નલિયા, તા. 15 : અબડાસાના ગરડા પંથકમાં મોટી
અકરી પાસે સ્થપાયેલા સિમેન્ટ એકમમાં ભૂતકાળમાં કામ કરી ચૂકેલા 13 ગામના લોકોએ પોતાને થયેલા અન્યાયના
મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપી નવા ગ્રુપ સામે ધરણા કરવાની ચીમકી આપી હતી. ગ્રામજનોએ
આજે મામલતદાર નલિયાને મળી અનિશ્ચિત મુદ્દત માટે ગાંધીચીંધ્યા માર્ગે જવાની પત્રમાં
ચીમકી આપી હતી. પત્રમાં જણાવ્યું હતું કે, ગામ અકરી મોટી, થુમડી તથા નાની બેર સહિતના 13 ગામ ખેતી તથા પશુપાલન કરીને
પેટિયું રળતા ગ્રામજનો અગાઉ એ.બી.જી. સિમેન્ટ કંપની અને ત્યારબાદ વદરાજ કંપની, ત્યારબાદ એ.બી.જી. ને હવે નિરમા ગ્રુપની વિસ્ટાસ
કોર્પોરેશન લિમિટેડ દ્વારા ખરીદાયેલ સિમેન્ટ કંપની અમારા એરિયામાં આવેલી છે. એ.બી.જી.એ
પોતાનું સેટઅપ કરતાં પહેલાં અમે ગ્રામજનો તથા તે કંપનીને ખેતર વેચનાર માલિકો સાથે કરેલા
કરાર મુજબ લાયકાત મુજબ ધંધો-રોજગાર અને અન્ય નાના-મોટા કોન્ટ્રાક્ટ આપ્યા હતા. ત્યારબાદ
વદરાજ કંપનીએ એકમ ખરીદી લેતાં નાણાકીય પરિસ્થિતિ નબળી રહેતાં અમારા સૌનાં ચૂકવણા અટક્યાં
હતાં. અનેકવાર રજૂઆત કરવા છતાં અમને ગરીબ માણસોને ચૂકવણું થયું નથી. વારંવાર રજૂઆત
અમે મામલતદાર તેમજ કલેક્ટર, ધારાસભ્ય, સાંસદ
વગેરે તથા કંપનીના ડિરેક્ટરને લેખિતમાં કરી હતી, છતાં અમારી કોઇ
પણ માગણીનો સકારાત્મક પ્રતિભાવ મળ્યો નથી. મજૂરવર્ગ, સિક્યુરિટી
ગાર્ડ, ટ્રાન્સપોર્ટિંગવાળાના પેમેન્ટ જેમ કે, લાઇમસ્ટોન, ક્લીંકર, સિલિકા,
સિવિલ વર્કનું કામ કરતા લોકોનું ચૂકવણું, ટ્રેક્ટર,
ટેન્કર, જે.સી.બી., હિટાચી
મશીન, લક્ઝરી બસ, ફોર વ્હીલર, ટીપર, મોટા ભારે વાહનો, ટ્રાન્સપોર્ટ
વગેરેના ચૂકવણા કરવામાં આવ્યા નથી, તેવું જણાવાયું હતું. હવે
જ્યારે નવા જૂથે સિમેન્ટ એકમની ખરીદી કરી છે ત્યારે અમારાં ચૂકવણા કરવામાં નહીં આવે
ત્યાં સુધી કંપની સામે ધરણા ચાલુ રહેશે તેવું જણાવાયું હતું. અમારી આર્થિક પરિસ્થિતિ
ખૂબ ડામાડોળ થઇ ગઇ છે અને સખત અન્યાય થઇ રહ્યો છે. અમને તથા અમારા કુટુંબીજનોને ભૂખે
મરવાનો વારો આવ્યો છે, એવા સંજોગોમાં અમે પાસે ગાંધીચીંધ્યા માર્ગે
જવાનું પસંદ કર્યું છે એમ અંતમાં જણાવ્યું હતું. આવેદનપત્ર આપતી વખતે આગેવાનો જિ.પં.ના
પૂર્વ સભ્ય અનિરુદ્ધસિંહ જાડેજા, હાજી સલીમ ચવાણ, હાજી હારૂન, રાજાભાઇ રબારી, રાજુભા
જાડેજા, કરીમ સુમરા, આમદ હાલેપોત્રા વગેરે
જોડાયા હતા.