નવી દિલ્હી, તા.1 : ટ્રાફિક નિયમભંગનાં
મેમો-ચલણ ન ભરનારા વાહનચાલકોની હવે ખેર નથી. સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વના નિર્ણયમાં
કહ્યું હતું કે, જો કોઈ વાહનચાલક મેમો નહીં
ભરે તો તેનું વાહન જપ્ત પણ થઈ શકે છે. કોર્ટે
કહ્યું હતું કે, આશરે 23 હજાર કરોડ રૂપિયાથી વધુના મેમો બાકી છે. તેની વસૂલાત કરવી જરૂરી
છે. કોર્ટે આદેશ આપ્યો કે રેન્ડમ રીતે વાહનોની તપાસ કરી અને જે વાહનોના ચલણ ભરાયા તેમને
જપ્ત કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવે. એક
કેસની સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું કે માત્ર ઈ-મેમો જારી કરવાથી સમસ્યાનો ઉકેલ
આવવાનો નથી. કોર્ટે કહ્યું કે એક વ્યવસ્થિત સિસ્ટમ તૈયાર કરવી પડશે. તમામ રાજ્યોને
કડક સૂચના આપવામાં આવે છે કે ચલણની વસૂલાત માટે વાહન જપ્ત કરવાની રીત અપનાવવામાં આવે. એસ. રાજસીકરણ વિરુદ્ધ ભારત સંઘના કેસની સુનાવણી
દરમિયાન કોર્ટે આ નિર્ણય આપ્યો હતો. આ પહેલાં કોર્ટે ભારત સરકાર પાસેથી ઈ-મેમોનો ડેટા
માગ્યો હતો. ભારત સરકારના જણાવ્યા મુજબ, સમગ્ર દેશમાં કુલ 49 હજાર કરોડ રૂપિયાના ઈ-ચલણ જારી
કરવામાં આવ્યા છે. તેમાંથી 26 હજાર કરોડ
રૂપિયાની વસૂલાત થઈ ચૂકી છે. જ્યારે 23 હજાર કરોડ રૂપિયાની વસૂલાત હજુ સુધી થઈ નથી. કોર્ટના નિર્ણય મુજબ એવા લોકોનાં વાહનો જપ્ત કરી
શકાય છે, જેમના વારંવાર ઈ-ચલણ કપાઈ રહ્યા છે અને તેની
ચુકવણી કરતા નથી. એટલે કે, જે વાહન પર એક કરતાં વધુ ઈ-ચલણ બાકી
છે, પોલીસ તેમનું વાહન જપ્ત કરી શકે છે. પોલીસ રસ્તા પર દોડતાં વાહનોની રેન્ડમ રીતે તપાસ
કરી શકે છે. એટલે કે, પોલીસની તપાસ દરમિયાન જો કોઈ વાહન પર બાકી
ઈ-ચલણ મળી આવે, તો તેને જપ્ત કરી શકાય છે. સર્વોચ્ચ અદાલતે પોતાના નિર્ણયમાં જણાવ્યું છે કે ચલણની વસૂલાત માટે તમામ રાજ્યો અને
કેન્દ્રશાસિત પ્રદેશોએ કડક પગલાં લેવા જોઈએ. તેમાં ઓનલાઈન વાહન સંબંધિત સેવાઓને ફ્રીઝ
કરવી, વાહનની માલિકીનું ટ્રાન્સફર રોકવું, ફિટનેસ અને પીયુસી પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કરવો તેમજ પરિવહન પોર્ટલ પર વાહનોને
બ્લેકલિસ્ટ કરવા જેવા પગલાંનો સમાવેશ થાય છે.