• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

કોટડા-બિટ્ટા માર્ગની કામગીરી બંધ : 16 ગામને હાલાકી

નલિયા/નખત્રાણા, તા. 12 : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેવા નખત્રાણા અને અબડાસા તાલુકાને જોડતા અતિ મહત્ત્વના કોટડા-બિટ્ટા રાજ્ય ધોરીમાર્ગની હાલત હાલમાં દયનીય બની ગઈ છે. છેલ્લા બે મહિનાથી કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી અધવચ્ચે જ બંધ કરી દેવામાં આવતા માર્ગ પરથી પસાર થતા હજારો વાહનચાલકો અને 16 જેટલા ગામોના ગ્રામજના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અંદાજે પાંચ માસ પૂર્વે આ રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા કોટડાથી ઉખેડા સુધીનો આશરે 10 કિલોમીટરનો ડામર રોડ સંપૂર્ણપણે ખોદી નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ તેના પર મેટલ પાથરીને નવીનીકરણની પ્રક્રિયા આગળ ધપાવવાની હતી, પરંતુ કોઈ અગમ્ય કારણોસર છેલ્લા બે માસથી અહીં તમામ મશીનરી અને માણસો સમેટી કોન્ટ્રાક્ટર પલાયન થઈ જતાં આ માર્ગ અત્યારે અકસ્માત ઝોન બની ગયો છે. માર્ગ પર પાથરવામાં આવેલી મેટલને કારણે વાહનો ચલાવવા જોખમી બન્યા છે અને રોજબરોજ નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ટુ-વ્હીલર ચાલકો માટે આ રસ્તો જીવલેણ સાબિત થઈ રહ્યો છે. તો બીજીતરફ વાહનોની અવર-જવરથી ઉડતી ધૂળની ડમરીઓ ખેડૂતો માટે શ્રાપ સમાન બની છે. ઉખેડાના સરપંચ તુષાર ગોસ્વામીએ આ અંગે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રોડની આસપાસ આવેલા ખેતરોમાં ઉભો પાક ડસ્ટને કારણે બરબાદ થઈ રહ્યો છે. નખત્રાણા અને નલિયા જેવા તાલુકા મથકોએ જવા માટે આ માર્ગ મુખ્ય કડી છે, ત્યારે રસ્તો ખોદી નાખવામાં આવતા દર્દીઓ અને વિદ્યાર્થીઓ સહિતના મુસાફરોની હાલત કફોડી બની છે. આ બાબતે વારંવાર માર્ગ અને મકાન વિભાગની નખત્રાણા તેમજ ભુજ કચેરીએ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કાર્યવાહી કરાઇ નથી. આગામી દિવસોમાં સત્વરે કામ શરૂ કરવામાં નહીં આવે તો ગામોના સરપંચો અને અગ્રણીઓ સાથે મળીને ગાંધીચીંધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. 

Panchang

dd