ભુજ, તા. 8 : મધ્યપ્રદેશના હરપાલપુર નગરપાલિકાનો
નગરસેવક તેની પત્ની સાથે ભુજ ફરવા આવ્યો હતો અને તે ભુજની ઠગ ટોળકીનો શિકાર બન્યાનું
સામે આવ્યું છે. બીજીતરફ આ બનાવને અંજામ આપનારા એક આરોપીને એલસીબીએ ઝડપી લીધો છે અને
અન્ય પાસેથી તથા ગયેલો મુદ્દામાલ કબજે લેવા ચક્રો ગતિમાન કર્યાં છે. આ બનાવ અંગે આજે
બી-ડિવિઝન પોલીસ મથકે હરપાલપુર, જિ. છતરપુર,
મધ્યપ્રદેશના રાજેન્દ્ર જયરામ મિશ્રાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું
છે કે, તે ખેતીકામ કરે છે અને હરપાલપુરનો નગરસેવક છે. સાતેક દિવસ
પહેલાં તે અને તેની પત્ની ઘરેથી ફરવા નીકળ્યા હતા અને ફરતાં-ફરતાં તા. 5/6ના ભુજ આવ્યા ત્યારે ફરિયાદીને
તેની નગરપાલિકાની ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા મહેન્દ્ર સોનીનો ફોન આવ્યો
અને પૂછ્યું કે તમે ક્યાં છો? ફરિયાદીએ
કહ્યું હું ફરવા ભુજ આવ્યો છું. આથી તેણે કહ્યું કે, થોડા દિવસ
પૂર્વે ઈન્સ્ટાગ્રામ પર મારો સંપર્ક ભુજના એક સોનાંના વેપારી સાથે થયો હતો અને તેણે
મો.નં. આપી જણાવ્યું કે, ભુજ આવવાનું થાય તો મને મળશો હું તમને
બજારભાવ કરતા 15થી 30 ટકા સસ્તા ભાવે સોનું આપીશ
તેવી વાત કરી તેના નંબર આપ્યા હતા. ફરિયાદી રાજેન્દ્રએ આપેલા નંબર પર સંપર્ક કરતાં
બે જણ ક્રેટા ગાડીથી આવ્યા હતા અને એકે કહ્યું કે,
મારું નામ અબ્દુલ ફારુક સમા છે અને તમે અમારી ગાડી પાછળ આવો. તે અમને
તૈયબા ટાઉનશિપ નામની સોસાયટીમાં લઈ જઈ ત્યાં સોનાંનું બિસ્કિટ બતાવી જણાવ્યું કે,
અમે આ બિસ્કિટ દુબઈથી લઈ આવી અહીં બજારભાવ કરતા 15થી 20 ટકા સસ્તા ભાવે વેચીએ છીએ. ફરિયાદીએ કહ્યું, હાલ અમે ભુજ ફરવા આવ્યા છીએ, અમારી પાસે પૈસા નથી કહી નીકળી ગયા હતા.બે દિવસ બાદ તા. 7/6ના ફોન આવ્યો અને જણાવ્યું
કે, તમે ક્યાં છો અમે તમને મળવા માગીએ છીએ. ફરિયાદી
અને પત્ની સ્મૃતિવન ફરવા આવ્યા હોવાનું જણાવ્યું હતુ અને બાદમાં ઝાંસી સર્કલ પાસે મળ્યા
હતા. ક્રેટા ગાડી નં. જી.જે.-12 એફએ-9774વાળી ઊભી
હતી અને તેની બાજુમાં ત્રણ માણસો હતા અને તેઓએ જણાવ્યું કે, હમણા તમારી પાસે જેટલા રૂપિયા હોય તેટલા આપો
અને સેમ્પલના સોનાંનાં બિસ્કિટ લઈ જાવ અને તમારે ત્યાં વેચી નાખજો અને તમને વિશ્વાસ
આવે પછી અમારી સાથે સોનાનો વેપાર કરજો. ફરિયાદીએ વાત-વાતમાં અમારી પાસે રૂા. 2,30,000 રોકડા હોવાનું બોલી ગયા હતા.
આ બાદ તેઓએ આડીઅવળી વાતો કરી એક માણસે ફરિયાદીની પત્ની પાસેની રોકડ ભરેલી બેગ છીનવી
લીધી અને બીજા માણસે ફરિયાદીને ધક્કો મારી ત્રણે ઝડપથી ક્રેટા ગાડી લઈ નાસી છૂટયા હતા.
પોલીસે ફરિયાદના આધારે આરોપી અબ્દુલ ફારુક સમા અને ત્રણ અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાઇ
છે. બીજીતરફ આ ગુનાની તપાસ દરમ્યાન વપરાયેલી સફેદ ક્રેટા કાર નં. જીજે-12-એફએ-9774વાળી રેલવે સ્ટેશન બહાર રોડ
પર પડી હોવાની બાતમી એલસીબીને મળતાં ત્યાં એલસીબીએ ધસી જઇ કારમાં બેઠેલા શખ્સને નામ-ઠામ
પૂછતાં એ આસીફ રમજુ તુર્ક (રહે. રેલવે ફાટક પાસે,
જયપ્રકાશ નગર-ભુજ) હોવાનું જણાવી તેણે ગુનો આચર્યાની કબૂલાત કરી હતી.
તેની પાસેથી ગુનામાં વપરાયેલી કાર તથા બે મોબાઇલ મળી આવતાં કબજે લઇ આગળની કાર્યવાહી
અર્થે બી-ડિવિઝનને સોંપાયો છે. અન્ય આરોપીઓ તથા ગયેલો મુદ્દામાલ રિકવર કરવા પોલીસે
ચક્રો ગતિમાન કર્યાં છે.