• શનિવાર, 07 માર્ચ, 2026

ટપ્પર ડેમના જેકવેલ-મશીનરી મોટું જળસંકટ ઊભું કરી શકે

ગિરીશ દ્વારા : ભુજ, તા. 6 : જિલ્લા મથક ભુજ સહિત પશ્ચિમ કચ્છને નર્મદાનું પીવાનું પાણી જ્યાંથી નસીબ થાય છે એવા ટપ્પર ડેમમાં પેયજળ ખેંચવા જેકવેલ સહિતની લગાવવામાં આવેલી મશીનરીનું આયુષ્ય પૂર્ણ થતું હોવાની ચોંકાવનારી વિગતો મળી છે, જેને ખુદ પાણી પુરવઠા વિભાગે સમર્થન આપ્યું છે ને ચિંતાની કોઈ જરૂરત નથી તેવી ધરપત સાથે કહ્યું છે કે, અમે ભવિષ્યની તૈયારીઓ કરી રહ્યા છીએ.  મળેલી વિગતો પ્રમાણે આવનારા દિવસોમાં ભુજ સહિત આખાય પશ્ચિમ કચ્છ માટે પેયજળની વિતરણ વ્યવસ્થા અચાનક ખોરવાઈ જવાની પૂરી શક્યતા હોવાથી સરકાર જો અત્યારથી જ નહીં જાગે તો મોટું જળસંકટ આવી શકે છે. 2018માં ટપ્પર ડેમમાંથી નર્મદાનું પાણી ઉપાડવાનું શરૂ કરાયું હતું. શરૂઆતમાં 100 એમ.એલ.ડી. ને હવે વધીને અત્યારે 225 એમ.એલ.ડી. દૈનિક પેયજળ ઉપાડીને વિતરીત કરવામાં આવે  છે, તેવી માહિતી મળી હતી. એક બાજુ કચ્છમાં પીવાનાં પાણીની ખપત સતત વધતી જાય છે ને બીજીબાજુ ટપ્પર ડેમ આધારિત મશીનરી વગેરેના આયુષ્ય સામે સવાલ ઊભા થયા છે, ત્યારે ભવિષ્યમાં પાણીનો જથ્થો વધારવાને બદલે પેયજળ ખેંચવા માટે પણ મોટું સંકટ આવી શકે તેમ હોવાનું જાણવા મળ્યું હતું. અત્યારે બે જેકવેલ વડે 225 એમ.એલ.ડી. પાણી ડેમમાંથી ખેંચીને ભુજ તથા પશ્ચિમ કચ્છ તરફ પમ્પિંગ કરવામાં આવે છે.  પમ્પિંગ મશીનરીમાં વારંવાર ખોટીપો સર્જાતો હોવાથી પાણી વિતરણ ખોરવાઈ જાય છે. નર્મદાનું પાણી વિતરીત કરવાની જવાબદારી નર્મદા નિગમ અને યોજનાઓમાં અમલ કરાવવાનું કામ પાણી પુરવઠા વિભાગનું છે અને મશીનરી વગેરે બાબતે ધ્યાન આપવાનું કામ પાણી પુરવઠા મિકેનિકલ વિભાગ હસ્તક હોય છે. ભુજ ખાતેના કાર્યપાલક ઈજનરે મોતીસિંહ રાજપૂતનો વારંવાર સંપર્ક સાધ્યો, પણ મોબાઈલ રિસીવ નહીં થતાં ટેકનિકલ વિગતો મળી નહીં. પરંતુ પાણી પુરવઠા વિભાગ ભુજ ખાતેના કાર્યપાલક ઈજનેર કેલાસબેન મેવાડાને મળતા તો મશીનરી જૂની થઈ હોવાને સમર્થન આપ્યું ને કહ્યું કે, ભવિષ્યમાં કોઈ મોટી અછત ન સર્જાય એ માટેના પ્રયાસો અમે અગાઉથી કરતા હોઈએ છીએ. પાણીની જરૂરિયાત વધતી રહે છે. એ વાત સાચી છે અને આવનારા દિવસોમાં ટપ્પર ડેમમાંથી 300 એમ.એલ.ડી. પાણી ઉપાડની જરૂરિયાતને ધ્યાને લઈ નવા જેકવેલની દરખાસ્ત સરકારમાં કરી રહ્યા છીએ. નર્મદા નિગમના કાર્યપાલક ઈજનેર મુકેશ અંગોલિયા કહે છે કે, અત્યારે કોઈ મુશ્કેલી નથી, પરંતુ મશીનરી જૂની થતાં ક્યારેક ફોલ્ટ થાય છેપણ અમે તેને સુધારવાના પ્રયાસો કરી રહ્યા છીએ. મશીનરી બદલવા જેવી છે અને નવા જેકવેલ માટે પણ દરખાસ્ત કરીશું. તેમણે પણ કહ્યું કે, ભવિષ્યમાં 300 એમ.એલ.ડી. ટપ્પર ડેમમાંથી નર્મદાનું પાણી ઊંચકીને પશ્ચિમ કચ્છ તરફ પાઈપલાઈન વાટે રવાના કરવામાં આવશે. જેકવેલને 20 અને 9 વર્ષ થયા છે, તેમાંથી એક નવા જેકવેલની વહેલી જરૂર પડી શકે છે. એટલે જ આગોતરું આયોજન કરી રહ્યા છીએ. 

Panchang

dd