મુલાકાત : હેતલ
પટેલ : કામમાં જ આનંદ અને આનંદથી
કામ કરવામાં માનતા તુલસીદાસભાઇ મૂળજી શેઠના સાતમા સંતાન, ભુજની ધરા પર 1948માં જન્મેલા રાજ્યના સર્વપ્રથમ
મહિલા ચીફ પોસ્ટ માસ્ટર જનરલના હોદ્દે પહોંચેલા પ્રથમ કચ્છી મહિલા આઇ.પી.એસ. વિજયાલક્ષ્મી
શેઠ વહીવટી જવાબદારી સાથે સારસ્વતમ્ના માધ્યમથી કચ્છમાં મહિલાનાં શિક્ષણ અને સશક્તિરણ
માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. ભુજમાં શાળાકીય શિક્ષણ બાદ અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં
ગ્રેજ્યુએશન તથા લાલન કોલેજમાં અનુસ્નાતક કર્યું છે. પ્રથમ વખત પોસ્ટલ સર્વિસની પરીક્ષા
આપતી વખતે પૂરકબળ એવા પિતાને સનદી પરીક્ષા પાસ થયાની ખુશખબરી આપી શક્યા ન હતા. પતિ
રઉફવલી ઉલ્લાહ જેવા આધારસ્તંભને પણ અકાળે ખોયા છતાં ગ્રામ ઉત્કર્ષ અને મહિલા ઉત્કર્ષ
માટે કાર્ય કરવાનું ચાલુ રાખ્યું હતું. ઉત્તરપ્રદેશની નોકરી દરમ્યાન વીજવિક્ષેપના ઉકેલરૂપે
દેશમાં સૌ પહેલી સોલાર પોસ્ટ ઓફિસ અને ત્યારબાદ તબક્કાવાર ચારેક ટપાલ ઓફિસને સોલારથી
સજ્જ બનાવી હતી. વિજયાલક્ષ્મી શેઠનું વ્યક્તિત્વ માત્ર એક સફળ અધિકારી સુધી મર્યાદિત
નથી, પરંતુ પ્રેરણાનું જીવંત ઉદાહરણ છે કે,
સમાજમાં મહિલાઓ માટે કોઇ પણ ક્ષેત્ર અપ્રાપ્ય નથી. મનમાં દૃઢ સંકલ્પ
હોય તો પડકારો રસ્તો રોકી શકતા નથી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે તેમનું કાર્ય
અને વ્યક્તિત્વ યાદ કરવું એ મહિલાશક્તિ, સંકલ્પ અને સિદ્ધિના
સન્માનનો અવસર છે. તેમની જીવંતગાથા અનેક મહિલાઓ માટે પ્રેરણાદીપક છે. - તમારાં ક્ષેત્રમાં મળેલો અનુભવ
તથા કાર્યો વિશે જણાવો : જો તમે મહિલા
દિવસ નિમિત્તે મારો ઇન્ટરવ્યૂ લેતા હો તો તમે ખોટી વ્યક્તિની પસંદગી કરી છે. કારણ કે
મેં કદી પુરુષ અને મહિલાને અલગ નથી માન્યા. તમે એક અધિકારી છો અને તમારી જોબની શું
ડિમાન્ડ છે તે મુજબ તમે કાર્ય કરવાનું હોય. રાત્રે બાર વાગ્યે પણ વિરાન પ્રદેશમાં ચેકિંગમાં
જવાનું થયું છે ત્યારે ત્રી છું તો આ નહીં કરું તે અભિગમ ન ચાલે. ત્રી હોય કે પુરુષ, પોતાનાં કાર્ય પ્રત્યે જવાબદાર રહેવું એ એક
મંત્ર હોવો જોઇએ. - સફળતા મેળવવા
કયા મૂલ્યોએ પ્રેરકબળ પૂરું પાડયું ? : માતા-પિતા
દ્વારા કરાયેલું ઘડતર મોટો ભાગ ભજવે છે. શાળામાં શિક્ષકોએ આપેલા મૂલ્યો પણ આપણી સાથે
રહે છે. કૌશલ્ય તો છે જ, પરંતુ જીવન
ઘડતરમાં બનેલા પ્રસંગો, મળેલી વ્યક્તિ ઘણું શીખવી જાય છે. નાની-નાની
વાતમાં પણ આપણી અવલોકન કરવાની દૃષ્ટિ, ખુલ્લું મન આપણને પ્રેરકબળ
પૂરું પાડે છે. તેના માટે મોટા આચાર કે વિચારની જ જરૂર રહેતી નથી. - નિષ્ફળ સંજોગો કે સંઘર્ષપૂર્ણ
પરિસ્થિતિમાં તમે લીધેલા વ્યૂહાત્મક પ્રયત્નો કયા હતા ? : આ એક પ્રકરણ
છે, આખું પુસ્તક નહીં તેમ વિચારીને નિષ્ફળતામાંથી
પણ પાઠ શીખીએ. આત્મમંથન કરવું જરૂરી છે. દરેક વખતે સફળ થાઓ એવું જરૂરી નથી. કોઈ પણ
કાર્ય બાદ કયાં ચૂક થઈ, શું ઈમ્પ્રૂવ કરી શકીએ, પોતાની ભૂલને ચકાસીએ તો ચોક્કસપણે આવનારાં પ્રકરણો વધારે સારા આવશે. - સ્ત્રી શિક્ષણ વિકાસની દૃષ્ટિએ
તમારો અનુભવ કેવો રહ્યો ? ભવિષ્ય
કેવું હશે ? : આજથી 55 વર્ષ પહેલાં જ્યારે સારસ્વતમ્ શાળાની શરૂઆત કરાઈ ત્યારે છોકરા-છોકરીઓની
શાળા અલગ નહોતી. વાલીઓ વિશ્વાસ સાથે દીકરીઓને ભણાવા મોકલતા, જ્યારે આજે મહિલા કોલેજ હોય તો મોકલીએ એ અભિગમ
જોવા મળી રહ્યો છે. ટેક્નોલોજી સાથે અપડેટ થવાની જરૂર છે. આજે આ સ્થિતિ છે, પરંતુ કાલે
પણ આ જ રહેશે તેવું જરૂરી નથી કારણ કે બદલાવ માત્ર એ જ નિયમ છે. - પરિવાર અને વ્યવસાયના સંતુલન
માટે મહિલાનો વ્યવહારુ અભિગમ કેવો હોવો જોઈએ
? : પરિવાર અને વ્યવસાય સાથે સંતુલન સાધવું
સહેલું નથી. ઘણી વખત બાળકો, ઘર,
પતિ પ્રત્યે ધ્યાન ન આપી શકવાથી અપરાધભાવ પણ જન્મે છે, પરંતુ જાતને ટયુનિંગ કરવું પડે. કોઈ સંજોગોમાં કોઈ મનદુ:ખ થાય તો પણ સ્વીકારવું
પડે. પુરુષ માટે સહજ સ્વીકાર્ય છે, પરંતુ ત્રી પાસે સમાજ બધી
જ અપેક્ષાઓ રાખે છે ત્યારે પરિવાર, સમાજ અને કામગીરી સાથે સમતુલન
સાંધીને ચાલવું, પરંતુ લક્ષ્યાંકો છોડવા નહીં. - પુરુષપ્રધાન માનસિકતા વચ્ચે
પડકારોનો સામનો કેવી રીતે કર્યો ? : પડકાર જેવી કોઈ ચીજ નથી. રસ્તે ચાલતા કાંકરા
પણ લાગે, ડામર કે સિમેન્ટનો રસ્તો પણ આવશે, ત્યારે સારા અનુભવો યાદ રાખવા, જાત પર વિશ્વાસ રાખવો.
ઉચિત ન લાગે ત્યાં સામનો કરવો. સૂઝબૂઝ, વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો.