રમેશ ગઢવી દ્વારા : કાઠડા (તા. માંડવી), તા. 5
: ગત વર્ષોમાં પશુધનમાં લમ્પિ નામનો રોગચાળો આવતાં અનેક પશુઓનું મરણ થયું હતું, તો
હાલમાં ફરીથી અમુક વિસ્તારોમાં લમ્પિ જેવા જ લક્ષણ ધરાવતો રોગ જોવા મળી રહ્યો છે. પશુઓના
પગમાં મોટા-મોટા ચાંદા જેવા ધાબા પડી રહ્યા છે, જેણે પશુપાલકોની ચિંતા વધારી દીધી છે.
આ અંગે પશુ ડોક્ટરો લમ્પિ કે વાતાવરણ હિસાબે ફેલાતો રોગ છે પરંતુ તે જોખમી ન હોવાનું
કહી રહ્યા છે. માંડવી તાલુકાના કાઠડા, શિરવા, નાના લાયજા સહિતના ગામડાંઓમાં આ રોગ દેખાઇ
રહ્યો છે. પ્રથમ આ રોગના લક્ષણ?દેખાતાં પશુ ઢીલું પડી જાય અને પછી પગમાં કંઇક વાગ્યું
હોય તેવા ધાબા પડે છે અને પછી તેમાં મચ્છર ને માખીનાં કારણે વધી રહ્યા છે. તો મુંદરા,
અબડાસા વિસ્તારમાં મુખ્યત્વે ભેંસોના આંચળમાં પાંચડો નામનો રોગ ફેલાયો છે, જે જોખમી
છે, જેની અસર પશુપાલકોને પણ થઇ?શકે છે જેથી તે વિસ્તારમાં તકેદારી રાખવા પશુ ડોક્ટરો
દ્વારા જણાવાયું છે. આ અંગે માંડવી પશુ દવાખાનામાં સેવા આપતા ડો. રોહિતભાઇ ચૌધરીએ જણાવ્યું
હતું કે, નાના પશુઓ, વાછરડામાં લમ્પિ નામનો રોગ ફરીથી દેખાઇ રહ્યો છે અને તે મુખ્યત્વે
માંડવી તાલુકામાં જ વધુ દેખાઇ રહ્યો છે પરંતુ તે બહુ જોખમી નથી અને સામાન્ય સારવારથી
મટી જાય છે. હજી સુધી દુધાળાં પશુઓમાં તે જૂજ છે પણ વધારે પડતા નાના વાછરડામાં જ દેખાઇ
રહ્યો છે. મુંદરા, અબડાસા તાલુકામાં પાંચડો નામનો રોગ ભેંસોમાં દેખાઇ રહ્યો છે જે અંગે
પશુ ડોક્ટર આશિષ પટેલનો સંપર્ક કરતાં તેમણે આ રોગ દેખાઇ રહ્યો હોવાનું સ્વીકાર્યું
હતું અને જે પશુઓમાંથી માણસોને પણ?તેની અસર થઇ?શકે છે, જેથી સાવચેતી રાખવા કહ્યું હતું.
આ રોગ પ્રથમ ભેંસના આંચળમાં દેખાય છે અને પશુ દોહવાથી તેના લીધે જે વ્યક્તિ દોહવા બેસે
છે તેને પણ હાથમાં ચાંદા પડી જવા જેવું થઇ શકે
છે.બીજીતરફ વધુ વરસાદના લીધે માંડવી પશુ દવાખાનું જર્જરિત થઇ જતાં તેને તાળાં મારી
દેવાયાં છે અને તેની બાજુમાં આવેલ સ્ટોર રૂમમાં સર્વિસ ચાલુ રખાઇ?છે. આ પશુ દવાખાનાંનાં
બિલ્ડિંગની મરંમત કરી ફરીથી ચાલુ કરાય તેવી માંગ પશુપાલકો કરી રહ્યા છે. સ્ટોર રૂમની
આગળ રહેણાક હોવાથી રસ્તેથી પસાર થતાં પશુ દવાખાનું બંધ જ હોય એવું લાગી રહ્યું છે.
આ અંગે પશુ નિરીક્ષક ડો. રોહિતભાઇ ચૌધરીને પૂછતાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે વધુ
વરસાદના લીધે પશુ દવાખાનાંમાં પાણી ભરાઇ જતાં તે બેસવાલાયક રહ્યું નથી. જેથી સ્ટોર
રૂમમાં ખુરશીઓ રાખીને કામ ચલાવ્યા રખાય છે. દવાખાનાંના મરંમત કામ અંગે ઉપલી કક્ષાએ
રજૂઆત કરી દેવાઇ છે તેવું તેમણે ઉમેર્યું હતું.