• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

ચાલુ વર્ષે રશિયા અને ભારતનો વેપાર વધ્યો : પુતિન

મોસ્કો, તા. 24 : રશિયા સાથે કારોબારના સંબંધો રાખતા દેશો વિરુદ્ધ અમેરિકાનાં આક્રમક વલણ વચ્ચે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે સોમવારે રૂસી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન પુતિને જણાવ્યું હતું કે, રશિયા અને ભારત વચ્ચે આ વર્ષે કારોબાર વધ્યો છે. રૂસી રાષ્ટ્રપતિ 12-13 સપ્ટેમ્બરનાં દિલ્હીમાં યોજાનાર બ્રિક્સ શિખર બેઠકમાં ભાગ લેવા ભારત આવી શકે છે. ભારતના વિદેશમંત્રી જયશંકરે જણાવ્યું હતું કે, ભારત બ્રિક્સ શિખર સંમેલનમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનાં સ્વાગત માટે તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પહેલાં એસસીઓ શિખર બેઠકમાં પણ પુતિનને મળવાની રાહ જોઇ રહ્યા છે, તેવું પણ તેમણે ઉમેર્યું હતું. પુતિને કહ્યું હતું કે, રૂસ-ભારત વચ્ચે દાયકાઓથી મજબૂત સંબંધો બનેલા છે. બન્ને દેશે વ્યાવહારિક રીતે લગભગ તમામ ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ જારી રાખ્યો છે. ભારતીય વિદેશમંત્રીએ રાષ્ટ્રપતિ કાર્યાલય ક્રેમલીનમાં પુતિન સાથે મુલાકાત કર્યા પછી કહ્યું હતું કે, મોદી અને પુતિનની વાર્ષિક બેઠક પણ આપસી અનુકૂળતા મુજબ જલ્દી થશે. રૂસી રાષ્ટ્રપતિએ જયશંકર સાથે મુલાકાત દરમ્યાન કહ્યું હતું કે, હું મારી વાતચીતની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી શુભેચ્છાઓ પહોંચાડવાના અનુરોધ સાથે કરવા માગું છું. પુતિને કિર્ગિસ્તાનમાં યોજાનાર શાંઘાઇ સહયોગ સંગઠન (એસસીઓ)નાં શિખર સંમેલન દરમ્યાન મોદીને મળવાની ઇચ્છા પણ બતાવી હતી. જયશંકરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ મને એક વ્યક્તિગત સંદેશ આપ્યો છે, જે હું આપને સોંપવા માગું છું. આંતર સરકારી આયોગની બેઠક થઇ. મને લાગે છે અમારી પાસે આપને સોંપવા માટે એક સારો રિપોર્ટ છે. ભારતના વિદેશમંત્રીએ મોસ્કોમાં રશિયાના નાયબ વડાપ્રધાન ડેનિસ મંટુરોવ સાથે પણ મુલાકાત કરી હતી. બે નેતાએ ભારત-રૂસ વચ્ચે વ્યાપાર, આર્થિક સહયોગ વધુ મજબૂત કરવા પર ચર્ચા કરી હતી.

Panchang

dd