ભુજ, તા. 6 : આજે
ડો. બાબાસાહેબ આંબેડકરજીના પરિનિર્વાણ દિન નિમિત્તે સ્વયં સૈનિક દળ (એસએસડી)
દ્વારા ભુજમાં મહારેલી અને મહાસભાનું આયોજન થયું હતું. આ ઉપરાંત વિવિધ સંગઠનો અને
પક્ષો દ્વારા ડો. બાબાસાહેબને શ્રદ્ધાંજલિ અર્પતા કાર્યક્રમો યોજાયા હતા.
સ્વયં સૈનિક દળ (એસએસડી) દ્વાર
આજે સવારે શેખપીર ચોકડીથી વિવિધ વાહનો સાથે સૈનિકની વેષભૂષામાં મહારેલીનો પ્રારંભ
થયો હતો. જય ભીમના જયઘોષ સાથેની રેલી માધાપર ચોકડી, નળવાળા સર્કલ, સ્મૃતિવન,
આરટીઓ અને ત્યાંથી ચાલતા નીકળેલી રેલી જ્યુબિલી સર્કલ પહોંચી હતી
અને ત્યાં મહાસલામી આપી હતી. આ રેલી ત્યાંથી આગળ વધી સ્વામિનારાયણ મંદિર, કચ્છ મ્યુઝિયમ, હમીરસર, પાટવાડી
નાકાથી થઈ ખારસરાનાં મેદાનમાં પહોંચી હતી, જ્યાં બપોરથી સાંજ
સુધી મહાસભા યોજાઈ હતી. ડો. બાબાસાહેબે આપેલા અનામત હકો અને સંવિધાનને મજબૂત બનાવવાનું
કામ માત્ર સરકારનું નથી, સમાજના દરેક સભ્યની જવાબદારી,
સમાજમાંથી અંધશ્રદ્ધા, વ્યસન, પેટા જાતિવાદ તથા મનુવાદી માનસિક્તા દૂર કરવા આહ્વાન થયું હતું.
કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.
કે. હુંબલ તથા અનુ. જાતિ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ નરેશભાઈ મહેશ્વરીના નેતૃત્વ તળે
પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધા-સુમન અર્પણ કરી વંદના કરાઈ હતી. આ વેળાએ રામદેવસિંહ
જાડેજા, લાખાજી
સોઢા, રફીકભાઈ મારા, ગનીભાઈ કુંભાર,
ધીરજભાઈ ગરવા, રૂપાભાઈ રબારી, રસિકબા જાડેજા, વાલજી મહેશ્વરી, ઈલિયાસ ઘાંચી વિ. હાજર રહ્યા હતા.
બીજી તરફ, રાષ્ટ્રીય બહુજન સમાજ
સંગઠન - કચ્છ જિલ્લા દ્વારા ભુજમાં ડો. ભીમરાવ આંબેડકર પ્રતિમા સમક્ષ શ્રદ્ધા-સુમન
કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ડો. બાબાસાહેબના
વિચારોને આત્મસાત કરીને સમાજના અંતિમ લોકો સુધી સંવિધાનિક અધિકારો પહોંચાડવા માટે
સંગઠન દ્વારા સંકલ્પ લેવાયો હતો. કાર્યક્રમમાં પ્રદેશ મહેશ્વરી સમાજના પ્રમુખ નરેશ
મહેશ્વરી, ભીમાકોરે ગામના પ્રમુખ સુરેશભાઈ કતેચા, રાષ્ટ્રીય બહુજન સમાજ સંગઠન સંસ્થાપક વિશાલ પંડયા, પ્રેમ
દનીચા, સંજુ મહેશ્વરી, જયેશ મારવાડા,
પ્રતાપ રૂપાણી, રાજુભાઈ દાફડા, મયૂર બળિયા, સુરેશભાઈ પાતારિયા, ધીરજ ધુઆ, દેવ મારવાડા, મણિલાલ
નામોરી, લક્ષ્મીબેન મહેશ્વરી, રસ્મિબેન
સોલંકી, ભીમ આર્મીના હરિભાઈ પરમાર, ઈકબાલ
જત, લખુભાઈ વાઘેલા, રશિલાબેન દુગડિયા,
એડવોકેટ વાલજી આયડી, રમણીક ગરવા, કાનજી ચંદે, ખીમજીભાઈ મહેશ્વરી વિગેરે દ્વારા
શ્રદ્ધા-સુમન અર્પણ કરાવામાં આવ્યા હતા. અખિલ કચ્છ સમસ્ત મેઘવંશી ગુર્જર મેઘવાળ
સમાજ દ્વારા પણ પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં
સમાજના પ્રમુખ અને સબકમિટી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ ભારત સરકારના માજી સભ્ય
ધર્મેન્દ્ર ગોહિલે બબીબેન સોલંકી, શામજી વાણિયા, ડી. કે. પરમાર વિગેરેએ પુષ્પાંજલિ આપી હતી.
અંજારમાં રાજ્યમંત્રીના હસ્તે
શ્રદ્ધા-સુમન
અંજાર નગરપાલિકા દ્વારા
દેવળિયાનાકા પાસે ડો. બાબાસાહેબની પ્રતિમા પાસે રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ
શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની વિશેષ ઉપસ્થિતિમાં તથા સુધરાઈ
પ્રમુખ વૈભવ કોડરાણીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. આ વેળાએ પ્રાંત અધિકારી
શ્રી ચૌધરી, જિલ્લા
પંચાયતના સભ્ય મ્યાજરભાઈ છાંગા વિગેરે રહ્યા હતા.
મુંદરામાં પુષ્પાંજલિ
મુંદરા શહેર અને તાલુકા ભાજપ તથા
અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ડો. ભીમરાવ આંબેડકરને પુષ્પાંજલિ અર્પવાના કાર્યક્રમો
યોજાયા હતા. જેમાં રચનાબેન જોશી (પ્રમુખ, મુંદરા બારોઇ નગરપાલિકા),
મહામંત્રી મુંદરા શહેર હિરેન સાવલા, નગરપાલિકા
ઉપપ્રમુખ જિતેન્દ્ર માલમ, શહેર પૂર્વ પ્રમુખ કિશોરાસિંહ
પરમાર, પ્રણવ જોશી, મુંદરા અનુસૂચિત
જાતિ મોરચાના પ્રમુખ ડાયાલાલ વી. ગોહિલ, પ્રકાશ પાટીદાર
વિગેરે તેમજ પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
નાના કપાયા (શક્તિનગર) મધ્યે પણ
ડો. બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી, જેમાં મુંદરા તાલુકા
ભાજપ પ્રમુખ શક્તાસિંહ જાડેજા, મહામંત્રી જિજ્ઞેશ હુંબલ,
મંત્રી દામજી ધેડા, જખુભાઇ સોધમ (સરપંચ,
નાના કપાયા) વિગેરેએ હાજરી આપી હતી.
માધાપરમાં શ્રદ્ધા-સુમન
ભુજના માધાપર મધ્યે આવેલા ડો.
આંબેડકર શતાબ્દી સ્મૃતિ બાગમાં વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રદ્ધા-સુમન કાર્યક્રમનું
આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જયંતભાઈ માધાપરિયા, પૂર્વ જિલ્લા પંચાયત
અધ્યક્ષા પારુલબેન કારા, ભુજ તા.પં. ઉપપ્રમુખ પ્રવીણાબેન રાઠોડ, માધાપર
જૂનાવાસ ગ્રામ પંચાયતના સરપંચ ગંગાબેન મહેશ્વરી, કાર્યકારી
સરપંચ રમેશભાઈ આહીર, માધાપર નવાવાસ ગ્રામ પંચાયત સરપંચ
વાલજીભાઈ આહીર, એપીએમસી ભુજ ચેરમેન શંભુભાઈ જરૂ, પલ્લવીબેન ઉપાધ્યાય, વર્ધમાનનગર ગ્રામ પંચાયતના
સામાજિક ન્યાન સમિતિના ચેરમેન નેણભાઈ કાનજીભાઈ મહેશ્વરી, સર્વોદય
મિત્રમંડળ - માધાપરના હરજીભાઈ હીરાણી, વિજયભાઈ ભુડિયા,
કાંતાબેન, આશાબેન મહેશ્વરી, કંઢેરાઈ જૂથ ગ્રામ પંચાયત સરપંચ સામજીભાઈ મહેશ્વરી, મહેશ્વરી
સમાજ માધાપરના પ્રમુખ ધનસુખભાઈ આયડી, લાખાભાઈ સામજી વિગેરેએ
ઉપસ્થિત રહી બાબાસાહેબને શ્રદ્ધા-સુમન અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.