કુલગામ, તા. 18 : સીઆરપીએફની
ચોકી પર ગોળીબાર કરનારા લશ્કર-એ-તોયબાના આતંકવાદી લતીફ ભટને આજે સુરક્ષા દળોએ એક અથડામણમાં
ઠાર માર્યો હતો. તે એક મસ્જિદની અંદર છુપાયેલો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને
સીઆરપીએફ વડાએ સલામતી દળોને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ ફુલગામમાં તોયબાનો છેલ્લા
સ્થાનિક આતંકવાદીનો ખાત્મો થયો છે. અથડામણ પહેલાં, સુરક્ષાકર્મીઓએ
વીડિયો કોલ દ્વારા તેનો સંપર્ક કર્યો અને તેને શરણાગતિ સ્વીકારવા સમજાવ્યો હતો. જો
કે, તે માન્યો ન હતો, આ પછી દળોએ ઓપરેશન
હાથ ધરી તેને ઠાર કર્યો હતા. સલામતી દળોના જણાવ્યા અનુસાર, લતીફે
ઉમર નિસાર ડાર સાથે મળીને 11 નવેમ્બરે નૌપોરા અખરાન ખાતે સીઆરપીએફની
ચોકી પર ગોળીબાર કર્યો હતો, જેમાં ત્રણ જવાનો ઘાયલ થયા હતા.
ત્યારથી બંને ફરાર હતા. તે એક મસ્જિદમાં છુપાયો હોવાની બાતમી બાદ આ કાર્યવાહી કરવામાં
આવી હતી. દરમિયાન, ગૃહમંત્રી અમિત શાહે પણ સુરક્ષા દળોના કામની
પ્રશંસા કરતાં `એક્સ' પર લખ્યું હતું
કે, સમગ્ર અભિયાન દરમિયાન તમામ સુરક્ષા એજન્સીઓ વચ્ચે ઉત્તમ સંકલન
જોવા મળ્યું હતું.