• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

ભુજ ગૌરવપથ બનશે આઇકોનિક રોડ

ભુજ તા. 12 : રાજ્ય સરકારની નિર્મળ ગુજરાત 2.0 યોજના હેઠળ સુધરાઇ દ્વારા ભુજ શહેરના ગૌરવપથને આઇકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવશે. વર્ષ 2024-25માં અંદાજિત 79 લાખ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ હાથ ધરાશે. આ યોજના સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0નો એક ભાગ છે. આ વિકાસ કાર્યક્રમ અંતર્ગત ગૌરવપથ પર ડેકોરેટિવ લાઇટો, ઓર્નામેન્ટલ ગ્રીલ અને સ્વચ્છ ભારત મિશનને લગતા ભીતચિત્રો દ્વારા માર્ગનું સુશોભન કરવામાં આવશે. જૂના સ્ટ્રીટ પોલને બદલીને નવા આધુનિક લગાવવાશે, જેનાથી શહેરની સુંદરતા અને લોક સુખાકારીમાં વધારો થશે. કારોબારી ચેરમેન મહિદીપાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભુજ શહેર સતત વિકાસ પામી રહ્યું છે. રાજ્ય સરકારની આ યોજના હેઠળ ગૌરવપથને આઇકોનિક રોડ તરીકે વિકસાવવાથી શહેરીજનોને વધુ સારી સુવિધાઓ મળશે. ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કરે ઉમેર્યું હતું કે, ભુજ નગરપાલિકા દ્વારા લોક સુખાકારીના કાર્યો સતત કરવામાં આવી રહ્યા છે. શહેરના વિકાસની ખૂટતી કડીઓ પૂરવા માટે નગરપાલિકા પૂર્ણ પ્રયત્નશીલ છે. પ્રમુખ રશ્મિબેન સોલંકીએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિને કારણે કચ્છ આજે પ્રવાસનનું કેન્દ્ર બન્યું છે. જિલ્લા મથક ભુજ પર્યટકોનું પ્રિય સ્થળ બન્યું છે અને તેનો સતત વિકાસ થઈ રહ્યો છે. આ આઇકોનિક રોડ ભુજના શહેરીજનો તેમજ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. 

Panchang

dd