ભુજ, તા. 15 : આજે
જિલ્લા ટ્રાફિક ભવન ખાતે સિટી ટ્રાફિક શાખા ભુજ દ્વારા પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી
ભુજના અધિકારી વિશ્વરાજસિંહ સરવૈયાના સંકલનમાં રહી રિક્ષા તથા ટેક્સીચાલકો માટે વિશેષ
ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભુજ તાલુકા સ્કૂલ વાહન
એસોસિયેશનના પ્રમુખ વિપુલભાઇ જે. પંડયા, મંત્રી શનિભાઇ ગોહિલ તથા લકઝરી બસ
એસોસિયેશનના મંત્રી બાલુભાઇ ઠક્કર, ઉપપ્રમુખ યુવરાજસિંહ જાડેજા,
ટેક્સી એસોસિયેશનના પ્રમુખ યાસીનભાઇ સમેજા, મંત્રી
સલીમભાઇનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મુસાફરોની સલામત
મુસાફરી સુનિશ્ચિત કરવાની અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે ચાલકોમાં જાગૃતિ લાવવાનો
હતો. કાર્યક્રમ દરમ્યાન વાહન ચલાવતી વખતે ધ્યાનમાં રાખવાના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પ્રોજેક્ટર
મારફતે વીડિયો બતાવીને સમજાવવામાં આવ્યા હતા. માર્ગ સુરક્ષા માટેના સોનેરી નિયમો જેવા
કે વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો, સીટબેલ્ટનો ફરજિયાત
ઉપયોગ કરવો, ગતિ મર્યાદાનું પાલન કરવું અને મુસાફરોને સલામત રીતે
ઉતારવા, ડ્રિંક એન્ડ ડ્રાઇવ ન કરવા, વીમા
વગર વાહન ન ચલાવવું, કચ્છમાં આવતા પ્રવાસીઓ પ્રત્યે સંવેદનશીલ
રહી મદદરૂપ તથા કચ્છ જિલ્લો સરહદ પર આવેલો હોવાથી કોઇ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો પોલીસને
જાણ કરવી, નો પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક ન કરવું, દરેક વાહનમાં ફર્સ્ટએઇડ બોક્સ રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ચાલકોને ટ્રાફિક જાગૃતિ સંબંધી પત્રક વિતરણ કરવામાં આવ્યા અને દરેક ડ્રાઇવરને વાહન
ચલાવતી વખતે સીટબેલ્ટ બાંધવા અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભુજ સિટી ટ્રાફિક
શાખા દ્વારા મુક્ત જીવન સ્વામીબાપા મહિલા કોલેજ ખાતે ટ્રાફિક જાગૃતિનો કાર્યક્રમ યોજાયો
હતો. છાત્રાઓને ટ્રાફિક જાગૃતિ બાબતે આગેવાની લઇ અકસ્માતની ઘટનાઓ બનતી અટકાવવાની કાર્યવાહીમાં
મદદરૂપ થવા પ્રેરણા આપવામાં આવી હતી. પી.એસ.આઇ. ટી.આર. રબારી અને ટીમ આ કાર્યમાં જોડાઇ
હતી.