ભુજ, તા. 1 : વાંચનરસ વિકસે અને તે દ્વારા
સર્જનાત્મક શક્તિઓ ખીલે, વિચારશીલ નાગરિકનું
ઘડતર થાય એ માટે બાલ્યાવસ્થાથી જ કચ્છમિત્ર જુનિયર સાપ્તાહિક જેવા પ્રવૃત્તિકેન્દ્રી
અને જોયફુલ લર્નિંગ કરાવતાં સામયિકની જરૂર છે એવું કચ્છમિત્ર જુનિયરના ચોથા વર્ષમાં
પ્રવેશ નિમિત્તે યોજાયેલા પ્રભાવક કાર્યક્રમમાં વક્તાઓએ લાગણી વ્યક્ત કરી હતી. વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિ ખીલે અને
મોબાઈલના યુગમાં વિદ્યાર્થીઓ વાંચન-લેખન તરફ વળે એવા શુભાશયથી માતૃછાયા કન્યા વિદ્યાલય
ભુજ ખાતે `ઓજસ્વિતાનાં ઓવારણાંનો ઉત્સવ'
કચ્છમિત્રના તંત્રી દીપકભાઈ માંકડના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. અધ્યક્ષીય
ઉદ્બોધનમાં દીપકભાઈએ જણાવ્યું હતું કે, માતૃછાયા એ છાત્રાઓના
વ્યક્તિત્વ વિકાસ માટે હંમેશાં તત્પર છે. અહીં લેખન, વાંચન તથા
વિદ્યાર્થી વ્યક્તિત્વ વિકસિત કરવા તમામ પ્રવૃત્તિ કરવામાં આવે છે. છાત્રાઓને સંકોચ મૂકીને અભિવ્યક્ત થવા હાકલ કરી
હતી. કચ્છમિત્ર જુનિયરનું પ્રકાશન સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેને. ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયાના
વિઝનનું પરિણામ છે એવું જણાવ્યું હતું. અતિથિવિશેષ ડો. દર્શનાબહેન ધોળકિયા (પૂર્વ વિભાગાધ્યક્ષ,
ગુજરાતી વિભાગ, કચ્છ યુનિવર્સિટી), અભયભાઈ શાહ (પૂર્વ ડિસ્ટ્રીક્ટ ગવર્નર, લાયન્સ ક્લબ તથા
સંજયભાઈ ઠાકર (સંપાદક, કચ્છમિત્ર જુનિયર) હાજર રહ્યા હતા. આ પ્રસંગે
જૈન મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટના ટ્રસ્ટી નલિનીબેન શાહ, રજનીભાઈ
પટવા, માતૃછાયા અંગ્રેજી માધ્યમના ડાયરેક્ટર પ્રેમલતાબહેન,
માતૃછાયા ત્રણે પાંખના આચાર્યા, સુપરવાઈઝર તથા
રીટાબેન પટવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનો પ્રારંભ માતૃછાયા સંગીતવૃંદ દ્વારા
ભાવપૂર્ણ પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. મહેમાનોને
શાબ્દિક આવકાર આપતાં પ્રાથમિક વિભાગના આચાર્યા પંકજબેન રામાણીએ જણાવ્યું હતું કે,
વાંચન, લેખન અને વિવિધ પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીની
સર્જનાત્મક શક્તિ ખીલે છે. આવા વિદ્યાર્થીઓને
પ્રોત્સાહિત કરનાર કાર્યક્રમમાં સર્વે મહેમાનોને શાબ્દિક આવકાર આપ્યો હતો. ડો. દર્શનાબહેન ધોળકિયાએ તેમના ઉદ્બોધનમાં વ્યક્તિત્વ
વિકાસ માટે વાંચન, લેખન અને મહાનુભાવોના સ્મરણ સેવવાની અપીલ કરી
હતી. સંજયભાઈ ઠાકરે તેમના વક્તવ્યમાં માતૃછાયાની દીકરીઓ કચ્છમિત્ર જુનિયરનું વાંચન,
તેમાં લેખન વગેરે કરી તેમના વ્યક્તિત્વના વિકાસ માટે સુંદર કામ કરી રહી
છે એવું જણાવી કચ્છના એકમાત્ર શૈક્ષણિક સામયિકની વિગતો આપી હતી. આ પ્રસંગે `મને ગમે કચ્છમિત્ર જુનિયર' વિષયમાં શાળા દ્વારા યોજાયેલ લેખન અને વક્તૃત્વ
સ્પર્ધામાં ધોરણ પાંચથી 12ની બહોળી
સંખ્યામાં દીકરીઓએ ભાગ લીધો હતો તથા વિજેતાઓને અને ભાગ લેનાર તમામને પુરસ્કાર આપી પ્રોત્સાહિત
કરવામાં આવ્યા હતા. આ તબક્કે પર્યુષણ નિમિત્તે તપસ્યા કરનાર તપસ્વી દીકરીઓને પણ સન્માનિત
કરવામાં આવી. આ ઉપરાંત ઉગ્ર સિદ્ધિતપ કરનાર ત્રણ દીકરીઓ દિત્યા શ્રેય પટવા, ખુશી પારસ શાહ અને ઝીલ વૈભવ મહેતાનું વિશેષ
સન્માન કરવામાં આવ્યું હતું. એ સાથે કચ્છમિત્ર
જુનિયર વિશે સમીક્ષા લખનાર શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સંચાલન શાળાના
શિક્ષક રોશનીબેને કર્યું હતું અને આભારદર્શન
ભાવિનીબેને કર્યું હતું.