અમદાવાદ, તા. 1 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્ય
સરકારે 2 આઇએએસ અધિકારીઓ સામે આકરી કાર્યવાહી કરી
છે. આઇએએસ અધિકારી ગૌરવ દહિયા અને કે. રાજેશને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી હોવાની
માહિતી સામે આવી છે. ગૌરવ દહિયા હાલ અધિક વિકાસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે, જ્યારે કે. રાજેશ લાંબા સમયથી સસ્પેન્શન હેઠળ
હતા. આઇએએસ અધિકારી ગૌરવ દહિયાને રાજ્ય સરકારે ફરજિયાત નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો
છે. દહિયા અગાઉ નેશનલ હેલ્થ મિશન (એનએચએમ)માં ફરજ બજાવતા હતા ત્યારે તેમની સામે ફરિયાદો
થયેલી હોવાનું જણાવાય છે. હાલ તેઓ અધિક વિકાસ કમિશનર તરીકે કાર્યરત હતા. રાજ્ય સરકારના
આ નિર્ણય બાદ વહીવટી તંત્રમાં ચર્ચા તેજ બની
છે. એક જ દિવસમાં રાજ્ય સરકારનો નિર્ણય કરતા
વહીવટી તંત્રમાં પણ ખળભળાટ જોવા મળી રહ્યો છે. એક તરફ ગૌરવ દહિયા સામે અગાઉની ફરિયાદોને
લઈને કાર્યવાહી થઈ છે, તો બીજી તરફ કે. રાજેશ સામે પણ લાંબા સમયથી
કાર્યવાહી ચાલી રહી હતી. આઇએએસ અધિકારી કે. રાજેશને પણ રાજ્ય સરકારે ફરજિયાત નિવૃત્તિ
આપી છે. કે. રાજેશ છેલ્લા 5 વર્ષથી સસ્પેન્શન હેઠળ હોવાનું જણાવાય છે. ગન લાયસન્સ અને જમીન
સંબંધિત પ્રકરણમાં તેમની સામે સીબીઆઇ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસ બાદ
તેઓ લાંબા સમયથી સસ્પેન્શન હેઠળ રહ્યા હતા. રાજ્ય સરકારે બંને અધિકારીઓ સામેની સમગ્ર
પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને ફરજિયાત નિવૃત્તિનો નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે ગૌરવ દહિયા અને કે. રાજેશ સામે અલગ-અલગ
મામલાઓમાં અગાઉથી ફરિયાદો અને કાર્યવાહી ચાલી રહી હતી. હવે સરકારના આ નિર્ણય બાદ બંને
અધિકારીઓની અગાઉની કામગીરી અને તેમની સામે થયેલી કાર્યવાહીને લઈને ફરી ચર્ચા શરૂ થઈ
છે.