• સોમવાર, 09 જૂન, 2025

હવે ભુજમાં યુવાન એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો

ભુજ, તા. 8 : કચ્છનું યુવાધન નશાની નાગચૂડમાં ફસાઇને બરબાદ થઇ રહ્યું છે. થોડા દિવસોથી ભુજની ભાગોળેથી માદક પદાર્થ ગાંજા સાથે યુવાનો ઝડપાયાના બનાવના લખાણની સાહી હજુ ભૂંસાઇ નથી, ત્યાં ફરી ભુજિયાની તળેટીમાંથી 3.5 ગ્રામ માદક પદાર્થ મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ સાથે યુવાન પકડાયાનો બનાવ સામે આવ્યો છે. ગઇકાલે એસઓજીની ટીમને સચોટ બાતમી મળતાં ભુજિયા ડુંગરની તળેટીમાં આવેલા અમરનાથ મહાદેવ મંદિરની સામે આવેલી ખુલ્લી જગ્યામાંથી કેમ્પ એરિયામાં રહેતા 40 વર્ષીય યુવાન ઇકબાલ આમદ માંજોઠીને તેના કબજાના એક્ટિવાની ડિક્કીમાંથી બે કોથળીમાં ભરેલા માદક પદાર્થ મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ 3.5 ગ્રામ કિં. રૂા. 35,000ના જથ્થા સાથે ઝડપી લીધા હતો. તેના કબજામાંથી ડ્રગ્સ ઉપરાંત એક્ટિવા કિં. રૂા. 50,000 તથા એક  મોબાઇલ કિં. રૂા. 3000નો મુદ્દામાલ કબજે લેવાયો હતો. આ માદક પદાર્થ અંગે ઇકબાલની પૂછતાછ કરતાં તેણે જણાવ્યું હતું કે, તેણે આ ડ્રગ્સ બે દિવસ પહેલાં વસીમ આદમ જુણેજા (રહે. કેમ્પ એરિયા-ભુજ) પાસેથી રૂા. ત્રણ હજારમાં ખરીદ્યું હતું. બી-ડિવિઝન પોલીસ મથકે બંને આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે અને વસીમ ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. આ કામગીરીમાં એસઓજીના પી.આઇ. કે.એમ. ગઢવી, એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ જાડેજા, દિનેશભાઇ ગઢવી, નરેન્દ્રસિંહ ઝાલા, હે.કો. રઘુવીરસિંહ જાડેજા, દશરથભાઇ ચાવડા, મયૂરસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, ભાવેશભાઇ ચૌધરી, દિનેશભાઇ ચૌધરી, ડ્રાઇવર-હે.કો. ધર્મેન્દ્રસિંહ ગોહિલ, મહિપતસિંહ સોલંકી જોડાયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd