• શુક્રવાર, 02 ઑક્ટોબર, 2026

કોઠારા : પાંચ લાખ ચૂકવ્યા છતાં જમીન પચાવી પાડનારા વ્યાજખોર સામે વધુ એક ગુનો

ભુજ, તા. 1 : અબડાસા તાલુકાના કોઠારા પંથકમાં હાલ જે વ્યાજખોરીનું ચકચારી પ્રકરણ ગાજી રહ્યું છે, તેવા આરોપી વિરુદ્ધ કોઠારા પોલીસ મથકે વધુ એક નવી ફરિયાદ નોંધવામાં આવી છે. પિતાની સારવાર અર્થે વ્યાજે લીધેલા રૂા. પાંચ લાખની સામે 20 ટકાનાં તાતિંગ માસિક વ્યાજની પઠાણી ઉઘરાણી કરી, જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ભોગ બનનારા યુવાનની ખેતીની બે કિંમતી જમીન બળજબરીપૂર્વક પોતાનાં નામે કરાવી લેવાના ગંભીર મામલે કોઠારા પોલીસે આરોપી આમદ મંધરા સામે ખંડણી અને ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ હેઠળ વધુ એક ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. વિગતો અનુસાર, અબડાસા તાલુકાના સાંધવ ગામે રહેતા અને ખાનગી નોકરી કરતા 41 વર્ષીય મહાદેવગર ચંદનગર ગુસાઈને વર્ષ 2015થી 2016 દરમ્યાન પોતાના પિતાજીની સારવાર કરાવવા માટે નાણાંની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી. આ દરમ્યાન સાહેદ નીલેશ ગોસ્વામી (રહે. કોઠારા)ના કહેવાથી ફરિયાદી મહાદેવગરે કોઠારા-માનપુરા હાઇ-વે રોડ ઉપર દુકાન ધરાવતા આમદ હાજીમામદ મંધરા પાસેથી 20 ટકાનાં તાતિંગ માસિક વ્યાજે રૂા. 5,00,000 લીધા હતા. ત્યારબાદ ફરિયાદીએ પોતાની સગવડતા મુજબ આરોપી આમદ મંધરાને વ્યાજ તથા મૂળ રકમ પૈકી પૂરેપૂરા રૂપિયા પાંચ લાખ ચૂકવી આપ્યા હતા તેમ છતાં આરોપી પાસે નાણા ધીરધારનું કોઈ માન્ય લાયસન્સ ન હોવા છતાં તેની દાનત બગડી હતી અને તેણે અવારનવાર પોતાના માણસો મોકલી ફરિયાદી મહાદેવગરને `બાકી નીકળતા રૂપિયા નહીં આપે, તો પતાવી દઈશું' તેવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી વધુ નાણાંની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. ધાકધમકીના જોરે આરોપી આમદ મંધરાએ ફરિયાદી પાસેથી સાંધવ ગામની સીમમાં આવેલી રેવન્યૂ સર્વે નંબર 50/1 તથા સર્વે નંબર 258/પૈકી 2 વાળી ખેતીની કિંમતી જમીનનો બળજબરીપૂર્વક વેચાણ દસ્તાવેજ પોતાનાં નામે કરાવી લીધો હતો. આખરે વ્યાજખોરના અસહ્ય ત્રાસથી કંટાળી ભોગ બનનારા મહાદેવગરે કોઠારા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી આપવીતી જણાવતાં પોલીસે વ્યાજખોરી અને ખંડણી અંગેનો ગુનો દાખલ કર્યો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd