• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

મિરજાપરની સત્સંગ-સામાજિક રીતિ ચોવીસી માટે પ્રેરક

કેરા (તા. ભુજ), તા. 6 : ચોવીસીના અગ્રીમ એવા મિરજાપર ગામના નવનિર્મિત લેવા પટેલ સમાજના ઉદ્ઘાટન પ્રસંગે સંતોની અમૃતવાણીથી ગામની એકતા વધુ સઘન બની હતી, જે દરેક ગામ માટે પ્રેરણાસ્રોત હોવાનો પ્રતિભાવ વ્યક્ત થયો હતો. દાતાઓનાં સન્માન કરાયાં હતાં. સાંસદ વિનોદભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. 5.5 કરોડ જેટલી માતબર રકમથી રજવાડી ઢબે નિર્માયેલા મિરજાપર લેવા પટેલ સમાજનું ઉદ્ઘાટન ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતોને આગળ રાખી કરાતાં આખું ગામ અને ચોવીસીમાં ઉજ્વળ પરંપરાના દર્શન થતાં વિશેષ ખુશી ફેલાઈ હતી. બંને દિવસ સંતોની વાણીથી આખું ગામ તરબતર થયું હતું. ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી પુરાણી ધર્મનંદનદાસજી, સ્વામી કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત સાથે સમગ્ર સંતો, સાંખ્યયોગી મહંત સામબાઈ ફઈ સાથે ત્યાગી બહેનો, મિરજાપર મંદિરના ફઈઓના હસ્તે દાતા પરિવારોના સન્માન કરાયાં હતાં. સાંસદ વિનોદભાઈ ચાવડાએ સર્જનને બિરદાવતાં વડીલોને આગળ રાખી થતાં કાર્યોને પ્રેરક ગણાવ્યાં હતાં. કચ્છ ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે શુભેચ્છા આપી હતી. સંપ બનાવી રાખવાની વાત નિશાંતભાઈ કાનજી હીરાણીએ કરી હતી. સમગ્ર ચોવીસીમાં સત્સંગ-સમાજને સાથે રાખી ચાલતા આગેવાન પ્રવીણભાઈ પિંડોરિયાએ સંતો સાથે શબ્દ સંકલન કર્યું હતું. પ્રમુખ શિવજીભાઈ ભીમજી પિંડોરિયા, તાલુકા પં. પ્રમુખ વિનોદભાઈ વરસાણી, મંત્રી નીલેશ માવજી ગોંડરિયા સહિતનાએ આયોજન-વ્યવસ્થા સંભાળ્યાં હતાં. સમગ્ર નિર્માણમાં વેલજી રામજી પિંડોરિયા પરિવાર, કાનજી લાલજી હીરાણી હ. રાજેશભાઈ હીરાણી (કમ્પાલા), ભીખાલાલ હરજી શિયાણી, અરજણ રામજી હીરાણીએ 75થી 31 લાખના મોટા દાતા રહ્યા હતા. તે સિવાય પણ ઘણા દાતાઓ જોડાયા હતા. રાત્રે સરસ્વતી સન્માનમાં તેજસ્વી તારલાને સન્માનાયા હતા. ચોવીસીના સામાજિક આગેવાન અરવિંદભાઈ પિંડોરિયા સહિત અનેક કાર્યકરોએ સહિયારી જહેમત ઉઠાવી હતી. માતૃછાયા કેબલ પર જીવંત પ્રસારણ કરાયું હતું. ભુજ મંદિરના વરિષ્ઠ સંત શાત્રી અક્ષરપ્રકાશદાસજી સ્વામીએ સમગ્ર ઉત્સવને સત્સંગના અને નરનારાયણ દેવના રંગે રંગી સામાજિક મહત્ત્વ સમજાવતાં સંતોનાં સાંનિધ્યથી જ સમાજ ઊજળો હોવાની પ્રેરક વાણી વહાવી હતી. 28/12ના લાલન કોલેજ ખાતે મહારાસોત્સવનો ઉમંગ છવાયો હતો.

Panchang

dd