• શુક્રવાર, 02 ઑક્ટોબર, 2026

નાઈરોબીમાં કચ્છીઓની વસાહતનો રસ્તો હટાવતાં 48 પરિવાર મુશ્કેલીમાં

કેરા (તા. ભુજ) તા. 1 : સ્થાનિક લોકોને અનેક પ્રકારની સેવાકીય મદદ કરતા કચ્છીઓની નાઈરોબી સ્થિત વસાહતની દીવાલ મેમ્બર ઓફ કાઉન્ટી એસેમ્બલી (એમ.સી.એ.) દ્વારા હટાવતાં વિરોધનો સૂર ઊઠયો હતો અને કાર્યવાહી અટકાવવા રહીશોએ સંસ્થાઓ પાસેથી મદદની ગુહાર લગાવી હતી. 2016માં નાઈરોબી વેસ્ટ ખાતે મૂળ કચ્છી આગેવાને વ્યાવસાયિક ધોરણે રહેણાકના ફલેટ બનાવી વેચ્યા હતા. વીલોકોટ તરીકે ઓળખાતી આ જગ્યાની બાઉન્ડ્રી અને સોસાયટીમાં પ્રવેશવાનો નાનો પુલ દબાણમાં છે તેવું જણાવી તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરાતાં જ રહીશોમાં નારાજગી સાથે વિરોધનો સૂર ઊઠવા પામ્યો હતો. નાઈરોબીથી મૂળ કેરાના રશ્મિન ભુવાએ કચ્છમિત્રને આપેલી વિગતો મુજબ અહીં એકાદ વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. મામલો સ્થાનિક કોર્ટમાં પેન્ડિંગ છે. દરમ્યાન એમ.સી.એ. દ્વારા જેસીબી, લોડર જેવા સાધનોથી બાઉન્ડ્રી હટાવવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી તે પ્રક્રિયા ગેરકાયદે હોવાનું કચ્છીઓ જણાવી રહ્યા છે.  દરમ્યાન જો સોસાયટીના પ્રવેશનો પુલ તોડી પાડવા ગુરુવારે કાર્યવાહી શરૂ કરાઈ ત્યારે મોટી સંખ્યામાં કચ્છી મહિલાઓ મેદાને આવી હતી અને જોરદાર વિરોધ કર્યો હતો. જો આ પુલ તૂટી જાય તો અહીં રહેતા 48 જેટલા પરિવારો સોસાયટી બહાર જઈ શકે તેમ નથી. અહીં નાની નદી જેવું વહેણ છે તેના ઉર પુલનું નિર્માણ કરાયું છે. સ્થાનીય એમ.સી.એ.ના જણાવ્યા મુજબ આ દબાણ છે જ્યારે કચ્છીઓ કહે છે દબાણ નથી. દરમ્યાન પરિવારો કહી રહ્યા છે કે, જ્યારે સામૂહિક મુશ્કેલી છે ત્યારે પ્રશાસન કે ગેરકાયદે દબાણ તોડનાર સામે કચ્છની સંસ્થાઓ અને આગેવાનોએ મદદ કરવી જોઈએ. જો કે, અમુક કચ્છી આગેવાનોના જણાવ્યાનુસાર તેમને કોઈ રજૂઆત નથી કરાઈ છતાં જેટલું શક્ય બન્યું, આડકતરી મદદ કરી છે અને હજી પણ કરતા રહેશું. દરમ્યાન વિરોધનાં પગલે હાલતુરંત તોડફોડની કાર્યવાહી બંધ કરાઈ છે. કચ્છીઓ કહે છે, સંસ્થાઓ અમને મદદ કરે. અલબત્ત વ્યક્તિગત રીતે માધાપરના આગેવાનોએ સહયોગ આપ્યો હતો.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd