• શનિવાર, 07 માર્ચ, 2026

કચ્છ-ગુજરાતના ઉદ્યોગ સાહસિકો માટે એ.આઈ. સમિટ

ભુજ, તા. 6 : આજના વિકસતા યુગમાં સૌથી વધુ ચર્ચાતો શબ્દ હોય તો એ છે એ.આઈ. એટલે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ. એ.આઈ.નું ચલણ વર્તમાન સમયે ખૂબ વિસ્તરી રહ્યું છે. ભારત પણ એ.આઈ. ક્ષેત્રે વિશ્વના વિકસિત દેશોની હરોળમાં આવવા હરણફાળ ભરી રહ્યું છે. એ.આઈ.નો સાચો ઉપયોગ થાય અને ખાસ કરીને ઉદ્યોગ સાહસિકો માટે એ.આઈ. કઈ રીતે લાભદાયી સાબિત થાય તેવા ઉમદા હેતુ સાથે કચ્છમિત્ર-સૌરાષ્ટ્ર ટ્રસ્ટ દ્વારા ગુજરાતની બિઝનેસ કોમ્યુનિટી માટે સીમાચિહ્નરૂપ એ.આઈ. સમિટનું આયોજન કરાયું છે. આ સમિટનાં માધ્યમથી ડિજિટલ ગુજરાતનો મુંબઈ, રાજકોટ અને કચ્છમાં રોડમેપ તૈયાર કરવાની દિશામાં ડગ મંડાયા છે. - ભુજ-ગાંધીધામમાં ઉદ્યોગ સાહસિકો માટે માસ્ટરક્લાસ : કચ્છના ઉદ્યોગ સાહસિકો માટે ભુજ અને ગાંધીધામમાં સૌથી મોટી લર્નિંગ ઈવેન્ટ સમાન એ.આઈ. માસ્ટરક્લાસ ભુજ અને ગાંધીધામમાં યોજાશે. 13 માર્ચના સાંજે 4 કલાકે ગાંધીધામમાં ચેમ્બર હોલ ખાતે, તો 14 માર્ચના સવારે 9 કલાકે મુક્તજીવન મહિલા કોલેજ ખાતે માસ્ટરક્લાસનું આયોજન કરાયું છે. આ માસ્ટરક્લાસમાં બિઝનેસમાં એ.આઈ.નો અમલ કરવાની તબક્કાવાર રીત, ઓછા સમયમાં અસરકારક અને વાયરલ કન્ટેન્ટ બનાવવાની વ્યૂહરચના, બદલાતા સમય સાથે વ્યાપારને સુસંગત રાખવાનાં આયોજન અંગે માર્ગદર્શન અપાશે. - નિષ્ણાતો આપશે મહત્ત્વની ટિપ્સ : આ માસ્ટરક્લાસમાં આંતરરાષ્ટ્રીય સ્તરના નિષ્ણાતો એવા સોશિયલ મીડિયાના બાદશાહ એવા અભિષેક કર કન્ટેન્ટને કેશમાં ફેરવવા અને ફાઉન્ડર તરીકે બ્રન્ડવેલ્યૂ વધારવા, તો વી. ટ્રાન્સ ઈન્ડિયાના અશોકભાઈ શાહ મોટા અને નાના ઉદ્યોગમાં એ.આઈ. કેવી રીતે કાર્યક્ષમતા વધારશે તેનું માર્ગદર્શન આપશે. માનસી વાય. ઠક્કર સોશિયલ મીડિયાના સફળતાપૂર્વક ઉપયોગ વિશે માહિતી આપશે, તો કેસીએફના પ્રમુખ મુકેશ દેઢિયા, એમએસએમઈ અને એસએમઈમાં પ્રગતિના નવા દ્વારના લાભ વિશે માહિતીનું આદાન-પ્રદાન કરશે. - પારંપરિક વ્યાપાર અને એ.આઈ. વચ્ચે અંતર દૂર કરવાનો પ્રયાસ : આ સમિટ અને માસ્ટરક્લાસ યોજવાનો મૂળ ઉદ્દેશ પારંપરિક વ્યાપાર અને મોર્ડન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વચ્ચે જોવા મળતા અંતરને દૂર કરવાનો એક નમ્ર પ્રયાસ છે, તો લોકલાઈઝ્ડ એ.આઈ. સોલ્યુશન અને મેન્યુફેક્ચરિંગ, રિટેઈલ અને ફાઈનાન્સ સેક્ટરને સ્પર્શતા મુદ્દાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરાશે. 

Panchang

dd