• સોમવાર, 09 જૂન, 2025

નખત્રાણા તાલુકામાં ગ્રામ પંચાયત ચૂંટણીનો ગરમાવો

નખત્રાણા, તા. 8 : આગામી તા. 22/6/2025ના  નખત્રાણા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે  મતદાન યોજાવાનું છે, ત્યારે  સરપંચ, સભ્યોની ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારો નક્કી કરવા સમરસ ગ્રામ પંચાયતનું નિર્માણ કરવા સહિતનો ધમધમાટ વેગીલો  બન્યો છે. નખત્રાણા તાલુકામાં 13 ગ્રામ પંચાયતની સામાન્ય તથા 37 પેટાચૂંટણીમાં ત્રણ સરપંચ અને 34 સદસ્યની ચૂંટણી માટે તા. 22/6ના રવિવારે મતદાન યોજાશે, તેવું ચૂંટણી અધિકારી  સંજય પરીખે જણાવ્યું હતું. નખત્રાણા તાલુકાની 13 ગ્રામ પંચાયતના સરપંચ સભ્યોની સામાન્ય ચૂંટણીઓમાં  સરપંચ-સભ્યોને ચૂંટણીમાં ઝંપલાવવા માટેના કાવા-દાવામાં  ખીરસરા (રોહા), મોસુણા, વાલ્કા ત્રણ ગામોની સામાન્ય ચૂંટણી માટે જનરલ ગ્રામસભા ભરાઈ હતી, જેમાં ત્રણ ગામના તમામ જ્ઞાતિના ઉપસ્થિતો દ્વારા ગ્રામ પંચાયતને સમરસ બનાવવા ગ્રામસભામાં નક્કી થયેલા ઉમેદવાર-સરપંચ-સભ્યો સિવાય કોઇ પણએ ઉમેદવારી કરવી નહીં તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. બીજી તરફ ખીરસરા (રોહા)માં  સરપંચ બક્ષીપંચ અનામત જાહેર થયેલ છે, પણ આ ગામે 100 ટકા વસ્તી પાટીદારોની હોઇ સરપંચ ઉમેદવાર સિવાય  આઠ સભ્ય સમરસ નક્કી કરવામાં આવ્યા છે. ગામના અગ્રણી શાંતિલાલભાઇ પટેલે  વિગત આપતાં  જણાવ્યું હતું કે, ગત ચૂંટણીમાં સરપંચ વગર ઉપસરપંચના વહીવટ હેઠળ ચાલેલી ગ્રામ પંચાયત ફરીથી પુનરાવર્તન થશે. શ્રી પટેલના જણાવ્યા મુજબ ગત ગ્રા.પં.ની  ટર્મમાં  અનામત સરપંચના ઉમેદવાર ન હોવાથી ઉપસરપંચના વહીવટથી ચાલેલી ગ્રામ પંચાયતના સરપંચના અભાવે સમરસ ગ્રામની સરકારી બક્ષીસ ગ્રાન્ટ મળી ન હતી. આ સમસ્યા અંગે ચૂંટણી અધિકારીનું ધ્યાન દોરવા છતાં ફરી અનામત, બક્ષીપંચ સરપંચ ઉમેદવાર જાહેર કરાયા છે, જ્યારે મોસુણા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી માટે  સમસ્ત રબારી વસ્તીવાળા ગામે એકસંપથી સરપંચ-સભ્યો નક્કી કરી સમરસ ગામનું નિર્માણ કરેલ છે. વાલ્કા મોટા-નાના સંયુક્ત જૂથ ગ્રામ પંચાયતના છ માસ અગાઉ સરપંચ સુમારભાઇ કમાભાઇ સીજુનું અવસાન થતાં સરપંચ પદની પેટા ચૂંટણી માટે મળેલી ગ્રામસભામાં સર્વ સંમતીથી ચંદુભાઇ પટેલ સરપંચ પદના ઉમેદવાર નક્કી કરાયેલ છે.  સામે કોઇ પણ ઉમેદવારી ન કરે તેવો ગ્રામસભામાં નિર્ણય લેવાયો છે. આ વિસ્તારના અગ્રણી ઇસ્માઇલભાઇ નોતિયારે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગત ટર્મમાં સામાન્ય સરપંચના ઉમેદવારમાં અનુ. જાતિના સરપંચ પદે સુમારભાઇ સીજુ વરાયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd