કનૈયાલાલ જોશી તરફથી : મુંબઈ, તા. 2 : સનાતન
સંસ્કૃતિમાં ગાયને માતા કહી છે,
તેનું પૂજન થાય છે, પણ તેના સંતાન-વાછરડું
એટલે કે નંદીને રસ્તે રઝળતો કરી દેવામાં આવે છે, પરિણામે ભૂખ
તરસ કે અત્યાચારથી મોતને ભેટે છે. આવા કાળમાં કચ્છના એક ખેડૂતે એકલા હાથે નંદીશાળા
શરૂ કરી છે, જેમાં શરૂઆતથી જ 40 નંદીને
આશરો આપવામાં આવ્યો છે. કચ્છમાં માંડવી તાલુકાના મોટા ભાડિયાથી શેખાઈબાગ રોડ પર આ
ગોવર્ધન નંદીશાળા શરૂ કરાઈ છે. મોટા ભાડિયાના ખેડૂત રાણશી જેઠાભાઈ ગઢવીએ પોતાની એક
એકર જમીનમાં નંદીશાળાનો આરંભ કર્યો છે. એક મુલાકાતમાં નંદીપ્રેમી રાણશીભાઈ ગઢવીએ
જણાવ્યું હતું કે, મોટા ભાડિયા, નાના ભાડિયા, શેખાઈબાગ
અને ત્રગડી આ ચાર ગામના નંદીને અહીં આશ્રય આપવામાં આવશે. ગયા શનિવારે નંદીશાળાનું
ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હાલમાં 40 નંદીને આશરો અપાયો છે. નંદી માટે
આહાર અને પાણીની વ્યવસ્થા કરાઈ છે. નંદીશાળામાં અવાડા બનાવ્યા છે. રાણશીભાઈ ગઢવીએ
જણાવ્યું કે, હાલમાં નંદીશાળા એકલા હાથે શરૂ કરી દીધી છે, પણ ઉદાર
દિલ દાતાઓને સહયોગ આપવા વિનંતી કરી છે. કારણ કે, ધીરે-ધીરે
જવાબદારી વધવાની છે. મૂંગા જીવને બચાવવાનું કાર્ય છે. એમણે કહ્યું કે, ભગવાન ભોળાનાથ સમક્ષ પોઠિયો થઈને પૂજાતા નંદી મહારાજને બહુ દુ:ખી થતા
જોયા. નંદીને મારી નાખવાના કિસ્સા બન્યા છે. આ જાણીને મારું કાળજું કંપી ઊઠયું અને
આ નિરપરાધી જીવને જીવાડવાનો સંકલ્પ કર્યો અને નંદીશાળાનો શુભારંભ કર્યો. રામસેતુ
બંધ બાંધવા માટે ખીસકોલીએ મદદ કરી હતી એમ હું પણ ખીસકોલી થઈને આ કાર્ય કરું છું.
ભગવાનને પ્રાર્થના કરું છું કે, મારા કાર્યમાં સહયોગ મળી
રહેશે. રાણશીભાઈએ જણાવ્યું કે, નંદી બચાવના કાર્યને વેગ આપવા
અને જનજાગૃતિ ફેલાવવા નંદી રક્ષક અભિયાન શરૂ કરશું. તા. 18થી 20 ફેબ્રુઆરી
એમ ત્રણ દિવસ સત્સંગ સભા કરશું,
જેમાં સંતો-વિદ્વાનો નંદી મહારાજનો મહિમા ગાશે અને જીવદયાનું
મહત્ત્વ સમજાવશે. આ માટે મોરબીના મહામંડલેશ્વર કનકેશ્વરી દેવી માતાજી આઈ દેવલમા
(જૂનાગઢ) દેવનાથ બાપુ, નવા કટારિયા હનુમાન ધામના મહંત
ભાનુપ્રસાદ ગોર, કથાકાર ભીમસેન શાત્રી, કથાકાર અશ્વિનભાઈ શાત્રી, કથાકાર ધનેશ્વર જોશી,
લોકગાયકો જીતુદાન ગઢવી, કિરણબેન ગઢવી વગેરે
વાણી અને સંગીતનો લાભ આપવાના છે. તેમણે જણાવ્યું કે, ગાયને
વાછરડી જન્મે તો માલિક સંભાળે છે અથવા પાંજરાપોળને સોંપી દે છે, પણ વાછરડાને પાંજરાપોળો પણ મહદઅંશે સ્વીકારતી નથી. ગાયમાતાને સાચવવા
પાંજરાપોળો ઘણી છે, પણ નંદીશાળાઓ બહુ અલ્પ છે. અમે નંદીશાળા
શરૂ કરી તેના પછી જાગૃતિ આવી છે. કચ્છમાં બીજી નંદીશાળાઓ પણ શરૂ થશે. અમારી પાસે
વાછરડા છે અને મોટા નંદી પણ છે. વાછરડા માટે અલગ વિભાગ બનાવશું.