ભુજ, તા. 21 : સંગીત દરેક મનુષ્યનાં જીવનમાં
પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મહત્ત્વનો ભાગ ભજવે છે. પ્રકૃતિની દરેક ગતિવિધિમાં સંગીત
તાલબદ્ધ રીતે સંકળાયેલું છે ત્યારે કચ્છમાં સંભવત: પ્રથમવાર સંગીતમય ટોક શો `જીના ઈસી કા નામ હૈ'નું નવતર ગણી શકાય તેવું આયોજન આવતીકાલે મુક્તજીવન
સ્વામી બાપા મહિલા કોલેજ ભુજ ખાતે સાંજે કરવામાં આવ્યું છે. કચ્છમિત્રના મીડિયા પાર્ટનરના
સહયોગથી કચ્છીયત ફાઉન્ડેશન આયોજિત કાર્યક્રમમાં ગીત-સંગીતની સાથે જીવનની રોજબરોજની
ઘટના અંગે જીવંત સંવાદ કરવામાં આવશે. સંગીતમય ટોક શોમાં મુખ્ય વક્તા તરીકે જાણીતા લેખક
અને વ્યવસાયે તબીબ એવા ડો. નિમિત્ત ઓઝા પોતાના અનુભવનું ભાથું ઉપસ્થિતો સમક્ષ રજૂ કરશે.
શ્રી ઓઝા જાણીતા યુરોલોજિસ્ટ હોવાની સાથે ઓપરેશન થિયેટર બહાર આકર્ષક ભાવવિશ્વનું સર્જન
કરતા સંવેદનશીલ સર્જક પણ છે. ડો. નિમિત્ત ઓઝાની યુનિક શૈલી વાચકોને આકર્ષે છે,
માટીનો માણસ, જિદંગી તને થેન્ક્યુ, શ્વાસની સેરેન્ડિપિટી તેમના લોકપ્રિય પુસ્તકો છે. આ સંગીતમય ટોક શોમાં જાણીતા
સંગીતકાર કીર્તિભાઈ વરસાણી અને તેમની ટીમ દ્વારા ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવશે. અનિરુદ્ધ
આહીર, ભૂમિકા જોશી, રાજ ગઢવી, શ્રેયસ પઢારિયા, સુમન પટેલ તથા દીપેન હંસોરા દ્વારા વિવિધ
ગીતોની સુરીલી રજૂઆત કરાશે, તો કપિલ ગોસ્વામી જીવનમાં બનતી રોજબરોજની
ઘટનાઓ તેમજ ભાવનાત્મક પાસાંઓને એક જુદા દૃષ્ટિકોણથી જોવા વિશેની વાત કરશે. આકાશવાણી
ભુજના ઉદ્ઘોષક અર્ચના ચૌહાણ તેમને સાથ પૂરો પાડશે. કચ્છીયત ફાઉન્ડેશનના ડો. નિનાદ ગોરનાં
માર્ગદર્શનમાં મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજના આચાર્ય ડો. હીના ડાંગર,
વિધિ ગોર, વૈશાલી જેઠી, ઝરણા
પંડયા, રીમા પઢારિયા, ડો. રુચિ ગોર તથા
કચ્છીયત ફાઉન્ડેશનની આખી ટીમ જહેમત ઉઠાવી રહી છે. આજની ભાગદોડભરી જિદંગીમાં આપણે સંગીતના
સથવારે જોડાઈ શકીએ એ માટે આ ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું
છે.