ભુજ, તા. 21 : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
દ્વારા પક્ષનું સંગઠન વધુ મજબૂત બનાવવાના હેતુસર સંગઠન શ્રીજન અભિયાન અંતર્ગત ગુજરાત
રાજ્યના વિવિધ જિલ્લા અને શહેર એકમના અધ્યક્ષોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ
તરીકે પક્ષના જૂના આગેવાન વી.કે. હુંબલની પસંદગી કરવામાં આવી છે. અંજાર તાલુકાના ભીમાસર ગામના વતની વી.કે. હુંબલ
પક્ષના પીઢ અને અડીખમ આગેવાન છે. હાલ તેઓ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી તરીકે કાર્યરત
છે. આ દરમ્યાન આજે જાહેર કરાયેલી જિલ્લા પ્રમુખોની યાદીમાં તેમને કચ્છ જિલ્લાનું કોંગ્રેસ
પક્ષનું સુકાન સોંપવામાં આવ્યું છે. કોંગ્રેસ
દ્વારા પ્રદેશ કક્ષાએથી જાહેર કરાયેલી યાદી મુજબ આજે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લા અને
શહેર એકમના જુદા-જુદા 40 પદ પર વિવિધ
અગ્રણીઓને નિમણૂક આપવામાં આવી હતી. પક્ષની કેન્દ્રીય સમિતિના હકારાત્મક પ્રતિભાવ બાદ
રાજ્ય એકમે આ વરણીઓની વિધિવત ઘોષણા કરી હતી.
કચ્છ કોંગ્રેસના અધ્યક્ષ પદે નિયુકત થયેલા શ્રી હુંબલ અગાઉ પણ આ પદ ઉપર છ વર્ષ
સેવા આપી ચૂકેલા છે. પક્ષના જિલ્લા અને પ્રદેશ માળખાંમાં તેમને વિવિધ પદ ઉપર સેવા આપી છે. તેઓ વિધાનસભાની
ચૂંટણી ચારવાર લડયા છે, પણ સફળતા નથી
મળી. જિલ્લા પંચાયતમાં વિરોધપક્ષના નેતા પદે ઉપરાંત એપીએમઅસી માર્કેટયાર્ડમાં પણ તેમના
અનુભવનો લાભ મળ્યો છે.