ષાએ ઊભી થયેલી પરિસ્થિતિને કારણે સ્થાનિક
કંડલા-મુંદરાના પોર્ટ વિસ્તારના વેપાર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને ગંભીર આર્થિક
ફટકો પડશે. શિપિંગ લાઈનોએ ફ્રેઈટ તથા અન્ય
સંબંધિત ચાર્જમાં એકાએક અંદાજે 10ગણો વધારો કરતાં આયાત-નિકાસકારો, ફ્રેઈટ ફોરવર્ડર્સ અને ક્ષેત્રને જોડતી આખી
ચેઈનના સંબંધિતો ચિંતામાં મુકાયા છે. આ અંગે યોજાયેલી બેઠકમાં તમામ વર્ગના હિતોને ધ્યાનમાં
રાખીને ચર્ચા હાથ ધરાયા બાદ કેન્દ્ર સરકારના જુદા-જુદા વિભાગો સામે રજૂઆત કરવા નિર્ણય
પણ લેવાયો હતો. ચેમ્બર ભવન ખાતે બેઠક દરમ્યાન આંતરરાષ્ટ્રીય પોર્ટ શિપિંગ અને મરીન
કાયદાના નિષ્ણાત સુકુમાર તીર્થાણીએ જણાવ્યું હતું કે, શિપમેન્ટની
વિવિધ સ્થિતિ મુજબ ટેડ માટે લાગુ પડતા સિદ્ધાંતો, અગાઉ બુક થયેલાં
કન્સાઈમેન્ટ જે શિપમેન્ટ્સ માટે બુકિંગ પહેલેથી
જ થઈ ચૂક્યું હોય અને તે સમય દરમ્યાન કોઈ યુદ્ધ અથવા અસામાન્ય પરિસ્થિતિ જાહેર
ન થઈ હોય તેવા કિસ્સામાં બાદમાં લાગુ કરાયેલા વોર રિસ્ક પ્રીમિયમ અથવા વધારાના સરચાર્જ
પાછલા દિવસથી વસૂલવા એ અયોગ્ય છે. વધુમાં તેમણે સ્થિતિને ધ્યાને રાખીને ઉદ્યોગકારોને
માર્ગદર્શન આપ્યું હતું. આ મુદ્દે ઓલ ઈન્ડિયા રાઈસ એસો.ના ઉપપ્રમુખ વિક્રાંત અગ્રવાલ, ચેમ્બરના
કારોબારી સભ્ય નરેન્દ્ર રામાણી દ્વારા ડિટેન્શન ચાર્જ, બુકિંગ કેન્સલેશન ચાર્જ અને ટર્મિનલ લેવલના ચાર્જ તેમજ સ્ટોરેજ અથવા ગ્રાઉન્ડ
રેન્ટમાં વિગેરેમાં રાહત આપવા માટે ખાસ ભાર મુક્યો હતો. ચેમ્બર દ્વારા વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને શિપિંગ લાઈનને માનવતાવાદી અને વ્યવસાયિક દૃષ્ટિકોણ
સાથે અયોગ્ય અને અસહ્ય ચાર્જિસમાંથી તાત્કાલિક
રાહત આપવા અનુરોધ કરાયો હતો. બેઠકમાં મનોજ મનસુખાણી, શરદ શેટ્ટી,
ફ્રેઈટ ફોરવર્ડર્સ એસો.ના જીતુ
ભાવનાની, સંજય નાથાણી, ઋષિરાજસિંહ ચુડાસમા,
પંકજ ટિકિયાની, દામા વિજય, વિશાલ ઠક્કર, મયૂર જેઠવાની, હાર્દિક
ઠક્કર, પરેશ પ્રજાપતિ, ભરત મોટવાણી,
મનોજ લખવાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.