અમેરિકી રાષ્ટ્રપતિ ચીન આવતાં પ્રોટોકોલ તોડી શીએ
આવકાર્યા
બીજિંગ, તા. 18 : અમેરિકાના
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના રાષ્ટ્રપતિ શી જિનાપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર
પુતિન સાથે ચીનના શેનઝેનમાં ગુરુવારે ત્રિપક્ષીય બેઠક યોજવાના છે. શેનઝેનમાં યોજાનારી
એપેક સમિટમાં ભાગ લેવા માટે ટ્રમ્પ ચીન પહોંચ્યા હતા, જ્યાં પ્રોટોકોલ તોડીને રાષ્ટ્રપતિ શી જિનાપિંગે તેમને આવકાર્યા હતા. એક મીડિયા
હેવાલ મુજબ, વિશ્વની ત્રણ અગ્રણી મહાસત્તાઓના નેતાઓ એકસાથે મળી
રહ્યા છે, ત્યારે સમગ્ર વિશ્વની નજર આ બેઠક પર છે. આ બેઠક એવા
સમયે યોજાઈ રહી છે, જ્યારે વિશ્વ વિવિધ વૈશ્વિક સંકટોનો સામનો
કરી રહ્યું છે. ચીન 12 વર્ષમાં ત્રીજી વખત આ શિખર સંમેલનનું આયોજન કરી
રહ્યું છે. આ વર્ષની થીમ છે `સાથે મળીને સમૃદ્ધ થવા માટે એશિયા-પેસિફિક સમુદાયનું
નિર્માણ'
એટલે કે, એક એવો એશિયા-પેસિફિક સમુદાય જે સામૂહિક
પ્રગતિ દ્વારા સમૃદ્ધ બને છે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેઓ પરમાણુ શસ્ત્રોમાં ઘટાડો કરવા અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત
કરવા અંગે ચર્ચા કરવા માગે છે. ચીન પહોંચ્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ જિનાપિંગ
ડિનર કરતી વેળાએ વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ યુદ્ધ 2022માં
રશિયાના આક્રમણ બાદ શરૂ થયું હતું. જો કે, તેમના સહયોગીઓએ
પહેલેથી જ સંકેત આપી દીધો છે કે, યુક્રેન સંઘર્ષ આ ત્રિપક્ષીય
બેઠકનો ભાગ નહીં હોય.