• ગુરુવાર, 15 જાન્યુઆરી, 2026

કચ્છના અનેક વિસ્તારોમાં છવાયું ગાઢ ધુમ્મસ

ભુજ, તા. 15 : કચ્છમાં ભેજના વધેલાં પ્રમાણ સાથે ઝાકળવર્ષાના કારણે ભીનો માહોલ સર્જાતાં અનેક વિસ્તારોમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું હતું. વિશેષ રીતે માકપટ વિસ્તારમાં ધુમ્મસનો પ્રભાવ વધુ જોવા મળ્યો હતો. લઘુતમ પારો ઊંચકાવાનો સિલસિલો યથાવત રહેતાં ઠંડીમાં રાહત જોવા મળી હતી. હવામાન વિભાગે લઘુતમ તાપમાન હજુ ઊંચકાશે તેવી શક્યતા વ્યક્ત કરી છે. નલિયામાં 12.8, ભુજમાં 14.2, અંજાર-ગાંધીધામમાં 14.2 ડિગ્રીએ મોડી રાતથી વહેલી સવાર સુધી ઠંડીની ચમક વર્તાઈ, પણ 31થી 32 ડિગ્રી જેટલાં મહત્તમ તાપમાને બપોરનો સમય હૂંફાળો રહ્યો હતો. અહેવાલો અનુસાર આ તાલુકાના માકપટમાં નવેમ્બર, ડિસેમ્બરમાં વાતાવરણમાં સર્જાતા મોટા ફેરફારથી ક્યારેક આંખ ઠરે એવા સર્જાતા ઠંડી ઝાકળવર્ષા ધુમ્મસથી પ્રકૃતિપ્રેમીઓમાં ખુશી ફરી વળી છે. આજે સવારે માકપટમાં સર્વત્ર ઝાકળવર્ષા વચ્ચે ગાઢ ધુમ્મસનાં વાતાવરણે આહલાદક દૃશ્યો સર્જ્યું હતું. આ વાતાવરણને તળપદી ભાષામાં `બઈ' કહેવામાં આવે છે. ઝાકળ વર્ષાથી શાકભાજી સહિતની ખેતીવાડી પેદાશને ફાયદો થશે સવારે માકવર્ષાની ઠંડી પછી દિવસે વિષમ વાતાવરણથી ઠંડી-ગરમી બેવડી ઋતુનો અનુભવ થયો હતો.

Panchang

dd