• શુક્રવાર, 02 ઑક્ટોબર, 2026

સાધારાનાં બે બાળકનાં મોતનું રહસ્ય હજુયે ગૂંચવાયેલું

ભીરંડિયારા (તા. ભુજ), તા. 1 : તાલુકાના બન્નીના પાશી વિસ્તારનાં સાધારા ગામે ગઈકાલે એક જ પરિવારના નવ જણને સખત તાવ, માથાંના દુ:ખાવો, ઊલ્ટી જેવી ફરિયાદો બાદ સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં  સારવાર લઈ ઘેર પરત ફર્યા બાદ બે બાળકનાં થયેલાં મોતનું રહસ્ય હજુયે ગૂંચવાયેલું રહ્યું છે. સાધાર ગામ બહાર રહેતા ગરીબ પરિવારના માતા-પિતા અને સાત સંતાનને સખત તાવ, માથાનો દુ:ખાવો, શરદી, ઊધરસ, પેટમાં દુ:ખાવો, ઊલ્ટી જેવી બીમારી બાદ આ પરિવારે સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દવા લઈ ઘેર પરત ફર્યા હતા, જેમાંથી સનાવલા તમાચી ઉ.વ. 8 અને મીરમામદ તમાચી ઉ.વ. 12નાં મૃત્યુ થયાં હતાં, જ્યારે પિતા નમરા વાઢા, માતા મારિયત તમાચી, પુત્રી ફરીદાબાઈ અને જમીલાબાઈ, પુત્રો અયુભ અને સુમાર હજુયે ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ગામલોકોએ આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગની બેદરકારીના લીધે બાળકોનાં મૃત્યુ થયાં છે. ભીરંડિયારા આરોગ્ય કેન્દ્રમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આ પરિવારના મેલેરિયાના રિપોર્ટ માટે સેમ્પલ લઈને દવા આપી જવા દેવાયા હતા, બીજા દિવસે ફરી આ પરિવાર દવાખાને પહોંચતાં તાવની ગોળીઓ આપી રવાના કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ એક બાળકનું મોત થઈ ગયું હતું, જ્યારે બીજા બાળકની તબિયત વધુ બગડતાં 108 મારફતે ભુજની જી.કે. જનરલમાં દાખલ કર્યા બાદ તેનું 25મીએ મોત નીપજ્યું હતું. ગામલોકોના જણાવ્યા મુજબ છેવાડાનાં ગામોમાં ડોકટરો કે આરોગ્યના કર્મચારીઓ ડોકાતા જ નથી, જેથી લોકોને પૂરતી અથવા તો સમયસરની સારવાર મળી શકતી નથી. આરોગ્ય કેન્દ્રોમાં પ્રેક્ટિસ કરતા ડોકટરો દર્દીઓની કોઈ પણ પ્રકારની નોંધ રજિસ્ટરમાં રાખતા નથી અને ચીલાચાલુ કંપનીની દવાઓ આપી દર્દીઓને મોતનાં મુખમાં ધકેલી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરી રહ્યા છે.  દરમ્યાન આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, બનાવની જાણ થતાં જ આરોગ્યની ટીમ રવાના કરી દેવામાં આવી હતી, આ ટીમે પરિવારના લોકોના લોહી અને ગળફાના નમૂના લઈ ગાંધીનગર મોકલી અપાયા છે, જેનો રિપોર્ટ આવ્યેથી મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે. આ ટીમ દ્વારા ઘરનાં પાણી, ખોરાક સહિતના નમૂના લીધા હતા, તો ગામમાં રહેતા અન્ય લોકોની પૂછપરછ કરી સર્વે કરાયો હતો, જેમાં અન્યોમાં કોઈ લક્ષણ જણાયા નહોતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd